અપક્ષો-બળવાખોરો પાસે સત્તાની ચાવી?
આવું બુકીઓ માને છે: તેમના મતે મહાયુતિને 135 બેઠક મળશે જે બહુમતીથી નવ બેઠક ઓછી રહેશે: એક ઓપિનિયન પોલ પ્રમાણે મહાયુતિનો ઘોડો વિનમાં છે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ મોટા રાજકીય પક્ષોએ એકસાથે મળીને મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની રચના કરી છે. તેમાંથી બે શિવસેના અને બે એનસીપી છે. તેથી પક્ષના કાર્યકરો, પદાધિકારીઓ અને મતદારો પણ વિભાજિત છે. દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામને આધારે જોવામાં આવે તો મહાવિકાસ અઘાડીનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. જો કે લાડકી બહેન યોજના, અન્ય લોકપ્રિય યોજનાઓના વરસાદ અને મહાયુતિની હાલની તાકાતને જોતા મહાયુતિનું પલ્લું ભારે રહેશે એવું જણાય છે. પ્રી-પોલ સર્વેમાં મહાયુતિની સરકાર રાજ્યમાં ફરી સ્થાપિત થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ બૂકીઓના અંદાજને જોવામાં આવે તો એવું તારણ નીકળી રહ્યું છે કે રાજ્યમાં મહાયુતિ સ્પષ્ટ બહુમતીથી દૂર રહેશે. રાજ્યમાં સરકારના ગઠનમાં અપક્ષો મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: ભાઈનો પ્રચાર કરતી વખતે અભિનેતા રિતેશ દેશમુખે શું કહ્યું, જાણો?
આઈએએનએસ અને મેટ્રીઝ દ્વારા કરવામાં આવેલા સર્વેના અંદાજ મુજબ, જો આપણે રાજ્યના 288 મતવિસ્તારોને ધ્યાનમાં લઈએ તો, રાજ્યમાં મહાયુતિનું જોરદાર વજન જોવા મળી રહ્યું છે. એવું અનુમાન છે કે ભાજપ-શિવસેના-રાષ્ટ્રવાદી મહાયુતિ રાજ્યમાં 145 થી 165 બેઠકો જીતી જશે. આથી એવી આગાહી કરવામાં આવી છે કે મહાયુતિ જ ફરી સરકાર બનાવી શકે છે. સર્વે અનુસાર કોંગ્રેસ-રાષ્ટ્રવાદી-શિવસેના મહાવિકાસ આઘાડી 106થી 126 બેઠકો જીતી શકે છે. તેથી રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં મોટી સફળતા મેળવનાર મહાવિકાસ આઘાડીને વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થાય તેવી શક્યતા સર્વેમાં દર્શાવવામાં આવી છે. વળી, એવો અંદાજ છે કે અન્ય રાજકીય પક્ષો અથવા અપક્ષો ભેગા મળીને માત્ર પાંચ બેઠકો જીતશે.
બીજી તરફ બૂકીઓએ મહારાષ્ટ્રમાં ફક્ત મહાયુતિના ભાવ ખોલ્યા હતા, પરંતુ આમાં મહાયુતિને 135થી 138 બેઠકો પર વિજય મેળવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે અપક્ષો કે નાના પક્ષો મોટી સંખ્યામાં વિજયી થશે અને તેઓ જ સરકારના ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. મહાવિકાસ આઘાડીના ભાવ હજી સુધી ખોલવામાં આવ્યા ન હોવાથી બૂકીઓની આગાહી પર કેટલો વિશ્વાસ કરવો એ એક પ્રશ્ન છે. જો કે આ આગાહી રાજકીય પરિપ્રેક્ષ્ય પરથી કરવામાં આવી છે, પરંતુ તે એટલું જ સાચું છે કે અંતિમ ચિત્ર 23 નવેમ્બરે જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: Assembly Election: થાણેમાં 23.41 કરોડના દાગીના અને રોકડ જપ્ત
આ સર્વે પરથી રાજ્યના વિભાગીય પરિણામની પણ આગાહી કરવામાં આવી છે. આ હિસાબે પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં મહાયુતિ 70માંથી 31થી 38 સીટો જીતી શકે છે. તો મહાવિકાસ આઘાડીને 29થી 32 બેઠકો પર જીત મળવાની શક્યતા છે. વિદર્ભમાં મહાયુતિ 62 સીટો પર પણ કઠિન સ્થિતિમાં છે અને તેને 32 થી 37 સીટો, તો મહાવિકાસ આઘાડી 21 થી 26 સીટો જીતે એવી શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે, લોકસભા ચૂંટણીમાં ફટકો પડેલા મરાઠવાડામાં મહાયુતિ 46માંથી 18થી 24 બેઠકો જીતે તેવી શક્યતા છે. જોકે, મરાઠવાડામાં મહાવિકાસ આઘાડીનું જોર ભારે છે અને અહીં એમવીએને 20થી 24 બેઠકો મળી શકે છે. થાણે અને કોંકણની 39 બેઠકોમાંથી મહાયુતિ 23થી 25 બેઠકો જીતી શકે છે. જ્યારે મહાવિકાસ આઘાડીને 10થી 11 બેઠકો પર સફળતા મળે તેવો અંદાજ છે. મુંબઈની 36 બેઠકોમાંથી મહાયુતિ 21 થી 26 બેઠકો જીતશે અને મહા વિકાસ આઘાડી 16 થી 19 બેઠકો જીતશે. ઉત્તર મહારાષ્ટ્રની 35 બેઠકોમાંથી મહાયુતિ 14થી 16 બેઠકો જીતશે અને મહાવિકાસ આઘાડી 16થી 19 બેઠકો જીતશે તેવો અંદાજ છે. ઓપિનિયન પોલ દર્શાવે છે કે રાજ્યમાં મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં મહાયુતિને નુકસાન થવાની શક્યતા છે.
ચૂંટણી પહેલાંના અંદાજ મુજબ 47 ટકા મતદાન મહાયુતિને થઈ શકે છે. તો મહાવિકાસ અઘાડીને 41 ટકા મતદાન થવાની આગાહી છે. અન્ય પક્ષો માટે માત્ર 12 ટકા મતદાન થવાની આગાહી છે. આ સર્વે પરથી રાજ્યના વિભાગીય પરિણામની પણ આગાહી કરવામાં આવી છે.