મિજાજ મસ્તી : ડિક્શનરીમાં શાણપણના શબ્દ…

- સંજય છેલ
ઓશો કે ભગવાન બન્યા પહેલાં જુવાન રજનીશજી જબલપુરનાં ‘જયહિંદ’ છાપામાં પાર્ટ-ટાઇમ પત્રકાર હતા. એકવાર તંત્રી શ્યામસુંદર શર્માએ એમને થોડા સુવિચારો ભેગાં કરવાનું કહ્યું.
રજનીશજીએ રાતોરાત સુવિચારો શોધી આપ્યાં, પણ નીચે લેખકો કે વિચારકોનાં નામ નહોતાં લખ્યા. તંત્રીએ નીચે નામ લખવા કહ્યું. રજનીશજીએ તરત સુવિચારોની નીચે પોતાનું નામ લખી નાખ્યું.
આ જોઇને તંત્રી હસી પડયાં ને કહ્યું, ‘તારા સુવિચારો તો અદ્ભુત છે પણ અખબારમાં તો જાણીતા વિચારકોના જ સુવિચાર છપાય. તારા જેવાનાં ના ચાલે.’
એ તંત્રીજીને ત્યારે કલ્પના પણ નહીં હોય કે એક દિવસ એ રજનીશજી ખુદના મૌલિક વિચારો કે સુવાક્યોથી ફિલોસોફીની દુનિયામાં ધમાલ મચાવી મૂકશે?
હમણાં અચાનક એક જૂની કિતાબ ‘વર્ક્સ ઑફ વિઝડમ’ મળી આવી. જૂની કિતાબને સ્પર્શવાનો એને સૂંઘવાનો આનંદ જ અલગ હોય છે. જાણે એક ટાઇમ-મશીનમાં પ્રવેશ કરતા હોઇએ એવું લાગે.
એ પુસ્તકમાં અનેક નામી-અનામી લેખકોનાં માત્ર વિઝ્ડમ અર્થાત્ ડહાપણનાં સુવાકયો જોવા મળ્યાં.
જીવનમાં જેણે ખૂબ વાંચ્યું હોય, પચાવ્યું હોય અને ઉપરથી ખુદનાં અનુભવથી જે પ્રગટ્યું હોય એ શાણપણના શબ્દો.
જેમ કે……
- પરિકથામાં પ્રશ્નો ન પુછાય.
- માણસને ઓળખવો હોય તો એના દુશ્મનો તરફ નજર કરજો.
- જેમ મિત્રને પસંદ કરો એમ તમારા લેખકને પસંદ કરો.
- જુગાર માટે અંગ્રેજી કહેવત છે કે પાસા ફેંકવાની ઉત્તમ કળા એ પાસાને દૂર ફેંકી દેવાની છે.
- તમને સફળતા મળે તો તાળીઓ મળશે, પણ તાળીઓને માણજો, એને માનતા નહીં.
- કુદરતનું આંધળું અનુકરણ કરશો તો ઈશ્વરના કાર્યમાં હસ્તક્ષેપ કર્યો ગણાશે. કુદરતનું અર્થઘટન કરશો તો કલાકાર બનશો.
- મિત્રો માટે એમના મરણ બાદ શ્રધ્ધાંજલિમાં લખવાની કે કહેવાની સારી સારી વાત એ લોકો જીવતા હોય ત્યારે જ કહી નાખવી જોઈએ.
- અખબારની કોલમ એ હલકા અને અધકચરા અભિપ્રાય ઓકવા માટેનું વોશ-બેઝિન નથી.
- તમારા પતિ કે પત્ની કદરૂપા હોય ત્યારે બીજાના સૌંદર્યની ઈર્ષા ન કરો.
- પોતાને માટે જે વધુ પડતું માને માણસ વિશે વધુ પડતું વિચારવું નહીં.
- લાદી થઈને જડાઈ જવા કરતાં કાચ થઈને ભાંગવું એ વધારે સારું.
- માથું હંમેશાં ઊંચું રાખજો, પણ નાક તો દોસ્તીનાં સ્તર પર જ રાખજો.
- વ્યાજ આપવા માટે જેને પૈસા લેવા પડે એને કદી પૈસા ન આપો.
- જે ગાંઠ ઉકેલી શકાય એને કાપવી નહીં.
- ખુશામતિયાઓ તમારા કાન પર જ નભે છે.
- રસ્તામાં ભટકી જવું એના કરતાં પાછા વળવું વધારે સારું.
- મિત્રોને કુટુંબની જેમ રાખો અને કુટુંબને મિત્રોની જેમ.
- જ્યાં તમે રોપાયા છો ત્યાં જ મહેકો.
