એ અહેવાલને કારણે ગડકરીની ટિકિટ ન કપાઈ
કામ હી મેરી પહેચાન હૈ ના મંત્રને માનતા કેન્દ્રીય પ્રધાન માટે લોકોનો પ્રેમ ફળ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનેક વખત જાહેર મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર અલગ અલગ મુદ્દે ટીકા કરી હોવાથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ટિકિટ કપાશે એવું માનવામાં આવતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહારાષ્ટ્રની નાગપુર લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ઉમેદવારી આપી છે. પાર્ટી હાઈ કમાન્ડની અનિચ્છા છતાં ટિકિટ કેવી રીતે મળી એનો ખુલાસો ખુદ ગડકરીએ કર્યો છે.
તેમણે કહ્યું હતું કે પાર્ટીએ ખાનગી રિપોર્ટના આધારે તેમને નાગપુર માટે ઉમેદવાર બનાવ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, અમારી પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે. ગમે તેટલો મોટો નેતા હોય, પાર્ટી પ્રતિનિધિઓ તેના મતવિસ્તારમાં જાય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. નિરીક્ષકો અમારા મતદાર સંઘમાં પણ આવ્યા હતા અને કેન્દ્રીય નેતૃત્વને તેમણે પોતાનો રિપોર્ટ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું 10 વર્ષથી નાગપુરનો સાંસદ છું. મેં જનતાને આપેલા વચનો પૂરા કર્યા છે, જનતા મારું નામ અને કામ જાણે છે. મેં નક્કી કર્યું હતું કે હું જનતાના આશીર્વાદ લઈશ. હું ઘરે ઘરે જઈને લોકોના આશીર્વાદ લઈશ. મેં કરેલા કામનો હિસાબ જનતાને આપીશ. મેં કોઈ ભેદભાવ રાખીને કામ કર્યું નથી. જેમણે મને મત આપ્યો છે અને જેમણે મને મત નથી આપ્યો તેમના માટે પણ મેં કામ કર્યું છે.
લોકોના ગડકરી પ્રત્યેના પ્રેમને કારણે તેમની ટિકિટ બચી હોવાનું મનાય છે.
ભાજપની 370 પ્લસ સીટો પર ગડકરીએ શું કહ્યું?
ભાજપની 370 પ્લસ સીટો પર વિજયના લક્ષ્યાંક અંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મોદીજીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 10 વર્ષમાં જે કામ કર્યું છે તેનાથી જનતાને ઘણો ફાયદો થયો છે. કોંગ્રેસ 60-65 વર્ષમાં જે ન કરી શકી તે અમે 10 વર્ષમાં કરી બતાવ્યું. લોકો અમને ચોક્કસ સમર્થન આપશે. અમારી સરકારે મહારાષ્ટ્રમાં પણ સારું કામ કર્યું છે. મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત જોવા મળશે.