કૉંગ્રેસ કલમ 370 અને રામ મંદિર પર બાબરી તાળું ન લગાવે તે માટે 400 બેઠકો જોઈએ છે: વડા પ્રધાન

ધાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને 400 બેઠક મળે એવી ઈચ્છા એટલા માટે રાખુું છું કેમકે મારે સુનિશ્ર્ચિત કરવું છે કે કૉંગ્રેસ ફરીથી કલમ 370 દેશમાં લાગુ ન કરે અને અયોધ્યામાં બાંધવામાં આવેલા રામ મંદિરમાં ‘બાબરી તાળું’ ન લગાવે.
મધ્ય પ્રદેશના ધારમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં મોદીએ મુસ્લિમોને અનામતના લાભ આપવાની વાત પર પણ વિપક્ષી ઈન્ડી ગઠબંધનની ઝાટકણી કાઢી હતી.
તેમણે કૉંગ્રેસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને બદનામ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે વિપક્ષી ગઠબંધનના નેતાઓ એવું બોલવા લાગ્યા છે કે બંધારણને ઘડવામાં આંબેડકરની ભૂમિકા ઘણી ઓછી હતી.
સચ્ચાઈ એ છે કે કૉંગ્રેસનો પરિવાર ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંદરથી ધિક્કારતા હતા, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કૉંગ્રેસ એવી અફવા ફેલાવી રહ્યું છે કે જો તેમને લોકસભાની 400 બેઠક પર વિજય મળશે તો બંધારણ બદલી નાખવામાં આવશે. એવું લાગી રહ્યું છે કે કૉંગ્રેસના લોકોની હોશિયારી ફક્ત તેમની વોટ બેન્ક પર કેન્દ્રિત થયેલી છે.
દેશના લોકોને માટે જાણવું આવશ્યક છે કે એનડીએની પાસે સંસદમાં 400થી વધુ બેઠકો છે. અમે આ સંખ્યાબળનો ઉપયોગ કલમ 370ને રદ કરવા માટે કર્યો હતો. મોદીને 400થી વધુ બેઠક એટલા માટે જોઈએ છે જેથી કલમ 370 લાવીને સ્થિતિ બગાડે નહીં. મોદીને 400 બેઠક એટલા માટે જોઈએ છે કે અયોધ્યાના રામ મંદિર પર કૉંગ્રેસ બાબરી તાળું ન લગાવે.
તેમણે એમ પણ કહ્યું હતું કે 14 દિવસ પહેલાં મેં કૉંગ્રેસને કહ્યું હતું કે તેઓ લેખિતમાં દેશની 140 કરોડ જનતાને લેખિતમાં આપે કે તેઓ ધર્મને આધારે આરક્ષણ આપશે નહીં. એવી જ રીતે લેખિતમાં આપે કે એસસી, એસટી, ઓબીસીને આપવામાં આવેલી અનામત છીનવીને મુસ્લિમોને લાભ આપશે નહીં.
તેઓ પ્રતિસાદ આપતા નથી તેમના મોં પર તાળાં લાગી ગયાં છે. મોદીને 400 બેઠકો એટલા માટે જોઈએ છે, જેથી કૉંગ્રેસ એસસી, એસટી, ઓબીસીના અનામતના લાભ છીનવીને પોતાની વોટ બૅન્કને આપી ન દે. (પીટીઆઈ)