ઝબાન સંભાલ કે : ચિત્તલના પાદર જેવું ઉજ્જડ...
ઉત્સવ

ઝબાન સંભાલ કે : ચિત્તલના પાદર જેવું ઉજ્જડ…

  • હેન્રી શાસ્ત્રી

વર્ષો પહેલા ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં શિહોર હતી. ગોહિલરાજ અખેરાજજીનો એકનો એક સોળ વર્ષનો દીકરો અને શિહોરનો યુવરાજ વખતસિંહ ગોહિલ હતો જેને ઈતિહાસ ‘આતાભાઈ’ના હુલામણા નામથી ઓળખે છે. એક વૃદ્ધે આતાભાઈને રડમસ ચહેરે ફરિયાદ કરી કે ‘મારી પરણેલી દીકરી દુઃખની મારી માવતર ભાગી આવેલી.

એટલે એના સાસરિયેથી બે જણ આવ્યા અને દીકરીને ઉપાડી ગયા. અમ ગરીબની રખેવાળી કોણ કરે?’ આ વેણ આતાભાઈને હાડોહાડ લાગી આવ્યું અને વૃદ્ધને સધિયારો આપી ઘોડીને એડી મારી વૃદ્ધની દીકરીને બચાવવા નીકળી પડ્યા.

પૂરપાટ વેગે દોડતી ઘોડીએ દીકરીને ઉપાડી જતા બે ઘોડેસવારને આંતરી લીધા. તેમની પર વાર કરતા બંને ડરીને નાસી ગયા અને આતાભાઈએ દીકરીને હેમખેમ એના બાપુ પાસે પહોંચાડી દીધી. ત્યારે દીકરીએ ગળગળા થઈ કહ્યું, ‘બાપુ, તમને બીજું તો શું આપું, પણ મારા વીર, અંતરના આશિષ આપું છું કે ભાઈ, તમે જ્યાં ઘોડે ચડશો ત્યાં તમારી ફતેહ થશે.’

આ આશીર્વાદ ફળ્યા અને વખતસિંહજીના કાર્યકાળમાં ભાવનગર ખૂબ સુરક્ષિત થયું ને સ્ટેટના સીમાડા વિસ્તારવાની દૃષ્ટિએ જોઈએ તો આતાભાઈ ભાવનગર સ્ટેટના સૌથી સફળ રાજવી તરીકે પંકાયા.

આવા આ આતાભાઈ અને સૌરાષ્ટ્રના કાઠી દરબારો વચ્ચે સંઘર્ષ રહ્યા કરતો હતો. વખતસિંહજીનો વખત સમાપ્ત કરવો હોય તો આપણે એક થવા વિના છૂટકો નથી એ વાત કાઠીઓને સુપેરે સમજાઈ ગઈ. ભવનગરનો સામનો કરવા બધા કાઠીઓ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં એકઠા થયા.

ચિત્તલ એટલે ‘મૂછાળી મા’ તરીકે પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના સ્થાપક ગિજુભાઈ બધેકાનું ગામ. પોતાની સામે મોરચો માંડવામાં આવ્યો છે એની જાણ વખતસિંહજીને થઈ ગઈ અને મોટી ફોજ લઈ ચિત્તલ પર ધસી ગયા. કાઠીઓ ઊંઘતા ઝડપાઈ ગયા અને તેમના પક્ષે મોટી ખુવારી થઈ.

બધા વેરવિખેર થઈ ગયા અને બધા કાઠીઓને તગેડી મૂક્યા પછી વખતસિંહજીએ ચિત્તલને ખેદાનમેદાન કરી ઉજ્જડ બનાવી દીધું. ત્યારથી ચિત્તલના પાદર જેવું ઉજ્જડ કહેવત પ્રચલિત થઈ. આ ઘટના પછી જ્યાં પણ મોટી તારાજી કે નુકસાન જોવા મળે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.

ENGLISH વિંગ્લિશ
FUNNY Proverbs

ભાષામાં શબ્દાર્થ અને ભાવાર્થ ઘણી વાર સાવ વિપરીત જોવા મળે છે. ઉપર ઉપરથી રમુજી લાગતી ભાવાર્થમાં અર્થપૂર્ણ ઊંડાણ હોય, તત્ત્વજ્ઞાન ડોકિયાં કરતું હોય એવુંય જોવા મળે છે. આજે આપણે એવા કેટલાક ઉદાહરણ તપાસીએ.

