વસઈ-વિરારમાં ઠાકુર યુગનો અંત?
1990થી અપરાજિત હિતેન્દ્ર ઠાકુર અને વિજયની હેટ-ટ્રિક લગાવનારા ક્ષિતીજ ઠાકુરનો ભાજપના ઉમેદવાર સામે પરાજય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે અત્યંત પ્રોત્સાહક છે, પરંતુ આ પરિણામોમાં સૌથી મહત્ત્વનું પરિણામ મુંબઈની પાડોશના પાલઘર જિલ્લાના વસઈ-વિરાર પરિસરમાંથી આવ્યા છે. અહીં ઠાકુર યુગનો આખરે અંત આવ્યો છે.
1990થી અપરાજિત હિતેન્દ્ર ઠાકુર આખરે વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થયા છે. તેમની સાથે તેમની પાર્ટીના બે વર્તમાન વિધાનસભ્યો સહિત ચાર ઉમેદવાર પણ પરાજિત થયા હોવાથી આ વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો છે.
હિતેન્દ્ર ઠાકુરના ભાઈ જયેન્દ્ર ઉર્ફે ભાઈ ઠાકુર ગેંગસ્ટર હતા અને તિહાર જેલમાં અત્યારે કારાવાસ ભોગવી રહ્યા છે. તેમની ધાક હોય કે પછી હિતેન્દ્ર ઠાકુરના કામ હોય, 1990માં પહેલી વખત કૉંગ્રેસની ટિકીટ પર ચૂંટાઈ આવેલા હિતેન્દ્ર ઠાકુર ત્યારબાદ પહેલાં વસઈ અને અત્યારે નાલાસોપારા બેઠક પરથી અપરાજિત રહ્યા હતા.
આપણ વાંચો: નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે
વસઈ વિધાનસભાના બે ભાગ થઈને નાલાસોપારા બેઠક આવ્યા પછી હિતેન્દ્ર ઠાકુરે પોતાના પુત્ર ક્ષિતીજ ઠાકુરને પણ વિધાનસભામાં પહોંચાડ્યો હતો. ક્ષિતિજ ઠાકુરે પણ વિધાનસભ્યપદની હેટ-ટ્રિક લગાવી હતી. 2019માં હિતેન્દ્ર ઠાકુરના વિધાનસભ્યોની સંખ્યા વધીને ત્રણ થઈ હતી અને બોઈસરમાંથી બવિઆના રાજેશ પાટીલ વિજયી થયા હતા.
આ વખતે હિતેન્દ્ર ઠાકુરે પાલઘર જિલ્લામાં કુલ પાંચ ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તેમાં ત્રણ વર્તમાન વિધાનસભ્યો હતા, પરંતુ પાંચેયનો કારમો પરાજય થયો છે. હિતેન્દ્ર ઠાકુર ભાજપના સ્નેહા દુબે-પંડિત સામે જ્યારે ક્ષિતિજ ઠાકુર ભાજપના સ્નેહા દુબે સામે પરાજિત થયા છે. બોઈસરના રાજેશ પાટીલનો શિવસેના (એકનાથ શિંદે)ના વિલાસ તરે સામે પરાજય થયો હતો.
આપણ વાંચો: મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે
વિક્રમગઢમાં પણ ભાજપના હરિશ્ર્ચંદ્ર ભોયે એનસીપી-એસપીના સુનિલ (ભાઉ) ભુસાર અને બહુજન વિકાસ આઘાડીના હેમંત ખુટાડે સામે વિજયી થયા હતા. પાલઘરમાં પણ એકનાથ શિંદેની સેનાના રાજેન્દ્ર ગાવિત શિવસેના (યુબીટી)ના જયેન્દ્ર દુબળા સામે જીતી ગયા હતા.
આ જિલ્લામાં ફક્ત દહાણુની બેઠક મહાયુતિના હાથમાં આવી નહોતી, અહીં સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કમ્યુનિસ્ટ પાટી (માર્ક્સવાદી)ના વિનોદ નિકોલે ભાજપના વિનોદ મેધા સામે સરસાઈ ધરાવતા હતા.