સ્પોટ લાઈટ: તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે…

મહેશ્વરી
જૂની રંગભૂમિના નાટકો જનતાને અનહદ પ્રિય હોવાના અનેક કારણો હતા. એનાથી એમનું મનોરંજન થતું અને ક્યારેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપતા પાઠ પણ શીખવા મળતા એ પ્રમુખ કારણો તો ખરા જ. સાથે સાથે નાટકનું કથાવસ્તુ ઉપરાંત એના ગીત, એના સંવાદનું રસિકોને આકર્ષણ થતું.
જૂની રંગભૂમિના નાટકોમાં એક બેતબાજી નામનો પ્રકાર જોવા મળતો. શ્રી દેશી નાટક સમાજ સાથે જોડાયેલી હતી એ દિવસો દરમિયાન એક અનુભવી કલાકારે મને એના વિશે સમજાવ્યું હતું. બેત ફારસી શબ્દ છે જેનો અર્થ બે કડીની નાની કવિતા એવો થાય છે.
બેતબાજી એટલે એવી ટૂંકી કવિતાઓ કરવી કે ગાવી. આ સમજણ આપી એ મુરબ્બી કલાકારે નાટકમાં ‘બેતબાજી’ના એક ઐતિહાસિક નાટકના ઉદાહરણની વાત કરી હતી, જે ‘મુંબઈ સમાચાર’ના કલા રસિક વાચકો માટે રજૂ કરું છું.
‘સમ્રાટ હર્ષ’ નામના ઐતિહાસિક નાટકમાં હર્ષનું પાત્ર માસ્ટર શનિએ ભજવ્યું હતું.માસ્ટર શનિ બેતબાજીમાં લલકારતા કે દેખાવ બદલ્યે દુર્જનોના દાવ બદલાતા નથી, સમય બદલે છતાં સ્વભાવ બદલાતા નથી. સામે ગૌડ રાજવી શશાંક દેવના પાત્રમાં લાજવાબ નટ મોહનલાલ જવાબ આપતા: વાજિંત્રના ઉસ્તાદના કંઈ તાલ બદલાતા નથી, સિંહ કેરી મૂછના કંઈ બાલ બદલાતા નથી. સર્પ છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી, અમે બદલાશું અમારા હાલ બદલાતા નથી.
નાટકમાં કલ્યાણીના પાત્રમાં માસ્ટર પ્રહલાદ પતિ પર ફિટકાર વરસાવી કહેતા: પત્ની તણો છે ન્યાય, સામે પતિનો અન્યાય છે, સ્ત્રીને મળે સન્માન ત્યાં નિંદા પતિની થાય છે. તમારી અપકીર્તિમાં ઈજ્જત અમારી જાય છે, તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે. આ બેતબાજી પૂરી થાય અને આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠતું. દર્શકો ‘વન્સમોર’નો આગ્રહ પણ રાખતા. જોકે, જૂનાગઢના નાટ્યકાર નૃસિંહ વિભાકર બેતબાજીને કૃત્રિમ માનતા હોવાથી તેમના નાટકોમાં જીવંત સંવાદોને પ્રાધાન્ય જોવા મળતું હતું.
અમેરિકા પહોંચતાની સાથે જ ‘કબૂતર’ ઉડી ગયાની ઘટનાએ આંચકો આપ્યો અને સાથે સાથે રમૂજ પણ થઈ. મારું મન ચકરાવે ચડી ગયું કે વિદેશની ઘેલછામાં માણસો નીતિમત્તાને નેવે મૂકી કેવા કેવા જોખમ ખેડવા તૈયાર થતા હોય છે. બેકસ્ટેજમાં કામ કરવાના બહાને યુએસમાં ગેરકાયદે ઘુસવા આવેલો પેલો ‘કબૂતર’ જો પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હોત તો એની કેવી બૂરી વલે થઈ હોત એની કલ્પના કરવી અઘરી નથી. જોકે, એ બધા વિચારોને પૂળો મૂકી મેં સમગ્ર ધ્યાન પ્રવાસમાં કરવાના નાટકો પર કેન્દ્રિત કર્યું.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : ડાયલોગનું રિહર્સલ ઊડતા વિમાનમાં
યુએસમાં અમારો પહેલો શો ન્યૂ જર્સીમાં હતો. અમેરિકાના કોઈ પણ રાજ્ય કરતા ન્યૂ જર્સીમાં સૌથી વધુ ભારતીય લોકોનો વસવાટ હું ગઈ ત્યારે હતો. એમાંય અહીં ગુજરાતીઓ પણ ખાસ્સી સંખ્યામાં જોવા મળે. નાટકની ટૂર પણ અહીંથી એટલે જ શરૂ કરવામાં આવતી હશે એવું મેં ધારી લીધું. અમને મોટેલમાં ઉતારો આપ્યો હતો.
