ઝબાન સંભાલ કે: બાર બાપની વેજા અને બારગીર

- હેન્રી શાસ્ત્રી
બારમો મહિનો (ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ડિસેમ્બર) બેસી ગયો છે. એકંદરે ગુલાબી ઠંડીના દિવસોનો પ્રારંભ, અને એટલે કોઈ મજાકમાં કહી દે કે બારમાં બેસવાના દિવસો શરૂ થઈ ગયા છે. ઘરબાર વિનાના અને ઘરમાં બાર વિનાના એમાં બહુ મોટું અંતર છે. અલબત્ત બારની કુટેવને કારણે ઘરબાર વિનાના થઈ જવાયું હોય એવી સંભાવના ખરી.
બારની કુટેવને કારણે પત્ની સાથે બાર બાર વર્ષના અબોલડા થઈ જાય એ વળી અલગ જ વાત છે. ટૂંકમાં બારનો મહિમા અનંત છે જેના વિશે વધુ જાણકારી મેળવી ભાષા સમૃદ્ધિ વધારવાની કોશિશ કરીએ. કેટલાક એવા ઓછા જાણીતા શબ્દોની દુનિયામાં ડોકિયું કરીએ જેની સાથે બાર શબ્દ જોડાઈ ગયો છે.
મારો છોકરો ઉધામા લે છે, તોફાની બારકસ છે એવી ફરિયાદ તમે અનેક મમ્મીના મોઢે સાંભળી હશે. એમાં રહેલો બારકસ શબ્દ મૂળે ફારસી છે. શબ્દકોશમાં એનો અર્થ ભારે બોજ લઈ જતું વહાણ અથવા વ્યાપારી માલનું જહાજ એવો આપવામાં આવ્યો છે. ચોક્કસ સંદર્ભ નથી મળતો, પણ અનુમાન કરી શકાય છે કે વ્યાપારી માલવાહક જહાજ તોફાનમાં સપડાઈ જાય તો કેવું ધાંધલિયું બની જાય, કાબૂ બહાર થઈ જાય, એ જ રીતે બાળક કાબૂમાં ન રહેતા બાળક માટે તોફાની બારકસ શબ્દ ઉપયોગમાં લેવાયો હશે.
બારખળી જમીન એટલે જમીનદારો દ્વારા મહેસૂલ વસૂલ કરવામાં આવતું હોય તેવી જમીન, ખાલસા ન કરી હોય તેવી જમીન. ધર્માદા જમીન માટે પણ આ પ્રયોગ વપરાય છે. જે જમીનના ઉત્પન્નમાંથી સરકારનો હિસ્સો ન આપવાનો હોય તેવી ઊપજને ખળામાં લાવવામાં આવતી નથી. એવી જમીન ખળા બહાર એટલે બારખળી (ખળીની બહાર) તરીકે જાણીતી થઈ. બારગીર શબ્દ તાજેતરમાં મહારાષ્ટ્રના રાજકારણ સંદર્ભે ખાસ્સો ચર્ચામાં આવ્યો હતો. બારગીર મૂળ ફારસી શબ્દ છે અને એનો અર્થ બોજો ઉપાડનાર કે ભાર વેંઢારનાર એવો થાય છે.
છત્રપતિ શિવાજી મહારાજના સમયકાળમાં પાયદળની જેમ ઘોદડળ પણ રહેતું જેમાં પાણીદાર ઘોડા અને એના પર પલાણવામાં માહેર સૈનિકોનો સમાવેશ રહેતો. રાજા એ સૈનિકને ઘોડાની સાથે શસ્ત્ર પણ સોંપતા. બારગીરને સરકારી કર્મચારીનો દરજ્જો રહેતો અને સરકાર જ એને પગાર ચૂકવતી હતી.
