એક આંખમાં હસાવવાં, એક આંખમાં રડાવવાં

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી
જાન્યુઆરી મહિનો વર્ષનો પ્રથમ મહિનો છે. પ્રથમ, પહેલો, એક કોઈ પણ હરોળના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. કોઈ પણ શરૂઆત પહેલી કહેવાય છે. નીલ આર્મસ્ટ્રોંગ હંમેશા ચંદ્ર ઉપર પગ મૂકનારા પહેલા માનવી તરીકે ઈતિહાસમાં અંકિત રહેશે. અવકાશમાં જનારો પહેલો અવકાશવીર કાયમ યુરી ગાગારિન જ કહેવાશે.
રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પ્રાઈઝ મેળવનારા પહેલા – પ્રથમ ભારતીય તરીકે જ કાયમ ઓળખાશે. ડો. રાજેન્દ્ર પ્રસાદને બધા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ઓળખે છે. એક નંબરનો મહિમા અનંત છે. પહેલું એટલે પ્રથમનું, શરૂઆતનું કે આરંભનું.
એક અસ્ત્રે મૂંડવું કહેવત એક લાકડીએ હાંકવું તરીકે પણ જાણીતી છે. સારું – નરસું, યોગ્ય – અયોગ્ય માટે એક જ રસમ અપનાવવામાં આવે ત્યારે આ કહેવત વાપરવામાં આવે છે. એને કારણે હોશિયાર માણસને અન્યાય પણ થાય છે. આ કહેવતની વ્યુત્પત્તિ એવી છે કે માણસને અને પાડાને મૂંડવાને એક જ અસ્ત્રો નાઈ રાખતો હતો એના પરથી આ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે.
ટૂંકમાં નાઈએ પાડાને અને મનુષ્યને સરખા ગણ્યા. એક અંગારો સો મણ જાર બાળે કહેવત અને કરંડિયામાં રહેલી એક સડેલી કેરી બાકી બધી કેરીને બગાડે કહેવત જેવો જ ભાવાર્થ ધરાવે છે. કોઠારમાં પડેલી સો મણ જારનો નાશ કરવા એક અંગારો પૂરતો હોય છે. એક હૂંછી ઘોડો આખી પાયગાને નડે કહેવતમાં હૂંછી એટલે તોફાની અને પાયગા એટલે ઘોડાનો સમૂહ. એક તોફાની ઘોડો સમગ્ર ટોળાને ઉશ્કેરી એમને પણ તોફાની બનાવી શકે છે.
ટૂંકમાં એકના સામર્થ્યની વાત છે. એક આંખમાં હસાવવાં અને એક આંખમાં રડાવવાં કહેવતમાં વડીલની કે માતાપિતાની કુનેહ વ્યક્ત થાય છે. બાળકને કોઈએક વખતે જરૂરને પ્રસંગે રડાવવાં પણ ખરાં અને કેટલીક વખત હસાવવાં પણ ખરાં એવું સ્થાપિત કરી બાળક પ્રત્યે ભય અને પ્રીતિ બન્ને રાખવાં એમ કહેવામાં આવ્યું છે.
પહેલા ખોળાનું એટલે ખૂબ જ અથવા વધુ પડતા લાડ લડાવવામાં આવ્યા હોય એ બાળક માટે વપરાય છે. પહેલા નંબરનું એટલે શ્રેષ્ઠ પંક્તિનું, સૌથી સારૂં, સૌથી આગળ પડતું. એક નંબરનું કે ટોપ ક્લાસ પણ કહેવામાં આવે છે. પહેલાને પાણી, છેલ્લાને કાદવ, વહેલો તે પહેલો પરિસ્થિતિ માટે વિશિષ્ટ પ્રયોગ.
અલબત્ત અહીં કાદવને શબ્દાર્થ સ્વરૂપમાં નહીં સમજવાનો. અહીં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે જલ્દી આવે એને લાભ મળે અને મોડો પડે એને નિરાશ થવાનો વારો આવે. સ્વાસ્થ્ય સંદર્ભમાં પહેલું સુખ તે જાતે નર્યા કહેવત બહુ જાણતી છે. તંદુરસ્તી એ જ શ્રેષ્ઠ સુખ છે એના પર જોર દેવામાં આવ્યું છે.
પહેલે કોળિયે જ મક્ષિકા અથવા પ્રથમ ગ્રાસે મક્ષિકા કહેવતમાં કામના પ્રારંભમાં જ વિઘ્ન આવે એની વાત કરવામાં આવી છે. મક્ષિકા એટલે માખી અને ગ્રાસે એટલે કોળિયો. પ્રાતઃ કોળિયો ખાવા જતી વખતે એમાં માખી પડે તો એ કોળિયો ફેંકી જ દેવો પડે ને. પરિસ્થિતિજન્ય કહેવત છે.
