
-ખુશ્બુ મુલાણી ઠક્કર
આસ્થાળુઓ માટે દશા મા- માતા શક્તિ સ્વરૂપા દેવી તરીકે પૂજાતી એક લોકપ્રિય હિંદુ દેવી છે, જેમની ઉપાસના ખાસ કરીને ગુજરાતમાં વિશેષ થાય છે. દશા મા એટલે કે, મોમાઈ માતા. દશા મા સાથે એવી માન્યતા સંકળાયેલી છે કે, દશા માનું વ્રત કરવાથી મનની ઈચ્છા ફળીભૂત થાય છે. મનો વાંચ્છિત મળે છે. જોકે, એ માટેના કેટલાક નિયમ-પરેજી પણ પાળવી પડે છે. દશા માના વ્રત, ભક્તિગીતો અને સામૂહિક ભજન સમારોહો, ઈત્યાદિ ગુજરાતના લોકજીવનમાં ઊંડે સમાયેલા છે.
ગુજરાતમાં ઉજવણીનો ઉલ્લાસ ગુજરાતના ગામડાઓથી લઈ શહેરોના ખૂણે ખૂણે દશા માતાનાં મંદિરો જોવા મળે છે. શ્રાવણ માસમાં ખાસ કરીને દશા માના વ્રત શરૂ થાય છે, દશા માનું વ્રત અષાઢી અમાસે ચાલુ થાય એટલે કે, દિવાસાના જાગરણના દિવસથી લઈને દસ દિવસ સુધી. આ વ્રત ખાસ કરીને સુહાગન કરે છે. પોતાના ઘરની સુખશાંતિ માટે, જેમાં સ્ત્રીઓ ઉપવાસ કરે, પૂજા અને ભજન-કીર્તન દ્વારા માતાને પ્રસન્ન કરે છે.
એવી માન્યતા છે કે, દશા મા આપણી દશા વાળે છે. અહીં હજી પણ દશા માના વ્રતનું એટલું જ ચલણ છે. અહીં છેલ્લા 30-40 વર્ષથી પટેલ સમાજની સ્ત્રીઓ સમૂહમાં માતા ની પ્રતીમા લેવા જાય અને દસમા દિવસે જયારે વિસર્જન હોય ત્યારે સહિયારી આરતી કરે અને ભોગ ધરાવી માતાનું વિસર્જન કરે. એક બીજાના ઘરે પાઠ અને ભજન કરે. તારું- મારું કર્યા વગર જાણે પ્રસંગ આપણો જ હોય એ રીતે ઉજવણી થાય.
મુંબઈમાં ય વ્રત થાય છે ખરું પણ… મુંબઈના ઘણા વિસ્તારમાં દશા માતાની આરાધના જોરશોરથી થાય છે તો અમુક વિસ્તારમાં હવે પહેલાં જેવી આસ્થા-ઉત્સાહ જોવા નથી મળતો. આધુનિક જીવનશૈલી, ફાસ્ટ લાઈફ અને પરંપરાગત પેઢીમાંથી નવી પેઢી તરફ આવતા પરિવર્તનના કારણે આવી ધાર્મિક ઉજવણી હવે ક્રમશ: ઓછી થઈ રહી છે. થોડા દાયકાઓ પહેલા દશા માના ગરબા, પાલખી યાત્રા અને સામૂહિક પૂજાઓ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ધૂમધામથી થતી હતી. ખાસ કરીને કચ્છી- પટેલ ગુજરાતીઓનો જ્યાં વધુ વસવાટ હોય તે વિસ્તારોમાં…
જાણીતા પુસ્તક પ્રકાશક ‘એન એમ પબ્લિશર’ ના હેમંતભાઈ ઠક્કરનું કહેવું છે કે ‘અગાઉ દશા માના પુસ્તકોનું વેચાણ ધૂમ થતું હતું, પરંતુ ન જાણે કેમ, કોવિડ પછી તો સાવ જ ઓછું થઇ ગયું છે…’
નાશિક રોડમાં રહેતાં 52 વર્ષીય જાનવી આચાર્ય કહે છે: ‘આ વ્રતનું મારું પાંચમું વર્ષ છે. જયારે મેં આ વ્રત ચાલુ કરવાનું વિચાર્યું ત્યારે મને નાશિકમાં વ્રતનું પુસ્તક જ નહોતું મળ્યું. મારે ખાસ મુંબઇમાં આવેલ માધવ બાગથી આ પુસ્તક મગાવવું પડ્યું હતું..’