ભારતથી જે પટેલો યુએસ ગયા એમાંના ઘણા લોકોએ ત્યાં મોટેલ બાંધી એના બિઝનેસમાં સારી કમાણી કરી છે. મોટેલમાં અમે નાટકના રિહર્સલ પણ કર્યા. ખાસ તો છેલ્લી ઘડીએ આવેલા એક્ટર મહેશ ઉદેશીના ડાયલોગ તો વિમાન મુસાફરી દરમિયાન તૈયાર કરાવી દીધા હતા, પણ સ્ટેજ પરની મુવમેન્ટથી એને વાકેફ કરવાનો હતો. અનુભવી કલાકાર હતો એટલે બધું તરત સમજી ગયો.
શુક્રવારનો પહેલો શો સરસ ગયો અને એ પતાવી અમે મોટેલ પર પાછા ફર્યા. પછી શનિ-રવિ પણ શો હતા. શનિવારે અમારો શો એલ.એ. (લોસ એન્જલસ)માં હતો. હવે જો બાય રોડ બસમાં જઈએ તો બહુ લાંબું પડે. ચાલીસેક કલાક થઈ જાય. યુએસમાં ટ્રેનની મુસાફરી તો અત્યંત મર્યાદિત. પ્લેનમાં ફક્ત આઠ કલાક લાગે. એ સમયે અમેરિકામાં એક વિશિષ્ટ પ્રકારના પાસની સિસ્ટમ હતી જે લઈ ગમે એટલા અંતરની મુસાફરી કરવાની સગવડ હતી. સ્પોન્સરર તરફથી અમને બધાને એ પાસ આપવામાં આવ્યા હતા. પરિણામે બસની લાંબી અને કંટાળાજનક મુસાફરી કરવાનો વખત ન આવ્યો.
જોકે, સાંભળવામાં મીઠી ઘંટડી જેવી સગવડ ‘અમારે જાહોજલાલી હતી’ એવું માનવાની ભૂલ નહીં કરી બેસતા. વિમાનમાં બેસવા માટે પહેલા નોકરી ધંધા માટે જનારા મુસાફરો ને પ્રાધાન્ય આપવામાં આવતું. હવે જો વિમાન એ મુસાફરોથી ભરાઈ જાય તો વિશિષ્ટ પાસ ધારકોએ બીજા વિમાનમાં જવું પડે.
ક્યારેક એવું પણ બને કે અમે 14 નંબરના ગેટ પર વિમાન પકડવા ઊભા હોઈએ અને એ વિમાનમાં જગ્યા ન મળે એટલે તમારે 30 નંબરના ગેટ પરથી વિમાન પકડવાનું છે એમ અમનેકહેવામાં આવે. 14 નંબરથી 30 નંબર સુધી ચાલતા ચાલતા જવું પડે.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : અફલાતૂન’ને અફલાતૂન આવકાર
ટૂંકમાં કહેવા માટે આ વિશિષ્ટ પાસ હતો, પણ એરપોર્ટ પર રીતસરની હડિયાપાટી કરવી પડતી હતી. જોકે, અમારી કોઈ ફરિયાદ નહોતી, કારણ કે મુસાફરીના સમયમાં ઘણો બચાવ થતો હતો. હા, ક્યારેક પ્લેન પકડવા બહુ રાહ જોવી પડે અને બહુ ચાલવું પડે ત્યારે થાક બહુ લાગતો હતો. અમે રહેતા હતા ત્યાં એક મોટો હોલ હતો જેમાં બધા પુરુષ કલાકારો રહેતા અને સ્ત્રી કલાકારોને અલગ રૂમ ફાળવવામાં આવ્યા હતા. સવારે કિચનમાં ચા જાતે બનાવીને પી લેવાની. બપોરે સ્પોન્સરરનાં વાઈફ જમવાનું લઈને આવે એ જમી લેવાનું. ત્રણ દિવસ નાટકના શો થાય પછી પાંચ દિવસ ઘરમાં જ ગોંધાઈ રહેવાનું.
