આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Result: મહારાષ્ટ્રમાં 17 મહિલા ઉમેદવારમાંથી 7 વિજયી, કોંગ્રેસની વધુ

મુંબઈ: તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં અગ્રણી રાજકીય પક્ષોએ 17 મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result) સાત મહિલાનો વિજય થયો છે અને એ પૈકી ચાર વિજયી મહિલા ઉમેદવાર કોંગ્રેસનાં છે.

અગ્રણી વિજેતાઓની યાદીમાં પહેલું નામ છે સુપ્રિયા સુળે. પિતરાઈ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને પરાસ્ત કરી સુપ્રિયાએ લાગલગાટ ચોથી વાર બારામતી બેઠક પર વિજય મેળવ્યો છે. શરદ પવારનાં પુત્રી સુપ્રિયાએ ભાભીને 1,58,333 મતના તફાવતથી હરાવ્યા હતાં. 2019ના વિજયની સરખામણીએ આ વખતે તફાવત સહેજ વધારે હતો.

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે છ મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. આ સંખ્યા કોઈ પણ પક્ષ કરતાં વધુ હતી. જોકે, તેમાંથી માત્ર બે જ મહિલા સફળ થઈ હતી. ભાજપનાં સ્મિતા વાઘ અને રક્ષા ખડસે અનુક્રમે જળગાંવ અને રાવર લોકસભા મતવિસ્તારમાં વિજયી રહ્યાં હતાં. કોંગ્રેસે ચાર મહિલા ઉમેદવારને તક આપી હતી.

ચારેચારનો ઝંડો લહેરાયો હતો, એમાં હાલની વિધાનસભ્ય પ્રણિતી શિંદે અને વર્ષા ગાયકવાડ તેમ જ પ્રતિભા ધાનોરકર અને શોભા દિનેશ બછાવનો સમાવેશ છે. પ્રતિભા ધાનોરકરએ 2,60,406ના જંગી તફાવતથી રાજ્યના વન્ય પ્રધાન સુધીર મુનગંટીવારને પરાજિત કર્યા છે.

બીડ લોકસભા મતદાર સંઘમાં વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે પરાજિત થતા ભાજપને આંચકો લાગ્યો હતો. આ બેઠક પર 2009થી ભાજપનો વાવટો લહેરાતો આવ્યો છે. ભાજપના અન્ય પરાજિત મહિલા ઉમેદવાર છે ભારતી પવાર (ડિંડોરી, નાસિક જિલ્લો), હિના ગાવિત (નંદુરબાર) અને નવનીત રાણા (અમરાવતી). ઉલ્લેખનીય છે કે મહા યુતિના સાથી વિધાનસભ્ય બચ્ચુ કડુએ નવનીત રાણાની ઉમેદવારી સામે વિરોધ કર્યો હતો.

શિવસેના (યુબીટી)એ બે મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. જોકે ભારતી કામડી (પાલઘર) અને વૈશાલી દરેકર – રાણે (કલ્યાણ)નો પરાજય થયો હતો. અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપીએ એક મહિલા ઉમેદવારને તક આપી હતી, પણ અર્ચના પાટીલનો ધારશીવ લોકસભા બેઠક પર પરાજય થયો હતો.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ બે મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. જોકે, રાજશ્રી પાટીલ (યવતમાળ – વાશીમ બેઠક) અને યામિની જાધવ (દક્ષિણ મુંબઈ)નો પરાભવ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button