આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

શિંદેના ચહેરાથી મહાયુતિને ફાયદો થયો, અમને ગૃહ મંત્રાલય આપો: શિવસેના

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની પ્રથમ માગણી સામે આવી છે. પાર્ટીએ ગૃહ મંત્રાલયની માગણી કરી છે. શિંદે સેનાના નેતા સંજય શિરસાટનું કહેવું છે કે મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને ગૃહ વિભાગ મળવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ગૃહ વિભાગ (સામાન્ય રીતે) નાયબ મુખ્યમંત્રી પાસે રહે છે.

સંજય શિરસાટે એમ પણ કહ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાન ગૃહ વિભાગનું નેતૃત્વ કરે તે યોગ્ય નથી. શિંદેને મહાયુતિ સરકારનો ચહેરો બનાવીને રજૂ કરવાથી ભાજપને ચોક્કસ ફાયદો થયો છે. ભાજપ કે એનસીપી મરાઠા આરક્ષણ આંદોલનકારીઓને શાંત કરવામાં સામેલ ન હતા. શિંદેએ જ એ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. તેમણે મરાઠા સમાજને આરક્ષણ પણ આપ્યું હતું. તેથી તેમના માટે સમર્થન અનેકગણું વધ્યું હતું. એકનાથ શિંદે હતા જેમણે મરાઠવાડામાં સૌથી વધુ રેલીઓ યોજી હતી.’

આ પણ વાંચો: એકનાથ શિંદે જ્યારે ગામ ચાલ્યા જાય છે ત્યારે…ભાજપની ચિંતા વધી

એકનાથ શિંદેએ મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરી અને દિલ્હીથી સીધા તેમના વતન સાતારામાં ગયા પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ મહાયુતિમાં મુખ્ય પ્રધાન પદને લઈને મડાગાંઠથી નારાજ હતા. જો કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે પક્ષના વડા અસ્વસ્થ હોવાથી તેમના ગામમાં ગયા હતા. શિવસેનાએ એમ પણ કહ્યું કે સરકારની રચના અંગે અંતિમ નિર્ણય લેવા માટે શનિવારે બેઠક યોજાય તેવી શક્યતા છે.
શિવસેના નાયબ મુખ્ય પ્રધાનપદ સાથે ગૃહ વિભાગ ઈચ્છે છે.

કેબિનેટ અને મુખ્ય પ્રધાનપદ પર કોઈ અંતિમ નિર્ણય ન થયો હોવાને કારણે, રાજ્યના ગૃહ પ્રધાન અને સામાન્ય વહીવટ વિભાગના હોદ્દા પર ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો, એકનાથ શિંદે એ શરતે ભાજપને મુખ્ય પ્રધાનપદ આપવા માંગે છે કે તેમની પાર્ટીને નાયબ મુખ્ય પ્રધાનપદની સાથે ગૃહ મંત્રાલય પણ મળે. અગાઉની સરકારમાં પણ દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન પણ હતા. અગાઉ, શિંદેના સહયોગી અને શિવસેનાના નેતા સંજય શિરસાટે એવો સંકેત આપ્યો હતો કે કાર્યકારી મુખ્ય પ્રધાન કદાચ ડેપ્યુટી સીએમ પદ સ્વીકારશે નહીં.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની રાજનીતિના મેન્ટર બનશે શિંદે! કન્વીનર પદ પર છે નજર!

શિવસેના ઈચ્છે છે કે એકનાથ શિંદે સરકારમાં રહે
જોકે, ઉદય સામંતે શુક્રવારે કહ્યું હતું કે શિવસેનાના તમામ વિધાનસભ્યોએ મળીને એકનાથ શિંદેને સંદેશ આપ્યો છે કે તેઓ ઇચ્છે છે કે તેઓ નાયબ મુખ્ય પ્રધાન બને. સામંતે કહ્યું હતું કે, ‘અમારા નેતા એકનાથ શિંદે માટે સરકારમાં સામેલ થવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેમણે લાડકી બહેન યોજના શરૂ કરી હતી. તેથી સરકારમાં તેમની હાજરી મહત્વપૂર્ણ છે. ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે બેઠક થશે, જેમાં કેબિનેટની રચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. એકનાથ શિંદે પોતે કેટલાક નિર્ણય લેશે.’

આવતીકાલ સુધીમાં મુખ્યમંત્રી અને કેબિનેટ અંગે નિર્ણય શક્ય
સંજય શિરસાટે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ, જેની જાહેરાત થવાની બાકી છે, તે બે ડિસેમ્બરે શક્ય છે. બીજી તરફ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે નવા મુખ્ય પ્રધાન પાંચ ડિસેમ્બરે શપથ લે તેવી શક્યતા છે. શનિવાર સાંજ સુધીમાં એકનાથ શિંદે તરફથી મોટી જાહેરાત થવાની આશા છે. તમને જણાવી દઈએ કે એનસીપી અને અજિત પવારે ભાજપના મુખ્ય પ્રધાનને પોતાની સહમતિ આપી દીધી છે. હવે માત્ર શિવસેના અને એકનાથ શિંદેના કારણે નવી સરકારની રચના અટકી છે. આજે રાત સુધીમાં કે આવતીકાલ સુધીમાં મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button