Loksabha Election: ભાજપના ઉમેદવારોની દસમી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી(Loksabha Election) પહેલા ભારતીય જનતા પાર્ટી(BJP)એ ઉમેદવારોની દસમી યાદી (Candidate List)જાહેર કરી છે. આ યાદીમાં 9 લોકસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીએ યુપી, બંગાળ અને ચંદીગઢની સીટો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે.
આ યાદીમાં નોંધનીય વાત એ છે અલાહાબાદના સાંસદ રીટા બહુગુણા જોશી અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપવામાં આવી છે, જયારે પવન સિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ભાજપે આસનસોલથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપી છે.
ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં ઉત્તર પ્રદેશની 7 અને ચંદીગઢ અને બંગાળની એક-એક બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: મતદાનમાં ‘Heat Wave’ કેટલી મુશ્કેલી ઊભી કરશે?
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા મૈનપુરીથી ભાજપે રાજ્ય સરકારમાં પ્રધાન જયવીર સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કૌશામ્બીથી ભાજપે વિનોદ સોનકર, ફુલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, બલિયાથી નીરજ શેખર, માછલીશહરથી બીપી સરોજ અને ગાઝીપુર બેઠક પરથી પારસનાથ રાયને મેદાનમાં ઉતાર્યા છે.
ચંદીગઢથી સંજય ટંડનને ઉમેદવાર બનાવ્યા છે. ચંદીગઢ બેઠક પર હાલના સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપવામાં આવી છે. નોંધનીય છે કે કિરણ ખેર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી છે.
પાર્ટીએ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપી છે. અગાઉ પાર્ટીએ આ બેઠક પરથી ભોજપુરી કલાકાર પવન સિંહને ટિકિટ આપી હતી. જો કે, તેમણે આ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. શત્રુઘ્ન સિંહા ટીએમસી તરફથી આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.