एकच्या म्हणी
એકના સામર્થ્યનો મહિમા અનેરો છે. કાગળ પર લખેલી એક લાઈન એક હજાર મૌખિક શબ્દો કરતા વધુ વજન ધરાવે એવું બની શકે. એકની કેટલીક મરાઠી કહેવતો જાણીએ. एक घाव दोन तुकडे. તમને તરત ગુજરાતી કહેવત એક ઘા ને બે કટકાનું સ્મરણ થયું હશે. ભાષા અલગ હોવા છતાં કેવું ગજબનું સામ્ય છે. एखाद्या गोष्टीवर किंवा प्रश्नावर तिथल्यातिथे त्वरित निर्णय देणे व चांगलं-वाईट जे असेल ते समोरासमोर न लपवता मांडणी करणे.
કોઈ મુદ્દા કે સમસ્યા વિશે તાબડતોબ નિર્ણય લેવો કે આપવો અને હકીકત છુપાવવાને બદલે સત્ય રજૂ કરવું એ આ કહેવતનો ભાવાર્થ છે. બીજી કહેવત છે एक ना धड भाराभर चिंध्या. ધડ એટલે આખેઆખું કે સંપૂર્ણ અને ચિંધ્યા એટલે ટુકડા, છૂટુંછવાયું. एका वेळी अनेक कामं अंगावर घेतली तर कोणतच काम नीट होत नाही आणि कोणत्याही कामांमध्ये उत्कृष्टता गाठता येत नाही त्यामुळे कोणतच काम सर्वोत्कृष्ट होत नाही , सर्व कामे अर्धवट होतात. એક જ સમયે અનેક જવાબદારી કે કામ હાથમાં લીધા હોય તો એકપણ કામ વ્યવસ્થિત રીતે પાર પડે નહીં અને પૂરા થયેલા એકેય કામમાં ભલીવાર ન હોય.
બધા જ કામ અધૂરા રહી જાય. एका म्यानात दोन तलवारी राहत नाहीत. તમારું અનુમાન સાવ સાચું છે કે ગુજરાતીમાં આ કહેવત એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એ સ્વરૂપમાં હાજર છે. दोन तडफदार प्रभावी व्यक्तिमत्व एकाच ठिकाणी काम करणं थोडा अवघड असतं कारण मतभेद असतील तर ते तीव्रपणे मांडण्याची सवय असते थोडक्यात दोन माणसं एकमेकांना छेद देऊ शकतात दुखवू शकतात. સામર્થ્ય ધરાવતી કે પ્રભાવશાળી હોય એવી બે વ્યક્તિ એક જ સ્થળ પર સાથે કામ કરતા હોય ત્યારે એમની વચ્ચે તીવ્ર મતભેદ થાય. આવી પરિસ્થિતિમાં બંને જણ એકબીજા પર પ્રભુત્વ મેળવી પોતે વધુ કાબેલ છે એ સિદ્ધ કરવાની કોશિશ કરતા હોય છે. એ સંદર્ભની આ કહેવત છે.
हिंग्लिश VINGLISH
एक की अनेक कहावतें
હિન્દીમાં પણ એકનું મહત્ત્વ સમજાવતી કહેવતો હાજર છે. फ़िराक़ गोरखपुरी साहब का एक शेर है की कोई समजे तो एक बात कहूँ, इश्क तौफ़ीक़ है गुनाह नहीं – ગોરખપુરી સાહેબનું કહેવું છે કે ‘કોઈને સમજાય તો એક વાત મારે કહેવી છે કે પ્રેમ એ દિવ્ય અનુભવ છે, કોઈ ગુનો નહીં. એક વાત સમજાઈ જવાથી દ્રષ્ટિકોણ બદલાઈ જાય એની વાત છે. આ વાત કહેવતના માધ્યમથી જાણવા – સમજવાની કોશિશ કરીએ. अंधा लकड़ी एक ही बार खोता है – નેત્રહીન વ્યક્તિ ચાલવામાં મદદરૂપ થતી લાકડી એક જ વાર ગુમાવે એ એનો શબ્દાર્થ છે.
અલબત્ત એનો ભાવાર્થ અલગ છે. एक ही बार विश्वास किया जाता है, अगर कोई धोखा दे तो दूसरी बार विश्वास नहीं किया जाता. કોઈનો પણ વિશ્વાસ એક જ વાર કરાય, જો વિશ્વાસઘાત થાય તો બીજી વાર વિશ્વાસ ન મૂકી શકાય એવી સમજણ કહેવત આપે છે. अभी एक बूंट की दो दाल नहीं हुए हैं કહેવત સમજવા જેવી છે.
