જુલમી સરકારને છેલ્લો ફટકો મારો: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને શનિવારે એવી અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં મતદાન કરીને અહંકાર અને જુલમનું પ્રતીક બની ગયેલી કેન્દ્રની મોદી સરકારને છેલ્લો ફટકો મારો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધીના વલણ દાખવે છે કે વિપક્ષોની બનેલી ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લુઝિવ અલાયન્સ (ઈન્ડી ગઠબંધન) દેશમાં આગામી સરકાર બનાવી રહી છે.
મને ગર્વ છે કે આવા ધોમધખતા તડકામાં તમે બધા લોકશાહી અને બંધારણને બચાવવા માટે મતદાન કરવા માટે બહાર નીકળ્યા છો, એમ તેમણે એક્સ પર હિન્દીમાં પોસ્ટ કર્યું હતું.
આજની તારીખે પણ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવો અને તમારા મતદાન દ્વારા અહંકાર અને જુલમનું પ્રતીક બની ગયેલી આ સરકારને છેલ્લો ફટકો લગાવો. એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ઈન્ડી સરકાર કૃષિ લોન માફ કરશે, અગ્નિવીર યોજના બંધ કરશે: રાહુલ ગાંધી
સંસદીય ચૂંટણીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે એમ નોંધતાં કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઈન્ડી ગઠબંધન આગામી સરકાર બનાવી રહી છે.
તમારું મહત્તમ સહભાગ ઈન્ડી ગઠબંધનને મજબૂત બનાવશે. તમારા અનુભવો, તમારા વિવેક, તમારા મુદ્દાઓ, તમારા બંધારણ, તમારી લોકશાહીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં મતદાન કરો અને તમારા માટે કામ કરે એવી સરકાર બનાવવામાં મદદ કરો, એમ તેમણે કહ્યું હતું.
પંજાબની 13, હિમાચલ પ્રદેશની ચાર, ઉત્તર પ્રદેશની 13, પશ્ર્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની બેઠકનું સાતમા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઓડિશામાં 42 વિધાનસભા બેઠકનું અને હિમાચલ પ્રદેશની છ બેઠક પર પેટાચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે. (પીટીઆઈ)