મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
નરેન્દ્ર મોદી કે અમિત શાહ નહીં, ત્રીજા જ નેતા નક્કી કરશે નામ
મુંબઈ: નવા મુખ્ય પ્રધાનનો શપથગ્રહણ સમારોહ 26મીએ યોજાશે તેવી ચર્ચા હતી, પરંતુ હવે સત્તા સ્થાપનાની તારીખ મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 29 નવેમ્બરે યોજાશે. આ શપથ સમારોહમાં ભાજપના 10 વિધાનસભ્યો, શિવસેના શિંદે જૂથના 5 વિધાનસભ્યો અને અજિત પવારની એનસીપીના 5 વિધાનસભ્યો શપથ લઈ શકે છે.
આ પણ વાંચો: એકનાથ શિંદેને ફરી CM બનાવવા શિવસૈનિકો દ્વારા કરાઈ આરતી-પૂજા
રાજનાથ સિંહ પાસે મોટી જવાબદારી
પ્રાથમિક માહિતી એવી હતી મુખ્ય પ્રધાનની પસંદગી નરેન્દ્ર મોદી પસંદ કરશે, પરંતુ હવે નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નહીં પરંતુ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નક્કી કરશે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ હશે. રાજનાથ સિંહને મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન પસંદ કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્ય પ્રધાનપદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ
મુખ્ય પ્રધાનપદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે. દિલ્હીમાં સોમવારે રાતે યોજાનારી વરિષ્ઠ નેતાઓની બેઠકમાં નામ પર મહોર લાગવાની શક્યતા છે. ચૂંટણીમાં ભાજપને મળેલી મોટી સફળતા અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મળેલી સફળતા બાદ તેના પર ભાજપના વરિષ્ઠ નેતાઓ મહોર મારશે.
મુખ્ય પ્રધાનપદ પર ભાજપનો દાવો મજબૂત થયો
હવે મહાયુતિ સમક્ષ પ્રથમ પડકાર મુખ્ય પ્રધાનની પસંદગીનો હશે. 137 બેઠકો જીતીને મુખ્ય પ્રધાનપદ પર ભાજપનો દાવો મજબૂત થયો છે. એકનાથ શિંદે અને અજિત પવારને સમજાવટથી મનાવીને ભાજપ મુખ્ય પ્રધાનપદ સંભાળે તેવી પૂરી શક્યતા છે. મહારાષ્ટ્રની જનતાએ ત્રણેય પક્ષોને સારા મતો આપ્યા છે અને એવી અપેક્ષા છે કે આ ત્રણેય નેતાઓ આગામી પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના ભલા માટે તેનો સદુપયોગ કરશે.
વિધાનસભા પરિણામનો અર્થ શું છે?
- મહારાષ્ટ્રે સતત ત્રીજી વખત સ્થિર સરકાર માટે મતદાન કર્યું.
- ભાજપ સતત ત્રીજી વખત સૌથી મોટી પાર્ટી બની.
- ભાજપે સતત ત્રીજી વખત 100થી વધુ સીટો જીતી.
- દેવેન્દ્ર ફડણવીસ ભાજપ અને સાથી પક્ષો વચ્ચે તાલમેલ જાળવવામાં સફળ
- ભાજપની સાથે સહયોગી પાર્ટીઓને પણ સફળતા મળી.
- 58 સીટો જીતીને શિવસેના પાર્ટીમાં એકનાથ શિંદેના નેતૃત્વની મહોર લાગી
- અજિત પવારે લોકસભામાં મળેલી નિષ્ફળતાને ધોઈ નાખી.
- એનસીપીએ 41 સીટો જીતી અને ભાજપ-શિવસેનાને સારો ટેકો આપ્યો.
- વિકાસલક્ષી અને ભાવનાત્મક મુદ્દાઓને જોડવામાં સફળ થયા
- મહિલા મતદારોનો વિશ્વાસ જીતવાના પ્રયાસો ફળ્યા.