ઉત્સવ

ઝબાન સંભાલ કે : ખોંખારો, કાળો સાડલો: સંકેતની ભાષા…

-હેન્રી શાસ્ત્રી

એક શબ્દના અનેક અર્થ એના ઉપયોગ અનુસાર થાય એ આપણે જાણીએ છીએ. ઉદાહરણ તરીકે ચેષ્ટા. ચેષ્ટા એટલે અડપલાં – તોફાન એવો અર્થ છે તો સાથે સાથે ઈચ્છા – કામના એવો પણ અર્થ શબ્દકોશ જણાવે છે. ટીખળ, મજાક, ઠઠ્ઠો – મશ્કરી એવા અર્થ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય માણસના મનમાં ચાલતા વિચાર કે ભાવ શરીર કે કાયા દ્વારા વ્યક્ત થાય એને પણ ચેષ્ટા જ કહેવાય છે. મનના ભાવ – લાગણી કે અવસ્થા દર્શાવતી શારીરિક પ્રતિક્રિયા પણ ચેષ્ટા છે. ઈશારો – સંકેત ચેષ્ટાના પર્યાયવાચી શબ્દો છે. કેટલીક વાર ‘ચેષ્ટા’, ‘ઇશારા’, ‘સંકેતો’ વગેરેનો બોલાતી ભાષાના પર્યાય તરીકે ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના અણસાર કોઈ સૂચન કરી વાત સમજાવે છે. આને મૂંગી ભાષા કહી શકાય. ખોંખારો, કાળો સાડલો કે ખભે દફતર સાથેનું બાળકનું ચિત્ર વગેરે સંકેતો ચોક્કસ બાબતો સૂચવે છે. હોઠ ઉપર હાથ મૂકીને પાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરી શકાય. નાક ઉપર આંગળી મૂકીને સામી વ્યક્તિને ચૂપ રહેવા કહી શકાય. અસલના વખતમાં ઘરમાં નાની વહુને લાજ કાઢવાની હોય ત્યારે સસરા ઘરમાં આવતા પૂર્વે ખોંખારો ખાય અને વહુને એમના આગમનનો અણસાર મળી જાય અને ઘૂમટો તાણી લે. ઘરની બહાર, સડક પર જો એકસાથે બાર – પંદર સ્ત્રીઓ કાળા સાડલા પહેરી નીકળે તો કોઈનું મરણ થયું હોવાની સૂચના બોલ્યા વગર મળી જાય.

ઈશારો આપણા જીવનમાં દરેક સ્તરે મહત્ત્વ ધરાવે છે. બાળપણમાં – કિશોરાવસ્થામાં માતા પિતા – શિક્ષકના ઈશારા સમજી લેવાના હોય છે. યુવાનીમાં પ્રેમિકાને ઈશારા કરવાના હોય કે ઝીલવાના હોય. નોકરી – ધંધામાં પરિસ્થિતિના ઈશારો – સંકેત સમજી આગળ વધવાનું હોય છે. જૈફ ઉંમરે શરીરના ઇશારા સમજી આરોગ્ય વિશે જાગરૂકતા કેળવવાની હોય છે. આ ઈશારો મૂળ અરબી શબ્દ છે. અરબી શબ્દ શઅર (તેમણે બતાવ્યું) પરથી એનો જન્મ થયો છે. એ જ રીતે ઈનામ અને ઈનકાર ગુજરાતીમાં ભલે વણાઈ ગયા હોય, બંને અરબી શબ્દો છે. તમે અથવા તમારા સંતાને કે મિત્રએ કોઈ હરીફાઈમાં ભાગ લઈ પહેલું, બીજું કે પછી આશ્વાસન ઈનામ મેળવ્યું હશે ત્યારે ઈનામ આપણી ભાષાનો નહીં પણ મૂળ અરબી શબ્દ છે એની જાણ નહીં હોય..

