માણાવદરના 3 ગામોમાં વૉટિંગમાં ધાંધલી બાદ કોંગ્રેસ ઉમેદવારે ફરી મતદાનની કરી માગ
માણાવદર: ગુજરાતમાં 25 લોકસભા બેઠકોની સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી બે દિવસ પહેલા જ યોજાઈ હતી. જે પૈકી જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ 3 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવારે 7મી મેના રોજ મતદાનના સમયના વીડિયો ફૂટેજ ચૂંટણી પંચ પાસે માંગીને ફરીથી ન્યાયી મતદાનની માંગ કરી છે.
માણાવદર વિધાનસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર હરીભાઈ કણસાગરાએ ચૂંટણી પંચને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, માણાવદર તાલુકાના સણોસરા, સરેલીયા અને કટકપરા ગામમાં પારદર્શન અને ન્યાયી રીતે મતદાન નહોંતુ થયું.
આ ગામોના મતદારોને સત્તાધારી પાર્ટી ભાજપના ગુંડાઓ દ્વારા ધમકી આપવામાં આવતી હતી. આ સાથે જ ભાજપના સમર્થકોએ પોતાના ઉમેદવારોને નકલી મત આપ્યા છે, બહાર ગયેલા લોકોના મત પણ અપાયા છે. જેના કારણે આ ત્રણ ગામોમાં મતદાનની ટકાવારી સૌથી ઉંચી આવી છે. આ કારણોસર લોકશાહીના હિતમાં ત્રણેય ગામોમાં નિષ્પક્ષ મતદાન થવું જોઈએ.
આ અંગે વંથલી પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલે જણાવ્યું કે, ગઈકાલે મતદાનના દિવસે જ આ બાબતે અમને ફરિયાદ મળી હતી. જે બાદ તેની તપાસ પણ કરાવવામાં આવી હતી. જેનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે. જેમાં આ નકલી મતદાનનો કેસ નથી.