ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ જગતમાં વધુ સફળ બની શકે મહિલા મહિલાઓનો મૂળભૂત સ્વભાવ રોકાણ ક્ષેત્રે એને વધુ સક્ષમ બનાવે છે…

-જયેશ ચિતલિયા

ઈન્વેસ્ટમેન્ટ- મૂડીરોકાણ હવે માત્ર પુરુષોનો ઈજારો રહ્યો નથી. મહિલાઓ આ ક્ષેત્રે પણ વધુ સફળ અને શિસ્તબધ્ધ સાબિત થઈ રહી છે. બચત અને રોકાણનું મહત્ત્વ મહિલાઓ નવા પરિપ્રેક્ષ્યમાં વધુ બહેતર રીતે સમજતી થઈ છે. આના કારણ- પરિબળ સમજવા જોઈએ.

Also read : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ વેપાર નહીં, વેપાર કરવાની પદ્ધતિ બદલો

શેરબજાર હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે અન્ય ઈન્વેસ્ટમેન્ટ માર્ગ હોય, એક હકીકત સ્પષ્ટ છે કે મહિલાઓ કરતાં પુરુષો વધુ ખોટના ખાડામાં પડે છે અને મહિલાઓ વધુ હોશિયાર ઈન્વેસ્ટર સાબિત થાય છે. સામાન્ય અને સાઈકોલોજિકલ કારણો જાહેર છે. પુરુષોમાં લાલસાવૃત્તિ વધુ હોય છે, સટ્ટાકીય માનસિકતા વધુ હોય છે તેમ જ ઉતાવળ પણ ભરપુર કરે છે, જેની સામે મહિલાઓમાં લાલસા ઓછી, ભય વધુ હોવાથી એ વધુ કાળજી સાથે રોકાણ કરે છે અને ધીરજ પણ વધુ રાખે છે.

જોકે શેરબજારમાં મહિલાઓની સક્રિયતા ઓછી હોવાથી એમની આ માર્ગે તુલના ઓછી થઈ શકે છે. બાકી સલામત રોકાણમાં મહિલા વધુ શિસ્તબધ્ધ અને સ્માર્ટ સાબિત થઈ છે-થાય છે, જે એના મૂળભૂત સ્વભાવને આભારી છે.

દેશની અગ્રણી રેટિંગ એજન્સી અને રિસર્ચ કંપની ‘ક્રિસિલ’ તેમ જ ‘એમ્ફી’ (એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઈન્ડિયા) ના સંયુકત અભ્યાસ મુજબ મહિલા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓમાં કરેલું રોકાણ વધુ સમય જાળવી રાખવાનો અભિગમ અપનાવ્યો હોવાનું નોંધાયું છે, જેને પરિણામે મહિલાઓને એનું વળતર પણ બહતેર મળ્યું છે.

2019 થી 2024ના સમયગાળાના આ અભ્યાસ પ્રમાણે ફંડસની યોજનાઓમાં રોકાણ બાદ મહિલાઓનો હોલ્ડિંગ ગાળો વધતો રહયો છે, જેની સામે પુરુષોનો ઘટતો રહયો છે, જે પુરુષોનો ચંચળ અથવા ઉતાવળો સ્વભાવ દર્શાવે છે, જયારે મહિલાઓની ધીરજનો સ્વભાવ દર્શાવે છે.

‘એમ્ફી’ માને છે કે મહિલા રોકાણકારોમાં શિસ્તનું પ્રમાણ બહેતર રહયું છે. એને લીધે સંપત્તિસર્જનમાં એ સારી સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બને છે. એક રસપ્રદ તારણ મુજબ 2019થી 2024 માં પુરુષોના માત્ર 6 ટકા સામે મહિલાઓના પોર્ટફોલિયોમાં 24 ટકા જેવો નોંધનીય વધારો થયો છે, જેને એક ઉલ્લેખનીય પરિવર્તન કહી શકાય. નોકરી કે બિઝનેસ કરતી સ્વનિર્ભર મહિલાઓમાં બચત અને રોકાણનું મહત્ત્વ સતત વધી રહયું છે.

એ પોતાના પરિવાર સહિત જાત માટે પણ બચત પર વધુ ધ્યાન આપી રહી છે, જેથી ભવિષ્યમાં એની સામે કુટુંબ કલેશ-ડિવોર્સ જેવી કોઈ અણધારી આફત આવે તો તે સ્વનિર્ભર રહીને ટકી શકે. આજની મહિલાઓમાં સોનાનું આકર્ષણ માત્ર ઘરેણા પૂરતું રહેતું નથી. એ આને ઈન્વેસ્ટમેન્ટ તરીકે પણ ગણે છે. મહિલાઓ સલામત બચત સાધનો તરફ પણ વધુ ધ્યાન આપે છે.

