લોકસભા ચૂંટણીઃ એમવીએની સીટ વહેંચણીની બેઠકમાં નેતાઓએ કર્યું વોકઆઉટ, જાણો કેમ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીને માંડ મહિના જેટલો સમય બાકી છે ત્યારે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દે હજી સુધી ઉકેલાયો નથી. ફક્ત એટલું જ નહીં, હાલમાં જ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડીની યોજવામાં આવેલી બેઠકમાં તો ગુસ્સે ભરાયેલા નેતાઓએ બેઠક છોડીને ચાલ્યા જવાનું પસંદ કર્યું હોવાના અહેવાલ છે.
એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારની હાજરીમાં સિલ્વર ઓક ખાતે યોજવામાં આવેલી બેઠકમાં આ ઘટના બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બેઠકમાં શરદ પવાર ઉપરાંત કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોળે, શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમ જ બાળાસાહેબ થોરાત જેવા મોટા નેતાઓ ઉપસ્થિત હતા.
આ બેઠકમાં સાંગલી, ભિવંડી અને દક્ષિણ મુંબઈની બેઠકના મામલે નેતાએ વચ્ચે મતભેદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સાંગલી બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે દ્વારા ચંદ્રહાર પાટીલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કૉંગ્રેસના નેતા તેમ જ તેમ જ ભૂતપૂર્વ પ્રધાન વિશ્વજીત કદમે કૉંગ્રેસ હાઇ કમાન્ડને પત્ર લખીને સાથી પક્ષોના દબાવમાં આવીને આ બેઠક હાથમાંથી ન જવા દેવાની માગણી કરી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?
સાંગલીથી કૉંગ્રેસના વિશાલ પાટીલ ચૂંટણી લડવા માટે ઇચ્છુક હોવાના અહેવાલ છે. જેને પગલે વિશાલ પાટીલને અહીંથી ટિકિટ આપવામાં આવે, તેવી માગણી થઇ રહી છે. આ ઉપરાંત દક્ષિણ મુંબઈમાં બેઠકના મામલે મહાવિકાસ આઘાડીમાં તું-તું-મૈં-મૈં ચાલી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અનિલ દેસાઇને અહીંથી ઉદ્ધવ ઠાકરે ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઇ રહી છે.
અહીંથી ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડના પુત્રી વર્ષા ગાયકવાડને ટિકિટ મળે તે માટે કૉંગ્રેસ તૈયારી કરી રહી હતી. જોકે, કૉંગ્રેસે હવે તે આશા છોડી દીધી છે તેવું લાગી રહ્યું છે અને પોતાની નજર ઉત્તર મુંબઈ લોકસભા બેઠક ઉપર માંડી છે. જ્યારે ભિવંડી બેઠક હાલ શરદ પવાર જૂથની એનસીપી પાસે છે. જોકે, કૉંગ્રેસ અહીં પોતાનો ઉમેદવાર ઊભો કરવા માગતી હોવાના કારણે અહીં પણ મતભેદ સર્જાયો છે.