ઉત્સવ

ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેસે

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

ડહાપણ એટલે ચાતુર્ય, ચતુરાઈ, પ્રસંગને અનુરૂપ વર્તન, અક્કલ, સમજ, બુદ્ધિ, પાંડિત્ય, સુજ્ઞતા, શાણપણ, હોશિયારી જેવા અર્થ ભગવદ્ગોમંડલમાં આપ્યા છે. સાથે એક અર્થ વકૂફ એવો પણ આપ્યો છે. ડહાપણ શબ્દનું મૂળ સંસ્કૃતમાં છે, જ્યારે વકૂફ મૂળ અરબી શબ્દ છે. ભાષા માટે લડી પડતા લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે ‘નામરૂપ જૂજવા અંતે તો બધું હેમનું હેમ હોય.’ બે પૂર્વગથી બનતા અનેક શબ્દો છે જે મૂળ શબ્દના ‘વિના’નો અર્થ બતાવે છે.

વકૂફ એટલે સમજુ અથવા અક્કલવાળું અને બેવકૂફ એટલે મૂર્ખ અથવા અક્કલ વગરનું. સોના કરતા ડહાપણ વધુ કિંમતી માનવામાં આવે છે. સોનુ હોય તો ડહાપણ નથી મેળવી શકાતું, પણ ડહાપણની મદદથી સોનું જરૂર મેળવી શકાય છે. ડહાપણ શબ્દને હોશિયારી સાથે સીધી નિસ્બત છે. કોઈ વ્યક્તિ સ્માર્ટ થવાની કોશિશ કરે ત્યારે ડહાપણ કરવું રહેવા દે એમ કટાક્ષમાં કહેવાય છે. ટૂંકમાં હોશિયારી ન દેખાડવી એવો સૂચિતાર્થ છે.

યુવાનીમાં પ્રવેશતી વ્યક્તિ જો બુદ્ધિ વગરની વાત કરે કે અક્કલનું પ્રદર્શન કરે તો આને હજી ડહાપણની દાઢ નથી ફૂટી લાગતી એવો કટાક્ષ કરવામાં આવતો હોય છે. વીસેક વર્ષની ઉંમરે ઉગતી દાઢ ડહાપણની દાઢ તરીકે ઓળખાય છે. અસલના વખતમાં દીકરો અને પુત્રવધૂ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતા હતા એ આપણે જાણીએ છીએ. કહેવતોમાં પણ આ અન્યાય નજરે પડે છે. ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેસે.

મતલબ કે છોકરો સમજુ હોય, એનામાં શાણપણ હોય તો એ પરદેશ કમાવા જાય, સંપત્તિ બનાવી જાણે, ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ સારી બનાવે. પણ જો છોકરીમાં શાણપણ હોય તો તેણે શું કરવાનું? તેણે ઘરકામમાં જ જોડાઈ જવાનું. જોકે, એકવીસમી સદીના ત્રીજા દાયકામાં ચક્ર ઘણું ફરી ગયું છે અને ડાહી વહુ દેશાવર ભોગવે ને ડાહ્યો દીકરો ચૂલામાં પેસે એવી બનવી જોઈએ એવું કહેવામાં અતિશયોક્તિ નથી. હાઉસવાઈફની જેમ હાઉસ હસબન્ડ પણ સમાજમાં જોવા મળે છે ખરા.

સ્ત્રી – પુરુષમાં અસમાનતા દર્શાવતી બીજી એક કહેવત છે કે ડાહી પણ તે ઓરત, ઘેલો પણ તે માટીડો. અહીં એવું ઠસાવવાની કોશિશ થઈ છે કે જો સ્ત્રીમાં ડહાપણ – શાણપણ હોય તો એની મર્યાદા હોય છે. મતલબ કે સ્ત્રીની બુદ્ધિમત્તાની જાણે કે ટકાવારી હોય એવી વિચિત્ર વાત છે. દાખલા તરીકે 50 ટકા લિમિટ, એનાથી વધારે નહીં. બીજી તરફ પુરુષને ઊંચું સ્થાન આપી પુરુષમાં ઓછી અક્ક્લ હોય તો પણ એ કામ પાર પાડી શકે છે એવું કહેવામાં આવ્યું છે. આ તો સ્ત્રી સાથે સરાસર અન્યાય છે.