- જે માણસ તમને તરતાં શીખવે એને ડૂબાડશો નહીં.
- બકરીની આગળ, ઘોડાની પાછળ ને માણસની ચારેબાજુ ક્યાંય પણ ઊભા રહેતાં ડરો.
- તમે તમારી જાતને ગમે એટલી ઊંચી માનો, એનાથી બીજા નીચા નથી થઈ જતાં.
- સત્તાધીશના હાથ ગમે એટલા લાંબા હોય, પણ કમનસીબીના હાથ એના કરતાં વધારે લાંબા છે. કોઈએ પોતાના વિશે એવું ન માનવું કે એ કોઈની પણ પહોંચની બહાર છે.
- મિત્ર ગુમાવવાનો હોય કે મજાક ગુમાવવાની હોય તો, મજાકને ગુમાવો.
- બધું વેંચવું પડે તો પણ વેંચીને તમારી સ્વતંત્રતા ખરીદી લો.
ઇન્ટરવલ:
એકને કહી, દૂજેને માની,
નાનક કહે, દોનોં જ્ઞાની
આ પણ વાંચો…મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો!
આ ક્વોટેશનો ઘ્રૂવના તારા જેવા છે, જે ભલે આપણી આંગળી ઝાલીને ચાલે નહીં પણ દૂર દૂરથી યે રસ્તો દેખાડે. કદાચ તમને અઘરા જીવનમાં ઝબકારો દેખાડી દિમાગમાં બત્તી જરૂર કરી શકે.
- પરાજય એ પણ એક જાતની કલાનું સ્વરૂપ છે.
- જ્યારે જ્યારે પડો ત્યારે ઊઠતી વખતે કશુંક ઉપાડી લો.
- મેઘધનુષ જોઇતું હોય તો વરસાદને સ્વીકારવો પડે.
- કોઈને દોષ દઈએ એ પહેલાં જોવું જોઈએ કે આપણે એને માફ કરી શકીએ એમ છીએ કે નહીં.
- જુવાન ખભા પર વૃદ્ધ મસ્તિષ્કની આશા ન રખાય.
- વાવાઝોડું આવે ત્યારે શાણી વ્યક્તિ સલામતી માટે ઈશ્વરની પ્રાર્થના નથી કરતો, ભયમુક્તિ માટે કરે છે.
- ઘૂંટણિયે પડીને જીવવા કરતાં પોતાના પગ પર ઊભા રહીને મરવું સારું.
- તમારા ઘરમાં તમે દેખાવા જોઈએ, તમારો ઇન્ટિરિયર ડેકોરેટર નહીં.
- ‘હું પ્રેમ કરું છું’ એ વાતને ‘મારે લગ્ન કરવા છે’ એ વાત સાથે ગૂંચવો નહીં.
- સ્ત્રી પાસે વાતોડિયો પતિ હોવો જોઈએ, પણ પ્રિયતમ તો કાવ્યમય પુરુષ હોવો જોઈએ.
- પથારી ગમે એટલી સુંવાળી કે હૂંફાળી હોય, આખરે એમાંથી ઊઠવાનું તો છે જ.
- તમારી બૂકશેલ્ફ એ પણ તમારો બગીચો જ છે.
- હૃદયમાં લીલું વૃક્ષ રાખ્યું હોય તો પંખીઓ આપમેળે ગાતાં આવે.
- ઈશ્વરમાં ભલે શ્રદ્ધા હોય, પણ તમારા ઊંટને તો બાંધી જ રાખો…
- છાપાનાં માણસો પાસે સામાન્ય બુદ્ધિ અને માનવતા માટેની નિસબત અનિવાર્ય છે.
- વણાટકામ શરૂ કરો તો ઈશ્વર દોરો પોતાની મેળે આપશે.
- જમીન પરથી જહાજ નક્કી ન કરાય.
- ‘આપણી આસપાસના ધુમ્મસને વીખેરવાનો પુરુષાર્થ એ ઉત્તમ પુરુષાર્થ. અંતે ચોખવટ- આ સુંદર વિચારો, ભલે બીજાનાં હોય પણ જિંદગી તમારી છે એટલે એને અનુસરવામાં, ‘ડહાપણના ડોઝ’ને બદલે ક્યાંક ‘ઓવર ડોઝ’ના થઇ જાય એ જોજો !
એન્ડટાઇલ્સ:
આદમ: એક સુંદર વાક્ય કહું?
ઇવ: ના. પહેલાં સમજ… નાસમજ!
આ પણ વાંચો…મિજાજ મસ્તી : ખાડા જ સત્ય… રસ્તો ભ્રમણા: ગાલના ખંજનથી ભ્રષ્ટાચારના ભંજન સુધી!