ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના મોવડીમંડળ પાસે 10,000 આંખો અને 20,000 કાન છે અને તેઓ બધા જ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, એમ પાર્ટીના નેતા ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું. તેમને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ધોરણે મહારાષ્ટ્રમાં પણ સરપ્રાઈઝ આપવામાં આવી શકે છે? ત્યારે તેમણે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત સફળતા મેળવી હોવા છતાં ભાજપે મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા અને રાજસ્થાનમાં વસુંધરા રાજે જેવા દિગ્ગજ નેતાને અવગણીને ભજનલાલ શર્માને ટોચનું પદ આપ્યું હતું.
આ પણ વાંચો: ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
મહારાષ્ટ્રમાં સરકારના ગઠનની પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી રહી છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું અપેક્ષિત છે ત્યારે પહેલી વખતના વિધાનસભ્યને મુખ્ય પ્રધાન બનાવી શકાય? એવો સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું તકે આ બાબતે તેમને કશી જાણકારી નથી.
ભાજપ કાયમ નવી પેઢી (નેતૃત્વમાં) તૈયાર કરતી હોય છે અને તેથી જ અનેક પ્રકારના પ્રયોગ કરવામાં આવતા હોય છે, પછી તે ટિકિટની વહેંચણી હોય, તેમાં પાર્ટી નવા નેતૃત્વને શોધતી હોય છે. આ જ અમારી પાર્ટીની વિશેષતા છે. મને ખબર નથી કે પાર્ટી મહારાષ્ટ્રમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ધોરણે નિર્ણય લેશે કે નહીં, પરંતુ અમે એવી માનસિક તૈયારીમાં છીએ કે પાર્ટીના નેતૃત્વને નક્કી કરવા દો, જે તેમણે નક્કી કરવું છે, એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા
ભાજપમાં દરેક વ્યક્તિને ખબર છે કે તેમને કઈ જાણકારી રાખવાની છે અને જે સંબંધિત ન હોય એવી માહિતી જાણવાની ઉત્સુકતા રાખવી નહીં, એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં પાર્ટી સરકાર બનાવવા માટેની મહેનત કરી રહી છે ત્યારે દિલ્હીની મુલાકાત ન કરી રહ્યા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે પાટીલે કહ્યું હતું કે પાર્ટીના મોવડી મંડળ પાસે 10,000 આંખો અને 20,000 કાન છે અને તેને આધારે જ નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યાં જઈને મળવાની કોઈ આવશ્યકતા નથી. મોવડીમંડળ મને જોઈ રહ્યું છે અને જે તેમને યોગ્ય લાગશે એ તેઓ કરશે.
આ પણ વાંચો: માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…
તેમણે એમ પણ કહ્યું હતું કે પરિણામો બાદ બે-એક વખત તેઓ મુંબઈ આવ્યા હતા અને ફડણવીસ, બાવનકુળે વગેરેને મળ્યા હતા, પરંતુ આ બેઠકોમાં ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. મેં ક્યારેય પૂછ્યું નથી કે તેઓ મને ક્યું પદ આપવાના છે કે પછી અન્ય કોઈ વાત પણ પુછી નથી, એમ તેમણે કહ્યું હતું.