ઉત્સવ

ઝબાન સંભાલ કે : બાપનો કૂવો હોય એટલે એમાં ડૂબી ન મરાય…

-હેન્રી શાસ્ત્રી

આજે ફાધર્સ ડે. આમ તો વિદેશી વિચાર- ખ્યાલ છે, પણ આપણા દેશમાં જે ફોરેન માલનો ખપત વધ્યો છે એમાં Day Celebration- વિવિધ દિવસની ઉજવણીનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પેરન્ટ્સ એક શબ્દ છે પણ આપણે માતા-પિતા કહીએ છીએ. આપણે ત્યાં માતાનું મહત્ત્વ અને માહાત્મ્ય (મહિમા) એટલા ઊંચા છે કે માતા-પિતા જ બોલવામાં આવે છે. કોઈને ક્યારેય પિતા – માતા બોલતા-લખતા જોયા? હાલાંકી બીજા કેટલાક સંબંધમાં પુરુષનું સ્થાન પહેલા આવે છે.

જેમ કે દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, મામા-મામી ઈત્યાદિ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ વાત સર આંખો પર. પણ આજે બાપુજી ફાધર બની ગયા છે અને પ્રોવાઇડર (સંતાનની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ)ની વ્યાખ્યામાંથી બહાર નીકળી નર્ચરર (પાલનહાર પિતા) બનવા પર ભાર મુકાઈ રહ્યો છે.

ફાધર્સ ડે નિમિત્તે એટલું તો જરૂર કહીએ કે દેવકી- યશોદાના પ્રેમના ગુણગાન ચોક્કસ ગાઓ, કરંડિયામાં બાળકને લઇ જનારા વાસુદેવનું પણ સ્મરણ કરી જુઓ. ઉત્તર પ્રદેશના કેટલાક વતનીઓ પિતાનું નામ દેતા નથી, કારણ કે નામ દેવાથી પોતાના પ્રિયજનનું આયુષ્ય ક્ષીણ થાય છે એવો વહેમ ચાલે છે. મતલબ કે બાપ પ્રિયજન પણ આલેખવામાં આવ્યો છે.

બાપ કહેવત અને રૂઢિપ્રયોગમાં પણ વણાઈ ગયો છે. બાપ બાવળ ને મા બોરડી કહેવત ઠેકાણા વગરની કે આડેધડ વાત હોય ત્યારે વપરાય છે. દૂર દૂરનાં સંબંધ નહીં ધરાવતા બાવળ અને બોરડી એટલે જ જોવા મળે છે. બાપનું તોલડું રૂઢિપ્રયોગ સમજવા જેવો છે. તોલડું એટલે નાનું માટીનું વાસણ. અવસાન પામેલા માણસને સ્મશાનમાં લઈ જાય ત્યારે તેનો સંબંધી હાથમાં તોલડી જઈને આગળ ચાલે છે.

એ તોલડી મરણની મોકાણના સમાચારનું પ્રતિનિધિત્વ કરે છે. એ જ પ્રમાણે આવડતની જરૂર વિનાનું કામ સોંપાયા બાદ જો એ વ્યક્તિ નિષ્ફળ થાય એના પરથી કામને યોગ્ય ન્યાય ન આપી શકતા લોકો માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. પિતાના ગુણગાન ગાતી કહેવત છે બાપા બાપા! ઝાંપો ઢાંકું. તો કહે દીકરા ઝાંપો શું કરવા ઢાંકે, મારું હૈયું ઝાંપા કરતા મજબૂત છે.

પુત્રની દરેક પ્રકારની વ્યથા ઝીલવાની તાકાત પિતામાં હોય છે એ એનો ભાવાર્થ છે. આપણા સમાજમાં અનેક જૂની રૂઢિઓ આજે કાળ બાહ્ય થઈ હોવા છતાં એને સમાજ વળગી રહેલો જોવા મળે છે. આ વૃત્તિ પર કટાક્ષ કરતી કહેવત છે બાપનો કૂવો હોય એટલે એમાં ડૂબી ન મરાય. ટૂંકમાં હાનિકારક રીત રિવાજને વળગી ન રહેવાય.

