શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે માટે રાજકીય અસ્તિત્વની લડાઈ
જ્યારે એકનાથ શિંદેને ક્ષમતા સિદ્ધિની તક: વિજય મહાયુતિમાં આપશે મોટું સ્થાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પ્રચારે જોર પકડ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રસપ્રદ વળાંક આવી રહ્યા છે. મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રના બે મુખ્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તેમના રાજકીય જીવનના અસ્તિત્વ માટે લડી રહ્યા છે.
આ ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા અજિત પવાર માટે પણ પરીક્ષા સમાન છે. શિંદે અને અજિત પવાર પોત-પોતાની પાર્ટીઓથી અલગ થઈને ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં જોડાઈ ગયા હોવાથી અસ્તિત્વ તો ટકી ગયું છે, પરંતુ ક્ષમતા સિદ્ધ કરવાની તક છે.
આ ચૂંટણીમાં જો એકનાથ શિંદે સારો દેખાવ કરે એવી પૂરી શક્યતા છે અને આવું થાય તો મહાયુતિમાં તેમનું કદ ઘણું વધી શકે છે. બીજી તરફ ઠાકરે અને શરદ પવાર માટે પડકાર મોટો છે કારણ કે તેઓ સત્તાથી બહાર છે અને તેમના પક્ષોનાં મૂળ નામ અને ચૂંટણી ચિન્હ પણ ગુમાવી દીધાં છે.
આપણ વાંચો: વિચિત્ર રાજકારણ! પુત્રી શરદ પવાર સાથે અને પિતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે
ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને વાસ્તવિક એનસીપી અને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષકોના કહેવા મુજબ ઠાકરે અને શરદ પવાર બંને નેતાઓએ ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવાની જરૂર છે, નહીં તો તેમનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી જશે. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સુધી તેમના જૂથને એક રાખવું ઉદ્ધવ ઠાકરે માટે આવશ્યક છે કે તેમના ઓછામાં ઓછા છ-સાત ઉમેદવારો ચૂંટણી જીતે.
ઠાકરેએ અત્યાર સુધીમાં 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે
રાજકીય વિશ્ર્લેષકોના મતે ઠાકરેની શિવસેના (યુબીટી)એ એટલી જ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવી પડશે જેટલી તેમની પાર્ટી 2019માં ભાજપની સાથે હતી ત્યારે લડી હતી. ઠાકરેએ અત્યાર સુધીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરીને તે જ કર્યું છે જ્યારે કોંગ્રેસ આમાંથી કેટલીક બેઠકો પર દાવો કરી રહી હતી. એનસીપી (શરદચંદ્ર પવાર) મહાવિકાસ અઘાડીમાં શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીના ભાગરૂપે 10 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી લડી રહી છે. શરદ પવાર માટે મહત્વની બેઠક તેમના ગૃહ મતવિસ્તારની બારામતી છે જ્યાં તેમની પુત્રી અને ત્રણ વખતનાં સાંસદ સુપ્રિયા સુળે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે લડી રહ્યાં છે.
બારામતી હારે તો બધું ખતમ!
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો શરદ પવાર બારામતી ગુમાવશે તો તેમનું બધું જ ખતમ થઈ જશે. આ તેમની અને તેમના ભત્રીજા અજીત વચ્ચેની સીધી લડાઈ છે. જ્યારે 83 વર્ષના શરદ પવાર તેમની પાંચ દાયકાની રાજકીય કારકિર્દીમાં ક્યારેય ચૂંટણી હાર્યા નથી. ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય સીધી ચૂંટણી લડી નથી. જ્યારે ઠાકરે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ચૂંટણી પહેલા ઠાકરે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેમની રેલીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
શરદ પવાર તેમની પુત્રીનો રસ્તો સરળ બનાવવામાં વ્યસ્ત
શરદ પવાર પૂણે જિલ્લામાં (જ્યાં બારામતી મતવિસ્તાર છે) તેમના જૂના હરીફોનો પણ સંપર્ક કરી રહ્યા છે જેથી તેમની પુત્રીનો રસ્તો સરળ રહે. દલિત નેતા પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી સાથે મહાવિકાસ આઘાડીની બેઠક-વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે, જેના કારણે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચેની સીધી સ્પર્ધા હવે ત્રિકોણીય સ્પર્ધામાં ફેરવાઈ ગઈ છે અને આનો લાભ શાસક ગઠબંધનને થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આપણ વાંચો: શરદ પવારે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી: પંકજા મુંડે સામે અજિત પવાર જૂથના બળવાખોરો
પવાર અને ઠાકરેનો પરંપરાગત મતદારો પર વિશ્વાસ
અન્ય એક વરિષ્ઠ પત્રકારના જણાવ્યા મુજબ આ ચૂંટણી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે દ્વારા વારંવાર કરવામાં આવતા દાવાની પણ કસોટી છે કે તેમના સંબંધિત પક્ષોના પરંપરાગત મતદારો અને કેડર તેમને વફાદાર છે. તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકરોમાં પણ બધું સમુસૂતરું નથી અને હવે જોવાનું એ છે કે શું તેઓ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને શિંદેની આગેવાનીવાળી શિવસેનાના ઉમેદવારો માટે પૂરા દિલથી કામ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકીય પક્ષો વચ્ચે મતભેદ નવી વાત નથી. પરંતુ વિભાજન પછી પ્રથમ વખત બળવાખોરોએ મૂળ પક્ષો પર કબજો મેળવીને માન્યતા પ્રાપ્ત કરી હોવાથી અત્યારે શિંદે માટે સરસાઈ છે.
એકનાથ શિંદે લાભદાયક સ્થિતિમાં
શિંદે પાસે સૌથી મોટી લાભદાયક સ્થિતિ એ છે કે તેઓ અત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન છે અને ભાજપના કેન્દ્રીય મોવડીમંડળનો તેમના પર પૂરો વિશ્ર્વાસ છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ ઉમેદવારોને વિજયી બનાવવામાં સક્ષમ નીવડશે અને આવું થશે તો આગામી સમયમાં મહાયુતિમાં તેમનું કદ વધશે. જો એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે કરતાં વધારે સંસદસભ્યોને જીતાડવામાં સફળ રહેશે તો સ્વાભાવિક રીતે જ રાજ્યમાં તેમનો પ્રભાવ છે એ સિદ્ધ થઈ જશે અને આનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં થશે. એટલું જ નહીં, આવું થશે તો ઉદ્ધવ ઠાકરે પાસે બચેલા વિધાનસભ્યો પણ એકનાથ શિંદે પાસે આવી જાય એવી શક્યતા છે.