લોકસભા ચૂંટણીઃ નાગપુરમાંથી ગડકરીએ ભર્યું ઉમેદવારીપત્ર, વિકાસ ઠાકરે સામે ટક્કર
નાગપુર: લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે અને તમામ પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, હવે ઉમેદવારી પત્ર ભરવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે અને ભાજપ તરફથી બુધવારે નાગપુર ખાતેથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પૂર્વે મંગળવારે ભાજપના નેતા સુધીર મુનગંટીવારે ચંદ્રપુર ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
નીતિન ગડકરીની સામે નાગપુર બેઠક ઉપરથી મહાવિકાસ આઘાડી તરફથી કૉંગ્રેસના ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસે નાગપુર ખાતેથી વિકાસ ઠાકરેને ઉમેદવારી આપી છે. એટલે નીતિન ગડકરી જેવા દિગ્ગજ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાની સામે વિકાસ ઠાકરેની ટક્કર થશે.
આપણ વાંચો: ‘કેટલાક નેતા ડાબેરી કે જમણેરી નહીં, તકવાદી હોય છે…’ નીતિન ગડકરીએ કોના વિષે આવું નિવેદન આપ્યું?
નીતિન ગડકરીએ પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ અજિત પવાર જૂથની એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. તેમણે જિલ્લાધિકારીની કચેરી પહોંચીને પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.
એ વખતે ગડકરીની સાથે ભાજપ ઉપરાંત અજિત પવાર જૂથની એનસીપી, એકનાથ શિંદે જૂથની શિવસેના તેમ જ આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે)ના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પણ આ દરમિયાન જિલ્લાધિકારીની કચેરીમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બુધવારે નાગપુર-વિદર્ભ ક્ષેત્રના ઉમેદવારો માટે ઉમેદવારીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે જ નીતિન ગડકરીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.