હવે બારને ગાણિતિક સંખ્યા તરીકે નહીં પણ સંખ્યાનો ભાવ ધરાવતા કેટલાક પ્રયોગો જોઈએ. બાર બાપની વેજા કહેવત સમજતા પહેલા એમાં આવતા શબ્દો સમજીએ. અહીં બાર શબ્દ સંખ્યાના અર્થમાં જ છે, પણ નિશ્ર્ચિત 12 નહીં, બલકે ખાસ્સી સંખ્યામાં એવો અર્થ અભિપ્રેત છે. વેજા એટલે છોકરાઓનું ટોળું. આ સંદર્ભ જાણ્યા પછી કહેવત સમજવી ખૂબ જ આસાન રહેશે. બાર બાપની વેજા એટલે પરસ્પર જુદા જુદા અભિપ્રાય ધરાવતા અથવા એકમેક સાથે મેળ ન ખાય એવો મત ધરાવતા લોકોનો સમૂહ. હક માંગવા બધા તૈયાર હોય, પણ કામ કરવાનું હોય ત્યારે બધા પીઠ દેખાડી દે. વેજા પણ સૂચિત અર્થમાં છે.
बारा वर्षै शेला विणला, म्हणे राजाच्या दफणाला
કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલો શબ્દ એ બંને પાછા નથી વાળી શકાતા. તીર લક્ષ્યના દેહને વીંધે છે અને શબ્દ દિલને વીંધે છે. એટલે જ કહેવાય છે કે બોલતા બે વાર વિચાર કરવો. એક ખોટો શબ્દ એક હજાર સારા કામ પર પાણી ફેરવી દે છે અને બધી કોશિશ – મહેનત નકામી જાય છે. આ સંદર્ભ દર્શાવતી એક કહેવત મરાઠીમાં છે बारा वर्षै शेला विणला, म्हणे राजाच्या दफणाला. મરાઠી શબ્દ શેલા એટલે રેશમી શાલ. એક રજવાડાની કથા આ કહેવતના ભાવાર્થ પર પ્રકાશ ફેંકે છે. રજવાડામાં વસ્ત્ર સજાવટનો એક કુશળ કારીગર રહેતો હતો. એના સિલાઈ કામ અને ભરતકામની પ્રશંસા દૂર દૂર ફેલાઈ હતી.
પોતાનો દીકરો પણ મોટો થઈ નામના કાઢે એ આશય સાથે કારીગરે નાનપણથી જ બધું કામ શીખવી દીધું. આ તરફ કુંવર પણ ઉછરી રહ્યો હતો અને રાજાએ ઘોષણા કરી અમુક વર્ષ પછી એ ગાદી પર આવશે. કારીગરે દીકરાને ભાવિ રાજા માટે અનેક વર્ષ મહેનત કરી જરીવાળું ઉપરાણું તૈયાર કર્યું, પણ એ આપતી વખતે ‘મહારાજ, આ આપના દફન માટે છે’ એમ કહી પોતાના જ પગ પર કુહાડી મારી. લાંબો સમય પરિશ્રમ કરી સરસ વસ્તુ તૈયાર કરી અંતે એક અજૂગતા શબ્દથી બધી મહેનત પર પાણી ફરી વળ્યું.’
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે: ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા
Twelve in Idioms बारह की कहावतें
ભાષાની ચમત્કૃતિ ગજબની હોય છે. ક્યારેક ચોંકાવી જાય, ક્યારેક હેરત પમાડે તો ક્યારેક થોડામાં ઘણું સમજાવી જાય. અંકગણિતમાં શબ્દો ભળતા બીજગણિત બને એ આપણે જાણીએ છીએ. વિવિધ અંકની જેમ 12 – બાર પણ હિન્દી ભાષાની કહેવતો – રૂઢિપ્રયોગોમાં વણાઈ ગયો છે. कुत्ते की दुम बारह बरस ज़मीन में गाड़ी फिर भी टेढ़ी ही निकली. तबीयत और फ़ित्रत की कजी कोशिश से नहीं जाती। लाख कोशिश के बावजूद जब कोई तबदीली ना हो तो कहते हैं. મનુષ્ય સ્વભાવ અને પ્રકૃતિ લાખ કોશિશ કરવા છતાં નથી બદલાતા એ એનો ભાવાર્થ છે. આ કહેવત તો ગુજરાતીમાં પણ જાણીતી છે ‘કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી’ તરીકે પ્રસિદ્ધ છે.