આંધળા જોખમથી દુર…
શેરબજારમાં રોકાણ કરતી મહિલા શોર્ટ ટર્મ અભિગમ રાખતી નથી, એની પાસે આ માટે સમય પણ નથી અને પર્યાપ્ત સમજ પણ નથી હોતી, જેથી લોંગ ટર્મ આડકતરી રીતે એનો ગુણ બની જાય છે. જે ન સમજાય તેમાં કૂદી પડવાની આદત મહિલા વર્ગમાં ઓછી હોય છે અથવા કહો કે તે આંધળા જોખમ વધુ લેતી નથી. આ ગુણ પણ એને સહાયરૂપ થાય છે. જોકે ઘણાં સમૃધ્ધ લોકો પરિવારની મહિલાઓના નામે નોંધપાત્ર રોકાણ કરતા રહે છે, જેને કારણે પણ મહિલાઓનો હિસ્સો વધી રહયો છે.

Also read : ઈકો-સ્પેશિયલ : રિઝર્વ બૅન્કના નવા ગવર્નર શું છે ? એમની સામે તાત્કાલિક પડકાર?

અલબત્ત, એક મહત્ત્વની વાત એ પણ નોંધવી રહી કે મહિલાઓનો વર્કફોર્સ સતત વધી રહયો છે. 2017-18માં એ 23 ટકા હતો તે 2023-24માં વધીને 41 ટકા જેટલો થયો છે, આ વર્ગની આવકનો પ્રવાહ પણ બચત-રોકાણ તરફ વળતો રહે છે.
પારિવારિક વિવાદોનું કારણ પણ જવાબદાર…

ભારતીય સમાજમાં છેલ્લા કેટલાંક વરસોથી જે પારિવારિક વિવાદોની ઘટનાઓ વધતી જાય છે તેને ધ્યાનમાં રાખીને મહિલાઓ સેવિંગ પ્રત્યે સજાગ બનતી જાય છે. પતિના હાથમાં પોતાનો પગાર પૂરો આપી દેવાને સ્થાને મહિલા પોતાની માટે પણ અલગ રકમ રાખતી થઈ છે. માત્ર પરિવાર પાછળ એની આવકના બધાં જ નાણાં ખર્ચી નાંખતી સ્ત્રીઓ હવે સ્વહિતમાં સતર્ક બની રહી છે. સંજોગો પણ એને આ દિશામાં લઈ જાય છે. સ્વનિર્ભરતા એની માટે હવે સૌથી મોટો સંવેદનશીલ મુદ્દો બન્યો છે.

જોકે મોટાભાગની મહિલાના ફાઈનાન્સિયલ ગોલ્સમાં પોતાની નિવૃત્તિ અને સંતાનોના શિક્ષણ પ્રાયોરિટીમાં રહે છે. 35 થી નાની વયની મહિલાના ઉદેશોમાં વધુ નાણાં સર્જનનો ઉદ્દેશ પ્રથમ હોય છે. ઈન્વેસ્ટમેન્ટ તેમ જ ફાઈનાન્સિયલ પ્લાનિંગના વિષયમાં હવે મહિલાઓના માઈન્ડસેટ બદલાતા રહયા છે. એમનું લક્ષ્ય વધુ ને વધુ સ્વનિર્ભર બનતા જવાનું છે. પૈસા બચાવવા સાથે મનીનું મેનેજમેન્ટ કરવામાં એમનો રસ વધી રહયો છે.

યોગ્ય ચકાસણી ને વિશ્વાસ જરૂરી…
મહિલાઓમાં નાણાંકીય બાબત વિશે જિજ્ઞાસા વધી રહી છે, કમસે કમ દરેકને પરિવારની નાણાંકીય સ્થિતિની પાયાની સમજણ તો હોવી જ જોઈએ એવું એ માનતી થઈ છે.

નાણાકીય જગતમાં મહિલાઓએ ચોકકસ પ્રકારના કરવા જેવી અને ન કરવા જેવી વાત સમજી લેવી જોઈએ. એમને સવાલો થવા જોઈએ, તેના જવાબો મેળવવા જોઈએ. ન સમજાય તો ફરી પુછાય, પણ પૂછવામાં સંકોચ ન કરાય. મહિલાઓ વિશ્વાસ કરવામાં બહુ ઝડપી હોય છે. એ સ્વભાવથી ઈમોશનલ વધુ હોવાથી તરત બીજા પર ટ્રસ્ટ કરી લે છે. ટ્રસ્ટ ભલે કરો, પણ તેને વેરીફાઈ કરો પાકી ચકાસણી કરો. તમે બહુ વ્યસ્ત રહેતા હો તો પ્રોફેશનલ સલાહનો માર્ગ અપનાવો.

Also read : અગ્નિપરીક્ષાઃ પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું

મહિલાઓએ દરેક ક્ષેત્રમાં નિર્ણયાત્મક ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેન્ડ મહાનગરોથી લઈ નાના શહેરોમાં પણ વધવા લાગ્યો છે. આ વિષયની જાગૃતિ જેટલી વધે એટલું મહિલાના પોતાના હિતમાં છે અને અર્થતંત્રના હિતમાં પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button