લોકસભા ચૂંટણી 2024: હોળીમાં રાજકીય નેતાઓની સંતાકૂકડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં અનોખી સંતાકૂકડી જોવા મળી હતી. મહાવિકાસ આઘાડીના નેતાઓ તેમને ખો આપીને બહાર નીકળી રહ્યા છે અને બીજી તરફ સત્તાધારી મહાયુતિમાં નવા મતભેદ અને સંકેતો જોવા મળી રહ્યા છે.
રવિવારનો દિવસ મહાયુતીમાં અનેક રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યા હતા. એકનાથ શિંદે જૂથના વિજય શિવતારેની ટીકાને કારણે નારાજ થયેલા એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તો મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી ઉચ્ચારી નાખી હતી.
શનિવાર સુધી મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સાથે રહેલા મહાદેવ જાનકરે રવિવારે એમવીએને ખો આપીને મહાયુતીની સાથે જ રહેવાની જાહેરાત કરી નાખી હતી. બીજી તરફ ઉમરેડના કૉંગ્રેસના વિધાનસભ્ય રાજુ પારખેએ શિવસેનામાં પ્રવેશ કરીને એમવીએને મોટો ઝટકો આપ્યો છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
અમરાવતી લોકસભા મતદારસંઘમાંથી અત્યારે નવનીત રાણાને ભાજપ ઉમેદવારી આપે એવું જણાઈ રહ્યું છે ત્યારે પ્રહાર જનશક્તિના નેતા અને મહાયુતીમાં સામેલ બચ્ચુ કડુએ અહીંથી સ્વતંત્ર ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરીને મહાયુતીને ટેન્શન આપ્યું છે.
આ ઘટનાક્રમ બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બચ્ચુ કડુને બોલાવ્યા હતા અને તેમણે એવી જાહેરાત કરી હતી કે અમરાવતીમાં મૈત્રીપુર્ણ લડાઈ થશે અને અત્યારે તેઓ મહાયુતીમાં જ છે, પરંતુ આગામી દિવસોમાં તેઓ મહાયુતીમાંથી બહાર નીકળી જાય એવી શક્યતા જણાઈ રહી છે.