અંગ્રેજીમાં પણ એવી જ કહેવત છે કે A dog’s tail is never straight. The lazy and incorrigible are never cured of their bad habits. આળસુ ના પીર અને બદલાવના વિરોધી લોકોને કુટેવથી મુક્ત નથી કટી શકાતા એમ કહેવામાં આવ્યું છે. आठ गाँव का चौधरी और बारह गाँव का राव, अपने काम न आए तो ऐसी तैसी में जाओ કહેવત અત્યંત માર્મિક છે. સમજવા જેવી અને સમજીને કાયમ યાદ રાખવા જેવી છે. ગામમાં ખાસ્સી મિલકત ધરાવતી ધનવાન વ્યક્તિની વાત છે. कोई कैसा ही धनवान अथवा धनी हो जब अपना काम उस से ना निकले तो ऐसे धन-धान्य से क्या लाभ, जिस से कोई लाभ ना हो उस का होना ना होना बराबर है.
કોઈ વ્યક્તિ ગમે એટલી શ્રીમંત – પૈસાદાર હોય, પણ જો એ આપણા ખપમાં ન આવે તો એની ઓળખાણ ન હોય તો પણ શું ફેર પડે? આવી વ્યક્તિ હોવા છતાં ન હોવા બરાબર છે. ચા કરતાં કીટલી ગરમ કહેવત તમે જરૂર જાણતા હશો. એનો અનુભવ પણ કર્યો હશે, ખાસ કરીને કોઈ ઓફિસમાં. बाड़ी में बारह आम सट्टी अठारह आम કહેવતમાં માલિક – નોકરના સંબંધ પર સર્ચ લાઈટ મારવામાં આવી છે.
ખેતરમાં કામ કરતા લોકો એટલા ચાલાક હોય છે કે ખેતીની ઉપજ માટે કામ કરવાનું હોય ત્યારે માંદગીનું બહાનું કાઢી આવે નહીં અને અન્યનું ખેતર હોય ત્યારે લાભ લેવા હોંશે હોંશે હાજર થવાનું. नौकर का आक़ा से भी ज़्यादा मिज़ाज, માલિક કરતા નોકર વધુ હોશિયાર. અંગ્રેજીમાં આવા જ ભાવાર્થવાળી અને ગુજરાતી કહેવત સાથે ખાસ્સું સામ્ય ધરાવતી કહેવત છે Kettle hotter than the Tea. Union Minister Nitin Gadkari today took potshots at the style of functioning of over enthusiastic personal assistants (PAs) of ministers, saying sometimes ‘the kettle is hotter than the tea’. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં અતિઉત્સાહી અંગત સહાયકોના ઉદાહરણ આપી વાણોતર શેઠ કરતાં વધુ ડાહ્યો થવાની કોશિશ કરે છે એ ભાવાર્થ રજૂ કર્યો હતો.
अनाड़ी का सौदा बारह बाट – नौसिखिया का सौदा या काम भरोसेमंद नहीं होता इधर उधर बिखरा होता है. અનાડી માણસે કે નવ શિખાઉ વ્યક્તિએ કરેલા કામ કે પાર પાડેલા સોદા પર ભરોસો કરી ન શકાય. એના ઠેકાણા ન હોવાની સંભાવના વધારે છે. અંગ્રેજીમાં Fool’s bargain રૂઢિપ્રયોગનો અર્થ જુદો છે. It means an agreement in which one party ends up disadvantaged or cheated. એક એવો કરાર કે સંમતિ જેમાં એક પક્ષને નુકસાન થાય અથવા છેતરાયા હોવાની લાગણી થાય.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે: તમને બારમાં બોલાવ્યા છે



