નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઈન્ડી ગઠબંધન બંધારણ નવેસરથી લખશે અને ધર્મને આધારે આરક્ષણ આપશે: વડા પ્રધાન મોદી

મઉ (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડી ગઠબંધનના ઘટક પક્ષો બંધારણને નવેસરથી લખીને ધર્મને આધારે આરક્ષણ આપશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશની બહુમતીને આ લોકો દ્વિતીય દરજ્જાના નાગરિક બનાવીને રાખવા માગે છે.

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ વિસ્તારના ઘોસી ખાતે જાહેર રેલીને સંબોધતાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી ગઠબંધન એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલું આરક્ષણ ખતમ કરીને મુસ્લિમોને આપવા માગે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન જાતીઓને અંદર અંદર લડાવી રહી છે.

મિર્ઝાપુરમાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે ઈન્ડી ગઠબંધનના ઘટકપક્ષો સમાજવાદી પાર્ટી (સપા) અને કૉંગ્રેસની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે તેમણે પૂર્વાંચલની વર્ષોથી અવગણના કરી હતી અને આ વિસ્તારને માફિયા, ગરીબી અને લાચારીનો વિસ્તાર બનાવીને મૂકી દીધો હતો. એસપી અને ઈન્ડી ગઠબંધન જાતીઓને અંદર અંદર લડાવે છે જેથી તેઓ નબળા પડે એવો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે આ બધું મુખ્ય મુદ્દાથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સત્તામાં આવશે તો કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી રામ મંદિર પર બુલડોઝર ફેરવશે: વડા પ્રધાન મોદી

તેમણે એમ પણ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતાને કાયદો અને વ્યવસ્થા સાથે છત્રીસનો આંકડો છે. એસપીની સરકાર પકડાયેલા આતંકવાદીઓને મુક્ત કરતી હતી અને આતંકવાદીઓને પકડનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરતી હતી. મિર્ઝાપુરને તો આ લોકોએ માફિયા માટે સુરક્ષિત છુપાવાનું સ્થળ બનાવી નાખ્યું હતું.

હું પૂર્વાંચલ અને ઘોસીના લોકોને ઈન્ડી ગઠબંધનના ત્રણ મોટાં ષડ્યંત્રથી સાવધાન કરવા આવ્યો છું. પહેલાં ઈન્ડી ગઠબંધનના લોકો બંધારણને રદ કરીને નવેસરથી બંધારણ લખશે અને તેમાં ધર્મને આધારે ભારતમાં આરક્ષણ આપવામાં આવશે. બીજું આ લોકો એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલા આરક્ષણને છીનવી લેશે. ત્રીજું આ લોકો બધું જ આરક્ષણ ધર્મને આધારે મુસ્લિમોને આપશે.

તેમણે કહ્યું કે હવે એક ત્રીજી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે ઓબીસીના આરક્ષણને ઘટાડીને રાતોરાત મુસ્લિમોને ઓબીસી જાહેર કરી રહ્યા છે. અત્યારે કલકત્તા હાઈ કોર્ટે 77 મુસ્લિમ જાતિને આપવામાં આવેલા ઓબીસી આરક્ષણ રદ કર્યા છે.

આજે એવી સ્થિતિ આવી છે કે સપા, કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના પક્ષો ભારતમાં બહુમતીને દ્વિતીય સ્તરના નાગરિકો બનાવી દેવા માગે છે. તેમણે બંને પાર્ટીના અનુક્રમે 2012 અને 2014ના ચૂંટણી ઢંઢેરાની યાદ અપાવી હતી, જેમાં મુસ્લિમોને આરક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button