લોકસભા ચૂંટણીઃ PM મોદીના સમર્થનમાં આ દેશના 16થી વધુ શહેરમાં રેલી યોજાઇ

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અહીંના ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઇને ઇસ્ટ કોસ્ટ પરના આઇકોનિક ગોલ્ડન બ્રિજ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ આગામી લોકસભા ચૂંટણીમાં વિજયી થવા માટે રેલીઓ કાઢી હતી.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (ઓએફબીજેપી) યુએસએ દ્વારા રવિવારે મોદી કા પરિવાર માર્ચ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયાના અહેવાલ અનુસાર વડા પ્રધાન મોદીની પુનઃચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(એનડીએ)ને ભારતમાં આગામી સંસદની ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠક જીતીને સમર્થન આપવા ૧૬થી વધુ શહેરોમાં પ્રતિષ્ઠિત સ્થળોએ રવિવારે રેલીઓ યોજવામાં આવી હતી.
ઓએફબીજેપી-યુએસએના પ્રમુખ અદાપા પ્રસાદના જણાવ્યા અનુસાર ભારતના વિવિધ રાજ્યો, કાશ્મીરથી કેરળ અને પૂર્વમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય અમેરિકન સમુદાયના સભ્યો અમેરિકાના ૧૬થી વધુ શહેરોમાં પ્રતિષ્ઠિત સ્થળોએ મોદી કા પરિવાર તરીકે કૂચ કરવા માટે તમામ રંગોમાં બહાર આવ્યા હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ ખાનગી કંપની માટે ચૂંટણી પંચનો આ આદેશ જાણી લો
સાન ફ્રાન્સિસ્કો, હ્યુસ્ટન અને એટલાન્ટા સહિત ૧૬ શહેરમાં માર્ચ યોજાઇ હતી. મીડિયા રીલીઝ અનુસાર નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધીના તમામ વય જૂથોમાં ફેલાયેલા સહભાગીઓ મોદી અને ભારત માટેના તેમના વિઝન માટે તેમનું અતૂટ સમર્થન વ્યક્ત કરવા એકત્ર થયા હતા.
ઓએફબીજેપી-યુએસએના જનરલ સેક્રેટરી ડો. વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે એનઆરઆઇ અને ભારતીય ડાયસ્પોરા ભાજપ અને મોદીના સમર્થન માટે ઉત્સાહી છે અને તેઓએ તેમના પરિવારો સાથે સમગ્ર યુએસમાં કૂચ કરી છે.