MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના રથના પૈડાં એક બાદ એક નીકળી રહ્યા હોય તેવું જણાય છે. પહેલા તો વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે પોતાની નારાજગી સ્પષ્ટ કરતા એકલે હાથે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે, તેવામાં હવે મહાવિકાસ આઘાડીના બે મુખ્ય પક્ષ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ કૉંગ્રેસને બાજુમાં મૂકીને ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોવાના સમાચાર છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે કૉંગ્રેસને હાંસિયામાં ધકેલીને ચૂંટણી લડવા અંગે ચર્ચા થઇ હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. બેઠકોની વહેંચણી મામલે પહેલાથી જ મહાવિકાસ આઘાડીમાં સમસ્યા ચાલી રહી છે ત્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા આ દાવાને અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: MVAમાં જોડાવાની ગડકરીને ઠાકરેની ખુલ્લી ઓફર, જાણો તેમનો જવાબ
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા કરાયેલા દાવામાં કહેવાયું છે કે બેઠકોની વહેંચણી બાબતે ઉદ્ધવ ઠાકરે સાથે કૉંગ્રેસે વાતચીત કરવાની ના પાડી દીધી છે અને જો આ બાબતે કોઇ ચર્ચા કરવી હોય તો ફક્ત કૉંગ્રેસ હાઇ કમાન્ડ સાથે જ કરવી પડશે, તેમ કૉંગ્રેસે ઉદ્ધવને કહ્યું હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે.
એટલે કે જે કૉંગ્રેસની આગેવાનીમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનની શરૂઆત કરવામાં આવી હતી હવે તેને જ હાંસિયામાં ધકેલીને એકલહથ્થે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસનો ગઇ ચૂંટણીનો દેખાવ પણ જવાબદાર?
જો 2019ની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો પણ કૉંગ્રેસ પક્ષે કંઇ સારો દેખાવ કર્યો નહોતો. મહારાષ્ટ્રમાં ફક્ત એક જ બેઠક ઉપર કૉંગ્રેસે વિજય મેળવ્યો હતો. જો ગઇ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો કૉંગ્રેસનો દેખાવ સારો રહ્યો નથી અને એ વસ્તુને કેન્દ્રમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.