ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની ત્રીજી યાદી, આ દિગ્ગજોનું પત્તુ કપાશે, કોનું નામ છે ચર્ચામાં?
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે પણ ઉત્તરપ્રદેશની 25 સીટો માટે ઉમેદવારોની પંસદગી માટેની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે અનેક મોટા નેતાઓનું પત્તુ કાપી શકે છે, ભાજપની આ બીજી યાદીમાં અનેક ચોંકાવનારા નામો સામે આવી શકે છે.સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક થઈ હતી અને યુપીની બાકી વધેલી 25 સીટો પર ઉમેદવવારોની પસંદગી પર ચર્ચા થઈ હતી. પાર્ટી સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કેસરગંજની સીટ પર વૃજ ભૂષણ સિંહના સ્થાને તેમની પત્ની કેતકી દેવી કે કરણ ભૂષણ સિંહને ટિકિટ મળી શકે છે. જ્યારે મેરઠ સીટ પર રામાયણ અભિનેતા અરુણ ગોવિલ અને કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલને ટિકિટ આપવામાં આવી શકે છે. ગાઝિયાબાદ બેઠક પરથી વર્તમાન સાંસદ જનરલ વીકે સિંહની સાથે અનિલ અગ્રવાલ અથવા અનિલ જૈનના નામની પણ ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત અલ્હાબાદ સીટ પર પૂર્વ બ્યુરોક્રેટ સંજય મિશ્રા અને યોગી સરકારના મંત્રી નંદ ગોપાલ નંદીની પત્ની અભિલાષા નાડીના નામ પણ ચર્ચામાં છે, જ્યાં આ વખતે રીટા બહુગુણા જોશીને ટિકિટ મળવાની શક્યતા નથી. તેવી જ રીતે ગાઝીપુરથી મનોજ સિન્હાના પુત્ર અનુભવ સિન્હાના નામની પણ ચર્ચા થઈ રહી છે.અન્ય મહત્વની બેઠક પરથી વર્તમાન સાંસદ મેનકા ગાંધીની ટિકિટ કપાય તેવી શક્યતા છે અને સુલતાનપુરથી સપાના ધારાસભ્ય મનોજ પાંડેના નામની ચર્ચા થઈ રહી છે.
દેવરિયા સીટ પરથી નસીબ અજમાવી રહેલા વર્તમાન સાંસદ રમાપતિ રામ ત્રિપાઠીને બીજી તક મળી શકે છે. તેવી જ રીતે બલિયામાંથી નીરજ શેખર અથવા આનંદ સ્વરૂપ શુક્લાના નામ પર વિચાર કરવામાં આવ્યો છે. કાનપુર બેઠક પરથી વર્તમાન સાંસદ સત્યદેવ પચૌરીની પુત્રી નીતુ સિંહ અને સતીશ મહાનાના નામની ચર્ચા ચાલી રહી છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને લોક ગાયિકા માલિની અવસ્થીના નામ પણ ચર્ચામાં છે.
આઝમગઢની લાલગંજ લોકસભા સીટથી સાંસદ રહી ચૂકેલા સંગીતા આઝાદને બીજેપીની આગામી યાદીમાં સ્થાન મળી શકે છે. પીલીભીતના સાંસદ વરુણના બળવાખોર વલણને જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને આ વખતે ટિકિટ નહીં મળે. તેમના સ્થાને PWD મંત્રી જિતિન પ્રસાદનું નામ ચર્ચામાં છે. મૈનપુરી સીટ પર રાજ્યના પ્રવાસન મંત્રી જયવીર સિંહ પણ ચર્ચામાં છે. સહારનપુર સીટ માટે પૂર્વ મંત્રી સુરેશ રાણા અને રાઘવ લખનપાલના નામ પર ચર્ચા ચાલી રહી છે.
રાયબરેલી સીટ પર ભાજપના મંત્રી દિનેશ પ્રતાપ સિંહની ચર્ચા છે, અને નુપુર શર્માને પણ તક મળી શકે છે. અલીગઢ સાંસદ સતીશ ગૌતમના પક્ષમાં પણ માહોલ નથી બની રહ્યો જે કારણે અહીં પણ ટિકિટમાં મોટો ફેરફાર થઈ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે બીજેપીની આગામી યાદીને મંજૂરી આપી દીધી છે અને હવે માત્ર થોડા કલાકોમાં જ નામોની જાહેરાત થઈ શકે છે.