દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બની શકે તો શિંદેને શું વાંધો: રામદાસ આઠવલે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારના ગઠન સામે ઉભા થઈ રહેલા વિવાદ વચ્ચે શનિવારે આરપીઆઈ (એ)ના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન કોણ બનશે તે ભાજપ હાઈ કમાન્ડ નક્કી કરશે.
તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન રહ્યા પછી એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે આવી જ રીતે એકનાથ શિંદેએ પણ નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારી લેવું જોઈએ. મોટો નિર્ણય લેવાને બદલે સારું છે કે નાનો નિર્ણય લઈ લેવામાં આવે.
આ પણ વાંચો: મહાયુતિ સરકારના શપથ ગ્રહણની તારીખ, સ્થળ અને સમય પણ નક્કી; પરંતુ મુખ્ય પ્રધાન કોણ બનશે?
તેમણે એકનાથ શિંદેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવ્યો છે. શિંદેને આગળ પણ તક મળશે. શું ખબર તેઓ ફરી મુખ્ય પ્રધાન બની જાય, પરંતુ અત્યારે ભાજપ પાસે સમર્થન સારું છે તો ભાજપનો જ મુખ્ય પ્રધાન બનવો જોઈએ. અમારી પાર્ટીનું પણ અપમાન થાય છે. અનેક વખત અન્ય પાર્ટીને બોલાવવામાં આવે છે, પરંતુ અમને બોલાવવામાં આવતા નથી. અપમાન થવા છતાં અમે ભાજપની સાથે જ છીએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યની કેબિનેટમાં અમારી પાર્ટી (આરપીઆઈ)ને એક પ્રધાનપદું મળવું જોઈએ એવી અમારી માગણી છે, હવે ફડણવીસ શું નિર્ણય લે છે તે જોઈશું. મુંબઈના ડેપ્યુટી મેયરનું પદ પણ અમારી પાર્ટીને મળવું જોઈએ.
મહારાષ્ટ્રમાં હજી આઠ દિવસ સરકાર નહીં બને: દાનવે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શનિવારે કહ્યું હતું કે અત્યારની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તોે રાજ્યમાં આગામી આઠ દિવસ સુધી કોઈપણ સરકારનું ગઠન થશે નહીં.
આ પણ વાંચો: ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
તેમણે એમ પણ કહ્યું હતું કે કદાચ ભાજપમાં નેતૃત્વની સમસ્યા છે. જેને કારણે હજી સુધી મુખ્ય પ્રધાનનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભાજપનો મુખ્ય પ્રધાન અને સાથી પક્ષોના બે નાયબ મુખ્ય પ્રધાન હશે: અજિત પવાર
પુણે: રાજ્યના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે અને તેમની કેબિનેટમાં અન્ય સાથી પક્ષોના બે નાયબ મુખ્ય પ્રધાનો રહેશે એમ અજિત પવારે શનિવારે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે શપથ ગ્રહણ સમારંભ પાંચમી ડિસેમ્બરે થશે.