બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વર્લ્ડકપ વિજય: મહિલાઓની રસોડાથી રમતના મેદાન સુધીની અફલાતૂન સફર

- સમીર જોશી
જયારે કોઈપણ મોટી સફળતા દેશને મળે છે ત્યારે તેની સાથે લોકોની લાગણીઓ જોડાય જાય છે, જોશ અને જોમ વધે છે, વેપાર વધે છે, નવી નવી કેટેગરી ઉદ્ભવે છે અને નવા નવા ચહેરા જોવાં મળે છે.
1983 માં જયારે ભારતે ક્રિકેટનો વિશ્વકપ જીતી લીધો ત્યારે દુનિયામાં આપણી વાહ વાહ થઇ તેની સાથે દેશમાં લોકોને લાગ્યુ કે રમત ગમતને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. ક્રિકેટની રમતે નવો વળાંક લીધો અને આપણે તે દિશામાં વિચારવા લાગ્યા.
ત્યારબાદ વનડેનો 2011 અને 2007 તથા 2024 ટી-20માં… આ બધું થયું ત્યાં સુધીમાં ભારત ક્રિકેટનું સૌથી ધનાઢ્ય બોર્ડ બની ગયું હતું. હવે સોનામાં સુંગધ ભળી જયારે આપણી મહિલા ખેલાડીની ટીમ પણ આ વર્ષે વર્લ્ડકપ જીતીને લાવી.
આની અસર આપણે કલ્પી નથી શકતા તેવી થશે. તેમણે ફક્ત ટ્રોફી જ નથી ઉપાડી. તેમણે મહિલા ક્રિકેટની રમતને પણ ઊંચા સ્તરે પહોંચાડી દીધી છે અને આમ કરતી વખતે, યુવા ભારતીય ચેમ્પિયન્સની નવી પેઢીઓને પ્રેરણા આપી. ફક્ત ક્રિકેટ નહિ પણ મહિલાઓનો વિવિધ રમતગમતોમાં રસ જાગૃત થશે અને કેટલાંક સામાજિક બંધનો મહિલાઓ માટે તૂટશે. આ ટીમને જોશો તો ખ્યાલ આવશે કે મોટાભાગની મહિલા ખેલાડી નાના શહેરોમાંથી આવી આ પડાવ હાંસિલ કર્યો છે. એ બધા પોતપોતાના વિસ્તારોમાં અને નાનાં શહેરોમાં બીજી યુવતીઓ- બાળકીઓને પ્રોત્સાહિત કરશે. ફક્ત રમતગમત નહિ, બીજી ઘણી વાતોમાં પણ જીવનમાં કશુક કરવાની પ્રેરણા પામશે.
2022માં BCCI એ એક મોટુ પગલું એ લીધું કે પુરુષ – સ્ત્રી બંને ટીમના ખેલાડીઓને સમાન મહેનતાણુ મળશે. આ ઘણી મોટી વાત છે, જે સ્વાભાવિકપણે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી હશે. કરોડોનો વેપાર કરતી બોલિવૂડ આજ સુધી આ નથી કરી શકી. અહીં પુરુષ સ્ત્રી કલાકારોના મહેન્તાણામાં જબરો તફાવત છે!)
વર્લ્ડ કપ વિજય પછીનો એક અહેવાલ મુજબ મહિલા ક્રિકેટ ખેલાડીઓનું બ્રાન્ડ વેલ્યુએશન પણ વધી ગયુ છે. હવે તેમની અને પુરુષ ખેલાડીની બ્રાન્ડ એંડોરસેમેન્ટ ફીમાં મોટો ફરક નથી રહ્યો. જો જીતના એક-બે દિવસમાં આ થઇ શકે તો આપણે કહી શકીયે કે, આતો હજુ ટ્રેલર છે… પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.