આપણી ભાષામાં પારિતોષિક, પુરસ્કાર કે ભેટ તરીકે આ શબ્દ જાણીતો છે. પારિતોષિક મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વિસ્તાર છે પ્રસન્ન થઈને આપવામાં આવતો પુરસ્કાર. ઈનામનો ઉલ્લેખ ઘણી વાર બક્ષિસ તરીકે પણ થાય છે. આ બક્ષિસ ફારસી શબ્દ બખ્શિશનું અપભ્રંશ છે. ખુશી ખુશી કે રાજી થઈને કોઈને ભેટ આપવી એવો એનો અર્થ છે. આના પરથી તૈયાર થયેલો અન્ય અરબી શબ્દ છે ઈનામ અકરામ. ઈનઆમ (બક્ષિસ) અને અકરામ (માન) એટલે કે માનપૂર્વક આપવામાં આવેલી ભેટ.

HANGRY

ભૂખ્યા માણસને જો સહેજ પણ છંછેડવામાં આવે તો એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચવામાં વાર નથી લાગતી એવો સર્વ સામાન્ય અનુભવ છે. જોકે, આ માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી એવી દલીલ વર્ષોથી કરવામાં આવે છે. આપણામાંના મોટા ભાગના લોકોએ પેટમાં બિલાડા બોલતા હોય ત્યારે સિંહની જેમ ગર્જના કરી બેઠા હોઈએ એવા અનેક ઉદાહરણો જોયા કે અનુભવ્યા હશે. અંગ્રેજીમાં ભૂખ્યા માટે શબ્દ છે HUNGRY અને ગુસ્સા માટે શબ્દ છે ANGRY. આ બે શબ્દોને જોડીને એક શબ્દ બનાવવામાં આવ્યો છે, HANGRY or HANGER. વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે આ શબ્દને માણસની ભૂખ સાથે નાતો છે. પેટમાં ભૂખ લાગી હોય ત્યારે કંઈક ખાવાની તીવ્ર ઈચ્છા માણસ માત્રને થતી હોય છે. આ સમયે જે લાગણીનો અનુભવ થાય અને એને અનુસરીને જે શારીરિક પ્રતિક્રિયા જન્મે એ HANGRY or HANGER તરીકે ઓળખાય છે. લંડનની એક પ્રતિષ્ઠિત કૉલેજની સોફી મેડલિન નામની લેક્ચરરે ભૂખ અને ક્રોધનું કનેક્શન સાબિત કર્યું છે. એમના કહેવા પ્રમાણે ‘ખૂબ ભૂખ લાગે ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જતું હોય છે અને હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. આ હોર્મોન્સ મગજ પર અસર કરે છે. ક્રોધ માટે જે હોર્મોન જવાબદાર છે એ જ હોર્મોન ભૂખ માટે પણ જવાબદાર હોય છે. એટલે જ ભૂખ વધતાની સાથે ગુસ્સાનું પ્રમાણ પણ વધી જતું જોવા મળે છે. આપણી ભાષામાં એક રૂઢિ પ્રયોગ છે જે આ દલીલને સમર્થન આપે છે: ભૂખ્યો બ્રાહ્મણ અને ધરાયેલો કણબી, તેમને છંછેડવા નહીં. આ રૂઢિપ્રયોગનો અર્થનો સારાંશ એમ છે કે ભૂખ્યો બ્રાહ્મણ નારાજ હોય છે અને ખાધા પછી કણબીને આરામ જોઇએ છે, માટે તે વખતે તેમની છેડ કરવાથી વિપરીત પરિણામ આવે..