બહાર નીકળવા પર કોઈ પ્રતિબંધ નહોતો, પણ એ વિસ્તાર ગામડા જેવો હતો અને વસ્તી પણ બહુ નહોતી. હરવા ફરવાના કોઈ આકર્ષણ પણ નહોતા. એટલે અમે બધા ક્યારેક પત્તા રમીએ, ક્યારેક અંતાક્ષરી જામે તો વળી કોઈ દિવસ ગામ ગપાટા થાય અને મૂડ આવે તો નાનકડી પાર્ટી પણ થઈ જાય. આ બધું વિગતે કહેવાનું તાત્પર્ય એટલું જ કે નાટકની વિદેશ ટૂર સાંભળવામાં ભલે ગ્લેમરસ લાગતી હોય, અસલી હકીકત ઘણી વાર વરવી હોય છે.
અમેરિકામાં બે મહિનામાં 24 શો કર્યા. પણ નાટકના શો સિવાયના પાંચ દિવસ કોઈ જ પ્રવૃત્તિ ન હોવાથી ક્યારેક બહુ કંટાળો આવતો. પ્રાયોજક એક વાર અમને કસીનોમાં લઈ ગયા અને મને આફ્રિકા યાદ આવી ગયું. અમેરિકામાં સ્લોટ મશીનમાં મેં નસીબ અજમાવ્યું. લાભ થયો પણ આફ્રિકા જેવો નહીં.
એકાદ દિવસ શોપિંગમાં ગયા. નાટકો કર્યા પણ અમારાં નાટકોની, ખાસ કરીને ‘વડીલોના વાંકે’ જેવા નાટકની ભાષા અમેરિકામાં વસતા ગુજરાતીઓને બહુ સમજાતી નહોતી એવું જાણવા મળ્યું. એકંદરે અમેરિકાની બે મહિનાની ટૂર યાદગાર અનુભવ તો નહોતો જ.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : દીકરી જ માની પીડા ભૂલી જાય ત્યારે…
અને મગનલાલ ‘માસ્ટર શનિ’ બની ગયા
મૂળ નામ પ્રાણસુખ હરિચંદ, પણ એમની અદાકારીની સરખામણી કેટલાક લોકોએ મૂક ચિત્રપટોના ઓસ્ટ્રિયન-અમેરિકન એક્ટર એડી પોલો સાથે કરી હોવાથી પ્રાણસુખ હરિચંદમાંથી હરિચંદની બાદબાકી થઈ ગઈ અને પ્રાણસુખ એડીપોલો તરીકે ઓળખ પામ્યા.‘ઉમા-દેવડી’માં ‘ગાંડિયા’ની ભૂમિકા ભજવી ‘સનેડો સનેડો શું કરે ને નદીએ નાવા જાય, નાતાં ને ધોતાં ન આવડે રે એ તો ગારામાં ગોથાં ખાય’ ગાઈને લોકપ્રિય બન્યા હતા.
ખલનાયકની ભૂમિકામાં તેઓ ખીલી ઉઠતા. ‘સરસ્વતીચંદ્ર’ની એમની શઠરાયની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી. ખલનાયકની ભૂમિકા ભજવી અભિનેતા માસ્ટર શનિએ પણ લોકપ્રિયતા મેળવી હતી. બુલંદ અવાજ માટે જાણીતા આ અભિનેતાનું મૂળ નામ હતું મગનલાલ. ‘દેશી નાટક’માં હતા એ સમયે કંપની વડોદરા નાટક ભજવવા આવી હતી ત્યારે ત્યાં એક સરકસ આવેલું. એ સરકસના ઉપરી ગોરાની મુલાકાત વખતે તેમણે મગનલાલને ‘હેલો સની’ કહીને બિરદાવ્યા ત્યારથી અભિનેતા ‘મગનલાલ’ મટી ‘શનિ’ બની ગયા હતા.
શનિ માસ્ટર પછી ‘આર્ય નૈતિક નાટક સમાજ’માં હતા અને ત્યારે મા. પ્રહલાદે પણ એક મશહૂર અભિનેતા તરીકે ખ્યાતિ મેળવી હતી. નાની ઉંમરમાં ગુજરી ગયેલા આ કલાકારે ‘સમ્રાટ હર્ષ’ નાટકમાં ‘કલ્યાણી’ની ભૂમિકામાં એવા પ્રાણ પૂરી દીધા કે તેમના અભિનય પર લોકો ઓવારી ગયા હતા અને તેમનું નામ જ ‘પ્રહલાદ કલ્યાણી’ પડી ગયું હતું. જૂની રંગભૂમિના કલાકારોના નામનો ઈતિહાસ અત્યંત રોચક છે.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : કસીનોની કમાલથી ‘અફલાતૂન’ નાટક મળ્યું…