જયારે મુંબઈ-મુલુન્ડના મોમાઈ ધામમાં હજી પણ વ્રત શરૂ થવાનું હોય તેની પહેલા માતાજીની સાંઢણી, દોરો અને સોપારી નિ:શુલ્ક અપાય છે. આજે ભલે દશા માની આરાધના ઓછી થઈ છે, પણ એમનું ધાર્મિક મહત્ત્વ ઘટ્યું નથી. એક રક્ષારૂપી માતા તરીકે લોકો એમને તકલીફ સમયે યાદ કરે છે. દશા માના ભક્તોમાં એવી આસ્થા છે કે માતા પોતાના ભક્તોને દુ:ખ, બીમારી અને અણધારી દુર્ઘટનાથી બચાવે છે-ઉગારે છે…
નાશિક રોડનાં જાનવી આચાર્યનું કહેવું છે કે, ‘આજે અમે જે પણ છીએ તે માત્ર ને માત્ર દશા માના આશીર્વાદને લીધે જ છીએ. અમને અનેક સંકટમાંથી એમણે ‘ઉગાર્યાં છે એમ કહીયે તો ચાલે…’
આમ તો આ વાત આસ્થાની છે. દરેકને પોતાની આસ્થાનું આગવું કારણ હોય છે. પરંપરા માટે નવી દિશા આજના યુગમાં જરૂર છે કે આવા લોકઆસ્થાના તહેવારો નવી રીતોથી નવી પેઢી સુધી પહોંચે. સામૂહિક ઉજવણીની સાથે સોશ્યલ મીડિયામાં માતાજીના મહિમાની લોકકથાઓ અને લોકગીતો દ્વારા પ્રસિદ્ધિ આપવામાં આવે તો ફરીથી એ ભક્તિપ્રવાહમાં લોકોથી સંકળાઈ શકે…
અહીં આપણે એક અન્ય દેવી માને પણ યાદ કરવા જોઈએ. આમ તો સંતોષી માના મહિમાની વાત વર્ષો પુરાણી છે, પણ 1975માં રજૂ થયેલી હિન્દી ફિલ્મ ‘જય સંતોષી મા’એ દેશભરમાં ધૂમ મચાવી દીધી હતી. રૂપિયા 25 લાખના ખર્ચે બનેલી એ ફિલ્મે રૂપિયા પાંચ કરોડનો ધીકતો ધંધો કરીને બોકસ ઑફિસ પર વિક્રમ સર્જ્યો હતો. ફિલ્મની એ સફળતા પછી સંતોષી માની આસ્થાનાં પૂર ઉમટયાં હતાં.
રાતોરાત દેશ વિદેશમાં એમના શ્રદ્ધાળુની સંખ્યાનો અનેક ગણો ગુણાકાર થઈ ગયો હતો… આવું જ ક્ંઈ દશામાના પ્રારંભમાં થયું. પછી તો માના આસ્થાળુમાં દેખાદેખીની ચડસાચડસી શરૂ થઈ થઈ ગઈ હતી.. તેની સાથે વ્યાપારીકરણે જોર પકડ્યું હતું. આજે પણ અમુક જગ્યાએ આવું જોવા મળે છે,
વ્રતના છેલ્લા દિવસે માતાજીને નિવેદ ધરવામાં આવે, હવન થાય, ભજન કરવામાં આવે તો કોઈ ગરબાનો પ્રોગ્રામ રાખે. પોત-પોતાની ક્ષમતા પ્રમાણે ભકિતભાવ ભર્યુ આયોજન કરે છે. સુહાગનોને પ્રસાદ લઈ રિર્ટન ગિફ્ટ આપવામાં આવે છે. આસ્થાળુ હોય કે શ્રદ્ધાળુ, એમની એ મનોભાવનાને શબ્દોમાં બાંધી ન શકાય. એ જ રીતે, દશા માતા માત્ર એક દેવી નથી, તે એક શ્રદ્ધા છે, શરણાગતિની, શક્તિની અને રક્ષણની ભાવનાની.
આ પણ વાંચો…આવી ગયો શિવભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણઃ તહેવારોની પણ મોસમ ખિલશે