બૂંટ એટલે લીલા ચણા. આ દ્વિદળ વનસ્પતિ છે અને લીલા ચણાના બે દળ તૈયાર થયા પછી એ ઉપયોગમાં લેવામાં આવે છે. अभी एक बूंट की दो दाल नहीं हुए हैं मतलब अभी काम का आरंभ है, अभी थोड़ा काम हुआ है. કોઈ કામની હજી શરૂઆત જ થઈ છે, દિલ્હી હજી દૂર છે એ એનો ભાવાર્થ છે. अकेला हँसता भला न रोता. માણસ એકલો હસતો સારો લાગે, રડતો નહીં. अकेले कोई काम करना अच्छा नहीं: એકલપંડે કોઈ કામ કરવામાં સાર નથી.
સાથે મળીને કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. अक़्ल-मंद को एक इशारा ही काफ़ी होता है. बुद्धिमान संकेत से समझ लेता है, समझदार इशारे में बात समझ लेता है उसे बहुत समझाना नहीं पड़ता. મૂર્ખ વ્યક્તિ અને સમજદાર વ્યક્તિ વચ્ચેનો ભેદ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. અણસમજુ કે અક્ક્લના ઓથમીરને કોઈ પણ જવાબદારી કે કામ સોંપ્યું હોય તો એને વારંવાર ફોડ પાડી સમજાવવું પડે કે ભાઈ આમ નહીં ને આમ કરજે. બુદ્ધિમાન વ્યક્તિ હોય તો એક ઈશારો સમજી જાય, એને વિગતવાર સમજાવવું ન પડે.
First among equals
જાન્યુઆરી ગ્રેગોરિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે. દરેક પ્રકારની શરૂઆતના રોમન દેવ જેનસ પરથી જાન્યુઆરી નામ પાડવામાં આવ્યું છે. અગાઉ માર્ચ મહિનો વર્ષનો પ્રથમ મહિનો ગણાતો હતો. ઈ. સ. પૂર્વે 153માં જાન્યુઆરીને આ સન્માન પ્રાપ્ત થયું હતું. First among equals: the sentiment that a leader is merely the premier person among his or her colleagues. સમૂહ ભાવના વ્યક્ત કરતી આ કહેવત છે. સંઘભાવનાથી થતા કોઈ પણ કામમાં એક વ્યક્તિનો હોદ્દો નેતૃત્વને કારણે ઊંચો હોય છે. જોકે, આ કહેવત એમ સમજાવે છે કે વ્યવસ્થા માટે એક વ્યક્તિને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
હકીકતમાં તો એ વ્યક્તિ બધાની સાથે રહીને જ કામ કરવાને પ્રાધાન્ય આપશે. First come, first served. ગુજરાતીની પહેલો તે વહેલો કહેવત તમે જાણતા હશો. The principle that the customer who arrives first is given priority. જે ગ્રાહક વહેલો આવશે એને પ્રાધાન્ય આપવામાં આવશે એ એનો ભાવાર્થ છે. ટૂંકમાં વૈકુંઠ નાનું અને ભક્તો ઝાઝા જેવો ઘાટ થાય એની વાત છે. Ladies first રૂઢિ પ્રયોગમાં નારીને અગ્રતા આપવાની વાતની સાથે નારી સન્માનનો મુદ્દો પણ જોડાયેલો છે.
A sentiment that, according to proper etiquette, females should have priority in passing through a doorway or into another area. આ પ્રયોગની શરૂઆત દરવાજામાં પ્રવેશ લેતી વખતે કે આગળ વધતી વખતે સન્નારીને પ્રથમ તક આપવી એ શિષ્ટચાર કહેવાય એ સ્વરૂપે થઈ હતી. ત્યારબાદ આ પ્રયોગે વિશાળ ભાવ અપનાવી લીધો છે. First water પ્રયોગ વાંચીને એક વાતનું અચરજ જરૂર થાય કે પાણીને કર્મ સાથે શી નિસ્બત હોઈ સહકે? The highest quality, especially in gems but also said figuratively of people of high character. જોકે, આ ઉપમા શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા રત્ન સાથે જોડાયેલી છે. એ સિવાય ચારિત્ર્યવાન વ્યક્તિ માટે પણ આ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. First-timer રૂઢિપ્રયોગને સમય સાથે સીધો સંબંધ નથી.
This phrase is used when someone engaging or participating in some activity the person has not done before. કોઈ પ્રવૃત્તિ સાથે વ્યક્તિ પહેલી વાર જોડાઈ હોય કે અગાઉ એવી કોશિશ ન કરી હોય ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. First lady means the wife of a government’s leader. ફર્સ્ટ લેડી એટલે દેશના સર્વોચ્ચ વડાની પત્ની. First leg: the first part of a journey. ફર્સ્ટ લેગ એટલે પ્રવાસનો પ્રથમ તબક્કો. First light: the earliest part of day. ફર્સ્ટ લાઈટ એટલે પ્રભાતનું પહેલું કિરણ દેખાય એ સમય.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : સોનું સાંપડે નહીં, પિત્તળ પહેરાય નહીં



