વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પરિવારના ઉમેદવારોનો દબદબો, પણ જીત્યા ૩૦ ટકા
મુંબઈ: હાલની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા ઉમેદવારો વધુ હતા. રાજ્યની કુલ બેઠકોમાંથી ૮૦ ટકા બેઠક પર આવા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. રાજકારણ સાથે જોડાયેલા હોવા છતાં આવા ઉમેદવારોની જીત પાક્કી હોય એવું નથી, કારણ કે આવા ફક્ત ૩૦ ટકા ઉમેદવારની વિધાનસભાની ચૂંટણીમાં જીત થઇ હતી.
આ પણ વાંચો: શિંદેની પીછેહટ છતાં મુખ્ય પ્રધાનના ચહેરાનું સસ્પેન્સ યથાવત, આજે દિલ્હીની બેઠક પર સૌની નજર
ભાજપ દ્વારા વારંવાર વિપક્ષ પર વંશીય રાજકારણ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે, છતાં આ ચૂંટણીમાં તેમના ૩૦ ટકા ઉમેદવારો રાજકીય પરિવાર સાથે જોડાયેલા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮ બેઠકો પર કુલ ૨૩૭ એટલે કે ૮૨ ટકા ઉમેદવાર એવા હતા જેઓ રાજકારણ સાથે સંબંધ ધરાવતા પરિવારના હતા, જેમાં સંતાનો, પતિ-પત્નીઓ, ભાઇ-બહેનો અથવા અન્ય સંબંધ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.
શરદ પવારની એનસીપી દ્વારા સાથે વધુ આવા ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા હતા. એનસીપી-એસપીના ૮૯ ઉમેદવારમાંથી ૩૯ એટલે કે ૪૫ ટકા ઉમેદવાર રાજકીય પરિવાર સાથે જોડાયેલા હતા. અજિત પવારની અનસીપીએ ૫૯ ઉમેદવાર ઊભા કર્યા હતા, તેમાંથી ૨૬ એટલે કે ૪૪ ટકા, કૉંગ્રેસે ૧૦૧ ઉમેદવારમાંથી ૪૨ એટલે કે ૪૧.૫ ટકા આવા ઉમેદવાર ઊભા કર્યા હતા.
આ પણ વાંચો: એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
ભાજપ ૧૪૯ બેઠક પર લડી હતી તેમાંથી ૪૯ બેઠક પર ઊભેલા ઉમેદવારનો સંબંધ રાજકીય પરિવાર સાથે હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા ૧૯ અને શિંદેની શિવસેનાએ પણ આવા ૧૯ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ આવા ઉમેદવારો હતો જેમાં વિદર્ભમાં ૪૯, મરાઠવાડામાં ૩૯, ઉત્તર મહારાષ્ટ્રમાં ૩૮ અને મુંબઈ-કોંકણમાં ૩૪ ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા હતા.