નારી સન્માનની સદંતર અવગણના કરી ડહાપણની બાબતે એને ઉતારી પડતી એક કહેવત તો વાચકો જાણતા જ હશે કે ડાહી સાસરે ન જાય ને ઘેલીને શિખામણ આપે. ડાહી સ્ત્રી ડહાપણનો ઉપયોગ પોતાના માટે કરે નહીં અને બીજાને સમજાવવાની કોશિશ કરે. આવો જ અર્થ ધરાવતી અન્ય એક કહેવત પણ છે કે ગજવામાં સદા કાણું ને બાવાને ભીખ આપે. ચતુર કહેવાતા માણસો – હોશિયાર વ્યક્તિનો થપ્પો મેળવેલા લોકો પણ ક્યારેક કોઈ કામ વગર વિચાર્યું કરી બેસે. આ સંદર્ભની એક કહેવત છે કે ડાહ્યો કાગડો બે પગે બંધાય. કાગડો ચતુર હોય છે એ સંદર્ભ જાળવી આ કહેવત બની છે.

हिंग्लिश VINGLISH

Wise and सयाना कहावतें

ડાહ્યા કે સમજદાર વ્યક્તિ માટે હિન્દી શબ્દ સયાના છે અને અંગ્રેજીમાં વાઈઝ કહેવાય છે. આ સંદર્ભે હિન્દી અને અંગ્રેજી કહેવતોમાં રહેલું સામ્ય જાણવા જેવું અને જાણીને સમજવા જેવું છે. તમે જાણીતી ગુજરાતી કહેવતથી વાકેફ હશો કે ખાળે ડૂચા અને દરવાજા મોકળા. મતલબ કે નજીવી બાબતે વધુ પડતી કાળજી રાખવી, ચિંતા કરવી પણ મોટી બાબતમાં બેદરકારી રાખવી કે નિષ્કાળજી દાખવવી. હાથી નીકળી ગયા પછી પૂંછડી અટકી જાય એની ચિંતા કરવી.

હિન્દીમાં આ ભાવ દર્શાવતું કહેવત છે કે गँवार गन्ना न दे भेली दे. ગન્ના એટલે શેરડી અને ભેલી એટલે ગોળનું ભીલું. गंवार सहज में गन्ना नहीं देता, पर धमकाने से गुड़ दे देता है. ગ્રામ્ય જીવનના સંદર્ભની આ કહેવત છે જેમાં ગામડિયો કે ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ શેરડી સહેલાઈથી ન આપે પણ જો એને ધમકાવવામાં આવેતો ગૉળ આપી દે. શેરડી કરતા ગૉળની કિંમત વધારે હોય. मूर्ख साधारण से व्यय में कंजूसी कर के हानि उठाता है, मूर्ख थोड़ा नहीं देता, बहुत दे देता है, ऐसे अवसर पर बोलते हैं जब कोई व्यक्ति किसी साधारण व्यय में कंजूसी करे और बड़े ख़र्च के लिए तैयार रहे.

મૂર્ખ વ્યક્તિ મામૂલી ખર્ચ કરવામાં કંજૂસાઈ કરે અને મૂર્ખ વ્યક્તિ થોડું નહીં, બહુ ઝાઝું આપી દે. નાનો બચાવ કરે પણ મોટો ખર્ચ કરી નાખે. આવા જ મતલબની અંગ્રેજી કહેવત છે Penny-wise and pound-foolish. પેની અને પાઉન્ડ ચલણના પરિમાણ છે. પેનીની કિંમત પાઉન્ડની સરખામણીએ નજીવી હોય છે. Careful about small amounts of money but wasteful with large amounts.

નાના ખર્ચ માટે વધુ પડતી સાવચેતી રાખતા અને મોટી રકમ ખર્ચવામાં બેદરકારીનું પ્રદર્શન એ આનો ભાવાર્થ છે. સોબત તેવી અસર કે પછી કાળિયા સાથે ધોળિયો બાંધીયે, વાન ન આવે પણ સાન જરૂર આવે કહેવતોથી તમે વાકેફ હશો. આપણી આસપાસના માહોલનો કે વ્યક્તિનો પ્રભાવ કે એની અસર પડ્યા વિના રહેતા નથી એ એનો ભાવાર્થ છે. આ સંદર્ભનો કબીરજીનો એક દોહો છે કે कबीर संगत साधु की, नित प्रति कीजै जाय, दुरमति दूर बहावासी, देशी सुमति बताय. इस दोहे के माध्यम से कबीर दास जी बताते हैं कि सज्जन और ज्ञानी व्यक्तियों की संगति में रहने से व्यक्ति के मन से नकारात्मकता और बुराइयाँ दूर होती हैं, और वह अच्छे मार्ग पर चलता है, जिससे जीवन में सकारात्मकता आती है।