પિતાની પરિસ્થિતિની દરકાર ન હોય એ વ્યથા બાપને બોખારાં વાગે ને દીકરીને જોઈએ ઘરચોળાં કહેવતમાં સુપેરે પ્રગટ થાય છે. બોખારાં એટલે વરાળ. મતલબ કે બાપ મુશ્કેલીથી દાઝતો હોય-હેરાન થતો હોય. કેવી માર્મિક વાત છે. બાપનો હાથ ભીડમાં હોય, ઘરે ઉઘરાણી માટે તકાજા થતા હોય ત્યારે દીકરી ઘરચોળું માગે એ પરિસ્થિતિ બાપ માટે કેવી વસમી હોય એનું વર્ણન કરવા શબ્દોનો પનો ટૂંકો પડે.

FATHER’S DAY

સ્વતંત્રતા એ કાયમી અવસ્થા છે, પણ સ્વાતંત્ર્ય દિન એક જ હોય છે. એ જ રીતે જીવનમાં પિતાની હાજરી, એમણે અદા કરવાની જવાબદારી સતત પ્રક્રિયા છે, પણ વર્ષનો એક દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

Father’s Day is celebrated around the world to honor fathers and father figures. While the date varies by country, many celebrate it on the third Sunday in June. પિતાશ્રી કે પિતાતુલ્ય વ્યક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવા એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે. અનેક દેશોમાં એની ઉજવણી થાય છે અને તારીખ અલગ અલગ હોઈ શકે છે. જોકે, ઘણા ખરા દેશો જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવણી કરતા હોય છે.

Now we will see how Papa, Dad – Daddy, Father is reflected in proverbs and idioms. અંગ્રેજી કહેવતો-રૂઢિપ્રયોગોમાં ડેડીની હાજરી જોઈએ. Mama’s baby, Papa’s maybe.This phrase is a playful way of saying that a child might be more like their mother or father. બાળકમાં પિતાશ્રી કરતા માતાના ગુણ-સ્વભાવ વધુ ઉતરી આવ્યા હોય એ કહેવાનો અહીં આશય છે.

Father figure એટલે વડલાનો છાંયડો, પ્રભાવી વ્યક્તિ. This term refers to a male role model who provides guidance and support, often like a father. પિતાશ્રીની જેમ આધાર બનતી, માર્ગદર્શન કરતી વ્યક્તિ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. The Daddy of them all: The biggest, oldest, most impressive, or most respected person or thing of a certain kind. કદમાં અને ઉંમરમાં સૌથી મોટી તેમજ અત્યંત પ્રભાવી અથવા અત્યંત આદરણીય વ્યક્તિ અથવા કોઈ વિશિષ્ટ વસ્તુ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે.

Grand Daddy of them all: The first, oldest, or most respected of its kind, as in That computer is the grand daddy of them all. સૌથી પહેલો, સૌથી ઉંમરલાયક અથવા સૌથી વધુ આદરણીય વ્યક્તિ કે વસ્તુ માટે આ શબ્દપ્રયોગ થાય છે. કમ્પ્યુટરને ઉપકરણના ગ્રાન્ડ ડેડીનું બિરુદ આપવામાં આવ્યું છે. Disney Dad એટલે એવા પિતા જેના તાબામાં બાળક કોઈ કારણસર ન હોવા છતાં એ બાળક પ્રત્યે અનેક જવાબદારી અદા કરતા હોય છે. વિખૂટા પડી ગયેલા પતિ – પત્નીમાં આવું જોવા મળે છે. Bonus Dad – An alternative to the title step-dad ટૂંકમાં સાવકો પિતા.

આપણ વાંચો : Happy Father’s Day: આ છે બોલીવૂડના Single Father

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button