‘જો મેં તારી બેઠક પરથી પ્રચાર કર્યો હોત તો જીતવામાં મુશ્કેલી પડી હોતઃ અજિત પવારે કોને કહ્યું?
કરાડ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હવે મહાયુતિના પક્ષોનો કોન્ફિડન્સમાં વધારો થયો છે. કાકા કરતા વધુ સીટ લઈ આવનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર અત્યારે ફૂલ કોન્ફિડન્સમાં આવી ગયા છે ત્યારે આજે ભત્રીજા માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
મેં તારા મતવિસ્તારમાં જો ચૂંટણી પ્રચાર કર્યો હોય તો વિચાર કર, તારું જીતવાનું મુશ્કેલ થઇ જાત, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે એનસીપી-એસપીના નેતા અને તેમના ભત્રીજા રોહિત પવારને જણાવ્યું હતું.
હાલમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી-એસપીના પ્રમુખ શરદ પવારના પૌત્ર રોહિત પવારનો અહિલ્યાનગર જિલ્લાના કર્જત-જામખેડ બેઠક પર ભાજપના રામ શિંદે સામે ૧,૨૪૩ મતની સાંકડી સરસાઇ સાથે વિજય થયો હતો.
આપણ વાંચો: અજિત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રીઃ છગન ભુજબળે મમરો મૂક્યો…
આજે રોહિત પવારે રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન વાય. બી. ચવ્હાણની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારકની મુલાકાત લીધી હતી ત્યારે ત્યાં અજિત પવાર પણ પહોંચ્યા હતા અને ચવ્હાણના સ્મારક પર પુષ્પાંજલિ અર્પી હતી.
રોહિત પવાર અને અજિત પવાર ત્યાં સામસામે આવી ગયા હતા. ત્યારે અજિત પવારે ભત્રીજાને અભિનંદન આપતા કહ્યું હતું કે ‘આવ, મારા આશીર્વાદ લે. તું એકદમથી બચી ગયો છે.
જો મેં કર્જત-જામખેડમાં રેલી યોજી હોત તો વિચાર, તારું શું થયું હોત.’ ત્યાર બાદ રોહિત પવારે અજિત પવારના પગે લાગ્યો હતો. એનસીપી-એસપીના નેતા રોહિત પવારે ત્યાર બાદ પત્રકારોને કહ્યું હતું કે રાજકીય મતભેદને દૂર રાખીએ તો અજિત પવાર મારા પિતા સમાન છે.
આપણ વાંચો: સ્ટ્રાઈક રેટમાં એકનાથ શિંદે કરતા અજિત પવાર આગળઃ જાણો કોનો કેટલો સ્કોર
‘૨૦૧૯ની ચૂંટણીમાં કાકાએ જ મને મદદ કરી હતી. તેઓ મારા કાકા છે તેથી તેમના પગે લાગવું મારી જવાબદારી છે. ચવ્હાણ સાહેબની આ ભૂમિ પર તેમની પરંપરા અને મૂલ્યોનું પાલન કરવું જરૂરી છે અને હું એમ જ કરી રહ્યો છું’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અજિત પવારના નિવેદન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે કાકાની વાત સાચી છે. જો તેમને મારી બેઠક પર પ્રચાર કર્યો હોત તો આજે પરિસ્થિતિ કદાચ અલગ હોત.