ઝબાન સંભાલ કેઃ બાઝવું હોય તો હાલ પાંચ પીપળા!

હેન્રી શાસ્ત્રી
ગુજરાતી ભાષામાં પંચ-પાંચ શબ્દના સામ્રાજ્યનો વિસ્તાર વિશાળ છે. ગામ-શહેરના નામ સાથે જોડાયો છે અને વિશેષણ તરીકે પણ એનો ખાસ્સો ઉપયોગ જોવા મળે છે. આ કહેવતનો ભાવાર્થ સમજતા પહેલા પાંચ પીપળા વિશે જાણકારી મેળવવી જરૂરી છે. આજની તારીખમાં આ ગામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સ્થિત છે.
સૌરાષ્ટ્રના ઈતિહાસની એક મહત્ત્વની ઘટના આ કહેવત સાથે સંકળાયેલી છે. બાઝવું એટલે ઝઘડો કરવો, કજિયો કરવો, ટંટો કરવો. કથા 243 વર્ષ જૂની છે. ઈ. સ. 1782માં જૂનાગઢના અમરજી દીવાન અને નવાનગર (જામનગર)ના દીવાન મેરુ ખવાસ વચ્ચે લડાઈ થઈ હતી. આ લડાઈ સૌરાષ્ટ્રની છેલ્લી મોટી લડાઈ તરીકે પ્રખ્યાત છે. અમરજી દીવાન જન્મે બ્રાહ્મણ પણ કર્મે ક્ષત્રિય હતા.
જૂનાગઢના નવાબના પ્રધાન (દીવાન) બન્યા પછી ગુમાવેલો પરદેશ પાછો મેળવ્યો અને બીજી પણ સફળતા મેળવી. અન્ય રજવાડાના રાજપૂતો અમરજીથી ડરવા લાગ્યા અને તેમને પછાડવા બધા એક થયા. એક તરફ ગોહિલરાજ, હાલાર, પોરબંદર, કોટડા, ગોંડલ, જેતપુર અને બીજાં કેટલાંક નાનાં રાજ્યો હતા તો બીજી તરફ અમરજીના જૂનાગઢ સાથે બાંટવા અને માંગરોળ હતા.
બંને પક્ષની સેના વચ્ચે પાંચ પીપળા ગામમાં અથડામણ થઈ. ભયાનક યુદ્ધ થયું અને અમરજીએ રાજપૂતોની સેનાને હરાવી યાદગાર વિજય મેળવ્યો. એક નાગર યોદ્ધો હજારોના આક્રમણ સામે અડગ રહ્યો અને અણનમ અમરજી એક તરીકે ખ્યાતનામ થયો. એના પરથી કોઈ વ્યક્તિ બાઝવા – લડવા ઇચ્છતી હોય ત્યારે બાઝવું હોય તો હાલ પાંચ પીપળા! કહેવત વપરાય છે.
પાંચ તલાવડા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું એક નાનકડું ગામ છે. અહીં 1937 – 38માં ખેડૂતોની સમસ્યા ઉકેલવા રાજ્ય સામે સત્યાગ્રહ થયો હતો જેમાં અંતે ખેડૂતોનો વિજય થયો હતો. બોર્ડિંગ સ્કૂલ, સ્ટ્રોબેરી માટે મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલસ્ટેશન પંચગીની રાજારજવાડાંનાં બાળકોની કેળવણી માટે પ્રસિદ્ધ થયું હતું.
પૌરાણિક કથા અનુસાર ભૂતકાળમાં કોઈ પ્રસિદ્ધ પુરુષે અહીં આશ્રમની સ્થાપના કરી પંચાગ્નિની ધૂણીનું સેવન કર્યું હશે.એના ઉપરથી તે પંચાગ્નિ અને પાછળથી પંચગિની કે પંચગની નામથી ઓળખાયું. પાંચ ડુંગરના સમૂહ પર આ સ્થળનો વિકાસ થયો હોવાથી મહારાષ્ટ્રના લોકો એને પાચગણી (મરાઠીમાં પાંચ પાચ તરીકે ઓળખાય છે, અનુસ્વાર નથી હોતું) તરીકે ઓળખે છે.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!