પહેલી કહેવત છે A Lie Travels Around The World While Truth Is Putting Her Boots On (French Proverb). જૂઠાણું જગત ઘૂમે ત્યારે સત્ય હજી જૂતા પહેરતું હોય છે એ શબ્દાર્થ સ્પષ્ટ નથી. અહીં અસત્યને દાવાનળની પેઠે ફેલાતા વાર નથી લાગતી જ્યારે સત્ય પહોંચતા અને એનો સ્વીકાર કરતા ખૂબ સમય લાગતો હોય છે એ એનો ભાવાર્થ જાણે કે જીવનનું સત્ય સમજાવે છે.

અમેરિકન લેખક માર્ક ટવેઇનની કૃતિમાં એનો ઉપયોગ થયો છે. Anger Can Be An Expensive Luxury (Italian Proverb) કહેવતમાં ગુસ્સો, રોષ, ક્રોધથી થતા નુકસાનની વાત કરાઈ છે. ગુસ્સા પર કાયમ નિયંત્રણ રાખવું જોઈએ અને ગુસ્સા સામે ક્રોધ કરવાથી સરવાળે નુકસાન જ થતું હોય છે.

રોષમાં બોલાયેલા શબ્દો પાછા ખેંચી નથી શકાતા અને એ ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ત્રીજી કહેવત છે You Will Never Plough A Field If You Only Turn It Over In Your Mind (Irish Proverb). વિચાર કરવાથી ખેતર ખેડાઈ નથી જતું. એને માટે હાથ પગ ચલાવી મહેનત કરવી જરૂરી હોય છે.

આમ અહીં ઉદ્યમ – મહેનતનો મહિમા ગવાયો છે. હાથ જોડી બેસી રહેવાથી કદી કોઈ કામ નથી થતા. Experience Is A Comb Which Nature Gives Us When We Are Bald (German Proverb) વાંચી અનુભવ એ સૌથી મોટો શિક્ષક છે એ ઉક્તિનું સ્મરણ જરૂર થયું હશે.

જીવનમાં અનેક બાબતો અનુભવથી શીખાતી હોય છે. આજની અંતિમ કહેવત છે If You Dig A Hole For Someone, You’ll Fall Into It. (Hungarian Proverb). કોઈનું નુકસાન કરવાના બદઈરાદાથી પોતાના જ નુકસાનને નોતરું દેવાઈ જાય એ આ કહેવતનો ભાવાર્થ છે. ખાડો ખોદે તે પડે’ એ કહેવત તમે જાણતા જ હશો.

રાષ્ટ્ર भाषा
हरियाणवी बोली

ક્રિકેટ પ્રેમી જનતા હરિયાણાને મહાન ક્રિકેટ ઓલ રાઉન્ડર કપિલ દેવના વતન તરીકે ઓળખે છે. આર્યવર્ત અને બ્રહ્મવર્ત તરીકે એક સમયે પ્રચલિત હરિયાણા રાજ્ય 1966માં અસ્તિત્વમાં આવ્યું હતું. આ રાજ્યમાં બોલાતી ભાષા હરયાણવી તરીકે ઓળખાય છે. આ ભાષા કરતા બોલી વધુ છે.

એની સ્વતંત્ર લિપિ નથી અને દેવનાગરીમાં લખાય છે. हरियाणवी में स्थानीय शब्दावली और व्याकरण के विशिष्ट रूप मिलते हैं, जिसका प्रयोग हरियाणा, दिल्ली और आसपास के क्षेत्रों में किया जाता है. हरियाणवी को पश्चिमी हिंदी की बोली माना जाता है, जिसमें कौरवी (खड़ी बोली) और ब्रज शामिल हैं.

