મહાયુતિની ભવ્ય જીત પર આવી મુખ્ય પ્રધાન શિંદેની પ્રતિક્રિયા, કહ્યું કે લાડકી બહેન….

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. મહાયુતિ 220થી વધુ બેઠકો પર આગળ છે. આગામી કેટલાક કલાકોમાં ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઇ જશે.
જોકે, એટલું તો નક્કી જ છે કે મહાયુતિને બહુમતિ કરતા પણ ઘણી વધારે બેઠક મળી રહી છે અને શરદ પવારની એનસીપી તથા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની હાલત વિશે તો શું કહીએ. ભંડારામાં ગયા તો ખાવાનું ખતમ થઇ ગયું અને બહાર આવ્યા તો ચપ્પલ ચોરી થઇ ગયા, જેવો તેમનો ઘાટ થયો છે.
હવે આ અંગે રાજકીય આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા મતદારોનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું છે કે, “મારી પ્રિય બહેનોનો ઘણો ઘણો આભાર. પ્રિય બહેનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું.”
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે CM, ભાજપ અધ્યક્ષ તેમને મળવા આવ્યા
શું બોલ્યા શિંદે?
મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું કે, ‘ હું તમામ મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં મહાયુતિને ભવ્ય વિજય મળ્યો છે. મેં પહેલાથી જ કહ્યું હતું કે મહાયુતિને ભવ્ય વિજય થશે. આ માટે હું રાજ્યની જનતા જનાર્દનનો આભાર માનું છું. હું મારી વહાલી બહેનોનો આભાર માનું છું. મારી લાડકી બહેનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. મારા વહાલા ભાઇઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. મારા પ્રિય ખેડૂત ભાઇઓએ પણ મતદાન કર્યું અને વરિષ્ઠ મદારોએ પણ મતદાનની ફરજ નિભાવી. સમાજના દરેક વર્ગે મતદાન કર્યું. સહુએ મહાયુતિને પ્રચંડ મત આપી વિજયી બનાવી. મહાયુતિએ છેલ્લા બેથી અઢી વર્ષમાં જે કામ કર્યું છે, તેની સ્વીકૃતિ જનતાએ ચૂંટણીમાં આપી છે. તેથી અમે લોકોનો આભાર માનીએ છીએ. હું મારા મતવિસ્તારના લોકોનો પણ આભાર માનું છું. હું તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમે અઢી વર્ષમાં જે કામ કર્યું એ કામની ડિલિવરીની રસીદ લોકોએ અમને આપી છે. હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.