Odishaમાં લોકસભા અને વિધાનસભાનો સંગ્રામ સાથે, પણ BJD કેમ ઉમેદવારો જાહેર નથી કરતી?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે ચાર રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાંના પક્ષોએ બેવડી મહેનત અને રણનીતી સાથે મેદાનમાં ઉતરવાનું છે. આ ચાર રાજ્યોમાંથી ઓડિશા માં પણ ચૂંટણી થવાની છે ત્યારે અહીંના શાસક પક્ષ બીજેડી હજુ મુંઝવણમાં હોય તેમ લાગે છે. આનું કારણ એ છે કે બીજેડીએ ભાજપ સાથે જોડાણ કરવું કે નહીં તે મામલે કોઈ નિર્ણય થયો નથી. રાજ્યના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ છે. તેથી ઉમેદવારોની જાહેરાતમાં હાલમાં વિલંબ થઈ રહ્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.
આ વખતે ઓડિશામાં 21 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. જો બંને પક્ષો વચ્ચે ગઠબંધન થશે તો આ ચૂંટણી વધુ રસપ્રદ બની જશે કારણ કે BJD સત્તામાં છે અને ભાજપ વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે.
ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે ચાર તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે.
2019ની સામાન્ય ચૂંટણીઓમાં બીજેડીએ 21 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે આઠ અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. તે જ સમયે, વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને 113 બેઠકો, ભાજપને 23 બેઠકો, કોંગ્રેસને નવ બેઠકો, સીપીઆઈ(એમ)ને એક બેઠક મળી હતી અને એક અપક્ષ ઉમેદવાર પણ જીત્યો હતો. હવે જોવાનું એ છે કે બીજેડી ભાજપ સાથે હાથ મિલાવે છે કે પછી એકલા લડી લેવાના મૂડમાં છે.