આ બોલીના બંધારણમાં હિન્દી સાથે સામ્ય જોવા મળે છે. બોલીમાં કૌરવી (ખડી બોલી) અને વ્રજ ભાષા સામેલ છે. એક ઉદાહરણ જોઈએ. के हो रहया सै? મતલબ કે શું ચાલી રહ્યું છે? હિન્દીમાં इसका अर्थ है क्या हो रहा है? ક્યા કે બની ગયો છે. માણસના કર્મ એને નાનો કે મોટો બનાવે છે જે હિન્દીમાં आदमी कर्मों से बड़ा बनता है। કહેવાય છે.

આ જ વાત હરિયાણવીમાં आदम कर्म तै बड़ा बण्य है। નજીવો તફાવત છે. આદમી આદમ થઈ ગયો છે અને બનતા બણ્ય બની ગયો છે. यो राह कुण-से गाम में जावै है? વાક્યના શબ્દો હિન્દીને ખાસ્સા મળતા આવે છે. इसका अर्थ है यह रास्ता कौन से गाँव में जाता है? આ રસ્તો કયા ગામ તરફ જાય છે? રસ્તા બની ગયો છે રાહ અને કૌન બની ગયો છે કુણ. સ્થાનિક બોલીના આ પ્રતાપ છે.

સગ્ગી बहिण
नागपूरची भाषा

બિન મરાઠી લોકોમાં નાગપુર એટલે સંતરાનું શહેર, મહારાષ્ટ્ર્ના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું શહેર અને રાજ્યની બીજી રાજધાની તરીકે જાણીતું છે. નાગપુરની મરાઠી ભાષા અન્ય શહેરોની સરખામણીએ ખાસ્સી જુદી પડે છે. એનું મુખ્ય કારણ કદાચ એનું ભૌગોલિક સ્થાન છે.

નાગપુરની એક સીમા મધ્ય પ્રદેશને અડીને છે અને એક સમયે નાગપુર ‘સીપી એન્ડ બેરાર’ પ્રાંતની રાજધાની હોવાથી ત્યાં હિન્દી ભાષી લોકો કામધંધા નિમિત્તે આવી વસી ગયા હતા. એટલે નાગપુરના મરાઠી ભાષી લોકોની બોલીમાં હિન્દીનો પ્રભાવ જોવા મળે છે.

आता फळांचंच बघा, द्राक्षांना अस्सल नागपूरकर कधीन द्राक्षं म्हणणार नाही. बरोबर ओळखलंत तो ‘अंगुर’ म्हणेल.आता काही म्हणतील हा तर हिंदी शब्द आहे. अगदी बरोबर. पण नागपूरकरांनी त्याला एवढं आपलंसं केलं आहे की कुणाचाही तो हिंदी शब्द आहे यावर विश्वास बसत नाही. द्राक्षं म्हणणारा नागपुरात तुम्हाला दिवा घेऊन शोधलं तरी सापडायचा नाही.

ફળના ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થઈ જશે. દ્રાક્ષ મરાઠીમાં પણ દ્રાક્ષ જ કહેવાય છે, પણ નાગપુરના રહેવાસીઓ એને અંગુર કહે છે. द्राक्षाप्रमाणे सफरचंदाचेही तसेच. नागपुरात त्याला कुणीही सफरचंद म्हणत नाही, इथे हिंदीतला ‘सेब’,अपभ्रंश होवून मराठीत “सेप” बनतो. દ્રાક્ષ જેવું જ સફરજનની બાબતમાં નજરે પડે છે.

સફરજન મરાઠીમાં સફરચંદ કહેવાય છે, પણ નાગપુરના લોકો એને હિન્દી અનુસાર સેબ કહે છે જેનું અપભ્રંશ થઈ સેપ બની ગયું છે. बटाटे हे ‘आलू’ व टमाटे ‘टमाटर’ या हिंदी नावांनी ओळखले जातात. એવી જ રીતે બટેટા નાગપુરમાં આલુ અને ટામેટા ટમાટર તરીકે ઓળખાય છે જે હિન્દી શબ્દો છે.

माकडासारख्या प्राण्याला आम्ही नागपूरकरांनी हिंदीतील “बंदर” व नागपुरी मराठीत “वांनेर”हे नवीन नाव दिलंआहे. વાંદરો મરાઠીમાં માકડ કહેવાય છે, પણ નાગપુરના લોકો એને બંદર અથવા વાંનેર કહી બોલાવે છે.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે: રળે રામપર ને ખાય ખોડુ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button