कहीं की ईंट, कहीं का रोड़ा…

માણસ પોતાની જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવા જોડતોડ કરતો હોય છે. રાજકારણમાં અલગ અલગ વિચારધારા ધરાવતા પક્ષ કોઈ ચોક્કસ હેતુ માટે જોડાણ કરી લેતા હોય છે. આ સંદર્ભની એક હિન્દી કહેવત છે કે कहीं की ईंट, कहीं का रोड़ा, भानुमति ने कुनबा जोड़ा. ઈંટ એટલે મટોડીનાં ગારામાંથી બનાવેલું ચોસલું જે ચણતરમાં વપરાય. રોડા એટલે ટુકડો કે કટકો. इस मुहावरे का मतलब होता है असंगत वस्तुओं या व्यक्तियों को इकट्ठा करके कुछ बना देना. यानी इधर-उधर से अपनी जरूरत की चीजें लेकर कुछ बना देना. આ કહેવત પાછળ એક મજેદાર કહેવત છુપાઈ છે. કંબોજના રાજા ચંદ્રવર્મા રૂપ રૂપનો અંબાર હતી. એના સ્વયંવરમાં દુર્યોધન, કર્ણ, જરાસંધ, શિશુપાળ જેવા પરાક્રમી રાજાઓ ભાનુમતિ સાથે વિવાહ કરવાની ઈચ્છા સાથે પધાર્યા હતા. છેવટે ભાનુમતિના વિવાહ દુર્યોધન સાથે થયા હતા. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુએ ભાનુમતિના પુત્રનો વધ કર્યો હતો અને દુર્યોધને ભીમનો વધ કર્યો હતો. છતાં દુર્યોધનના મૃત્યુ પછી ભાનુમતિએ અર્જુન સાથે વિવાહ કરી લીધા હતા. જાણવા જેવી વાત તો એ પણ છે કે કર્ણ અને ભાનુમતી વચ્ચે મૈત્રી હતી. આમ ભાનુમતિ એકબીજાથી સાવ વિપરીત સ્વભાવની ત્રણ વ્યક્તિ દુર્યોધન, કર્ણ અને અર્જુન સાથે અનોખો સંબંધ ધરાવતી હોવાથી આ કહેવત પડી છે. અહીં તહીંથી સંદર્ભો જોડીને જે રચનામાં મૌલિકતાનો અભાવ હોય એને માટે પણ આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે.

अन्नाच्या म्हणी

અન્ન એવો ઓડકાર અત્યંત પ્રચલિત કહેવત છે. અન્ન – આહાર સંબંધિત કહેવતો અને રૂઢિપ્રયોગોમાં ક્યાંક સામ્ય તો ક્યાંક જુદાપણું જોવા મળે છે. અન્ન – આહાર સંબંધિત મરાઠી ભાષાની કહેવતોનો સ્વાદ માણવા જેવો છે. પહેલી કહેવત છે अचाट खाणे, मसणात जाणे. અચાટ એટલે આડેધડ, હદ વટાવી દેનારું. પ્રમાણ ભૂલીને ખાતી વ્યક્તિ માટે ગુજરાતીમાં શબ્દ છે અકરાંતિયું. મસણ એટલે મસાણ અથવા સ્મશાન. ટૂંકમાં આડેધડ અકરાંતિયાની જેમ ખાવાથી તબિયત લથડે અને મૃત્યુને નોતરું અપાઈ જાય એવો એનો ભાવાર્થ છે. असतील शिते तर जमतील भुते જીવનની ફિલસૂફી સમજાવતી કહેવત છે. શિતે એટલે રાંધેલા ચોખા જેને આપણે ભાત કહીએ છીએ. ભૂતનો શબ્દાર્થ તો ભૂતપિશાચ થાય પણ અહીં ખુશામતખોર લોકો એવો ભાવાર્થ છે. ખિસ્સામાં પૈસાનો પાવર હોય તો આસપાસ ખુશામત કરનારાઓ મધમાખી ફૂલની આસપાસ ફર્યા કરે એમ એ લોકો ટોળે વીંટળાયેલા રહે એ આ કહેવતનો ભાવાર્થ છે. आयत्या पिठावर रेघोट्या ओढणे કહેવત પણ માર્મિક છે. થોડા શબ્દોમાં ઘણી ગહન વાત કહી જાય છે. પીઠ એટલે તૈયાર બાંધેલો લોટ અને એની પર આંગળીથી લીટી તાણવી અને કહેવું કે હવે બરાબર થઈ ગયું. મતલબ કે તૈયાર વસ્તુ કે કામ પર નજીવો હાથ ફેરવી એ કામ પોતે કર્યું હોવાનો દેખાડો કરવો. આપણી ભાષામાં આયતા પર રાયતું કહેવત છે જેનો અર્થ તૈયાર માલ પર તાગડધિન્ના એવો થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button