કબીરના દોહામાં જીવન જ્ઞાન હોય છે. અહીં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે સજ્જન અને જ્ઞાની વ્યક્તિના સંપર્કમાં – સાન્નિધ્યમાં રહેવાથી આપણા મનમાં રહેલી નકારાત્મકતા કે દુષણો દૂર થઈ જાય છે. ટૂંકમાં કોના સહવાસમાં રહેવું એના તરફ ઈશારો છે. English proverb A MAN IS KNOWN BY THE COMPANY HE KEEPS also points that people’s character is judged by their associates. તમે કોની સંગતમાં છો એનએ આધારે તમારું વ્યક્તિત્વ માપવામાં આવે છે.

शहाणपणाच्या म्हणी

શાણપણ – ડહાપણની કહેવતો જીવનમાં મળતા અનુભવોમાંથી જ આકાર લેતી હોય છે. अतिशहाणपणाचा माज, बुडवी जहाजाचा राज. માજ એટલે અહંકાર, ઘમંડ અથવા ઉન્માદ. બુડવી ડૂબાડી દેવું, નાશ કરવો. વધુ પડતું ડહાપણ જહાજના આધિપત્યનો વિનાશ નોતરે એવો ભાવાર્થ છે. વધુ પડતું ડહાપણ સારું નહીં, એનાથી જાતનું જ નુકસાન થાય. દોઢ ડાહ્યો પ્રયોગ આ પરિસ્થિતિમાંથી જ ઉદભવ્યો હોવો જોઈએ. शहाण्याला शब्दांचा मार, वेड्याला हाडकांचा.

સમજુ માણસ કઈ ભાષા સમજે અને અણસમજુ સાથે કેવી રીતે વ્યવહાર કરવો પડે એના પર આ કહેવત પ્રકાશ ફેંકે છે. સમજદાર માણસો સાનમાં સમજી જાય એમ આપણે કહેતા હોઈએ છે ને. બસ, એ જ ભાવ અહીં વ્યક્ત થયો છે. બોલાયેલા બે શબ્દમાંથી શાણો માનવી સમગ્ર પરિસ્થિતિ સમજી જતો હોય છે. બીજી તરફ અક્કલના ઓથમીર, બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવા લોકોને શબ્દોના બાણથી નહીં હાથનો મેથીપાક ખાધા પછી જ સમજાતું હોય છે.

ભાષાપ્રેમી વાચક મિત્રો વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય કહેવતથી સુપેરે પરિચિત હશે. એવા જ મતલબની મરાઠી કહેવત છે કે शहाणा माणूस आधी विचार करतो, मग बोलतो. શાણપણ કે ડહાપણ ધરાવતી વ્યક્તિ વિચારપૂર્વક જ મોઢું ખોલે, ગમે તેમ બફાટ કરી અક્કલનું પ્રદર્શન ન કરે. શાણપણ એક એવી માનસિક અવસ્થા છે મોટેભાગે અનુભવમાંથી જન્મ લેતી હોય છે. ઠોકર ખાઈ માણસ ઘડાય અને એમાં શાણપણ આવે.

અલબત્ત કેટલાક એવા પણ ઉદાહરણ આપણી આસપાસ હોય છે જેમાં આને તો ડહાપણ ગળથુથીમાં મળ્યું છે એમ કહી શકાય, પણ જૂજ કેસમાં કે અપવાદરૂપે એવું જોવા મળે. અપવાદ નિયમ ન બની શકે. આ વસ્તુસ્થિતિ પર शहाणपण हे अनुभवातून येते કહેવત ટોર્ચ લાઈટ મારે છે. જીવનમાં આવી પડતી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે સમજણ મહત્ત્વ ધરાવે છે અને આ સમજણ શાણપણને કારણે વિકસતી હોય છે.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : સોનું સાંપડે નહીં, પિત્તળ પહેરાય નહીં

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button