સહેજે છે કે જયારે આવી ઉપલબ્ધિ દેશને મળે છે ત્યારે તેના સકારાત્મક પરિણામો આવે છે. એક સમય હતો જયારે સ્પોર્ટસથી દેશને કે પછી સ્પોર્ટસથી ધંધામાં કોઈ ફાયદો થઇ શકે કે પછી સ્પોર્ટસથી નોકરી મેળવવી કે ઘર ચલાવવુ લોકોને મુશ્કેલ લાગતું. છેલ્લાં અમુક વર્ષોમાં IPL અને WPL જેવા સ્પોર્ટસ પ્લેટફોર્મ્સ અને પર્સનલ પર્ફોર્મન્સથી ઓલિમ્પિક્સમાં મેડલ લાવનાર રમતવીરોના કારણે આપણા દેશમાં સ્પોર્ટસને મહત્ત્વ મળવા લાગ્યું છે. નવી નવી બ્રાન્ડ્સ, સબ કેટેગરીઓ ઊભી થશે. જયારે નવી બ્રાન્ડ્સ ઉભરશે એક તરફ ત્યારે બીજી તરફ માર્કેટર્સને નવા નવા પ્લેટફોર્મ્સ અને મીડિયા મળશે પોતાના પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે. મોટી મોટી બ્રાન્ડ્સ આવી તકોની રાહ જોતી હોય છે જેના થકી એ પોતાના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકે. આ ઉપરાંત આપણે જોયું છે કે ઘણી મોટી કોર્પોરેટ્સIPL જેવી ઇવેન્ટ્સમાં પોતાની ટીમ ખરીદે છે. જયારે એમનો પોતાના ધંધામાં સ્થિર છે અને રમતગમત એમનો વિષય પણ નથી છતાં એ બધા આ કેટેગરીમાં રસ દાખવે છે અને ઈન્વેસ્ટ કરે છે, કારણ કે આનાથી એમને એક મોટું ફલક મળે છે નવી માર્કેટમાં જવા માટે, પોતાની બ્રાન્ડ સ્થાપિત અને લોકપ્રિય કરવા માટે, ફેન બેઝ વધારવા માટે, નવું ટાર્ગેટ ઓડીએન્સ મેળવવા માટે, પોતાની બ્રાન્ડને યૂથફુલ પર્સનાલિટી મળે છે અને આ ઉપરાંત કંપની અને બ્રાન્ડનું વેલ્યુએશન વધે છે તે નફામાં. આથી ઘણી નામી બ્રાન્ડ્સ આ કેટેગરીમા કેલ્ક્યુલેટિવે રિસ્ક લઇ રહી છે અને આવનારા સમયમાં બીજી ઘણી બ્રાન્ડ્સ આમાં જોડાશે.
આ ખરો સમય છે આ કેટેગરીમાં બ્રાન્ડ બનાવવા માટે, માર્કેટિંગની પુષ્કળ તક ઊભી થશે. સ્પોર્ટસ ગૂડ્સ મેનુફેકચરિંગ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ગ્રાસરૂટ સ્પોર્ટસ, ઇન્ટરનેશનલ ઈવેન્ટ્સ, ડેટા એનાલિટિક્સ, સ્પોર્ટસ સાયન્સ, પેરા સ્પોર્ટસ, સ્પોર્ટસ લીગ્સ, સ્પોર્ટસ ઇન્ક્યુબેટર જેવા વેપાર માટે તકો હજુ ઉભરશે. એટલું જ નહીં, જે કોચ છે, એક્સપર્ટ એનાલિસ્ટ્સ છે, ફિઝિઓ ડોક્ટર્સ છે એમને પણ પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવવી પડશે પોતાને એક્સપર્ટ સાબિત કરવી પડશે તો જ લોકો ડીલ કરવા તૈયાર થશે. ‘હું ફક્ત એક્સપર્ટ છું તેથી મારી પાસે આવો ’ એ નીતિરીતિ હવે નહિ ચાલે. બ્રાન્ડેડ એક્સપર્ટ માટે લોકો ડિમાન્ડ કરશે. જે નાના કોચિંગ સેન્ટર્સ ચલાવે છે, સ્પોર્ટસ સ્ટોર્સ છે એ લોકોએ પણ બ્રાન્ડ બનાવવી પડશે…
અહીં ટેક્નોલોજી પણ મહત્ત્વનો ભાગ ભજવશે, કારણ કે આજે સ્પોર્ટસમાં આપણે જાણીએ છીએ કે કઈ હદ સુધી ટેક્નોલોજીની મદદ લેવાય છે. હા, એ ખરું કે આપણા દેશમાં જોઈએ તેટલી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કોલેજો કે કોર્સ નથી તો કોલેજો માટે તક છે સ્પોર્ટસ મેનેજમેન્ટના કોર્સ શરૂ કરવાની.
મહિલા માટે પાછું વિચારીયે તો આ બધી તકો એમના માટે પણ ખુલશે. વ્યક્તિગત સ્તરે અનુભવી મહિલા ખેલાડીઓ માટે દરવાજાઓ ખુલશે પોતાની જે આવડત છે તેને રોકડી કરવાનો. આ જીત સામાન્ય જીત કે ફક્ત ક્રિકેટની જીત નથી, આ મહિલા સશક્તીકરણની જીત છે, મહિલાના અધિકારની જીત છે, મહિલા પુરુષથી ઓછી નથી તે સમજની જીત છે અને આ જીત ચોક્કસપણે છોકરીઓને રસોડાથી રમતના મેદાન પર લઈ આવશે.
આપણ વાંચો: ટૅક વ્યૂહ : ડિજિટલ પ્લેટફોર્મનો સમ્રાટ છે કોન્ટેન્ટ



