બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચના કે આકર્ષક ડિઝાઇન?

- સમીર જોશી
માર્કેટિંગ અને બ્રાન્ડ બનાવવા માટે વ્યૂહરચનાની આવશ્યકતા વિષે ઘણીવાર વાત કરી છે. વ્યૂહરચના શબ્દ પણ આપણે ઘણીવાર વાંચ્યો છે અને સાંભળ્યો છે, પણ તેની આવશ્યકતા મોટેભાગે લોકોને ઓછી જણાય છે. સામાન્ય વેપારી નહિ, પણ ઉત્પાદનો બનાવવાવાળી ઘણી કંપનીઓ પણ આને અવગણે છે. આવા અનુભવો મારા માટે નવા નથી, કારણ કે આવી વ્યક્તિઓને મારે ઘણી વાર મળવાનું થાય છે.
વ્યૂહરચના સાંભળતા એમના મુખ્યત્વે બે પ્રશ્ન હોય : એક આટલું ડિટેઇલમાં જવાની શું જરૂર છે અને વ્યૂહરચના બનાવવા માટે સમય અને ખર્ચ બંને થશે અને બીજું, આપણે નવો લોગો અને કેમ્પેઇન સરસ ડિઝાઇન કરી લોન્ચ કરી નાખીયે તો?
આવા લોકોને વ્યૂહરચના મોંઘી લાગે છે અને વિચારે છે કે સીધી નવી ડિઝાઈન્સ બનાવી કામ શરૂ કરો. આમ જોવા જઇયે તો તે વાજબી પ્રશ્ન છે, કારણ કે વ્યૂહરચના પેપર પર હોય છે અને ડિઝાઇન રોમાંચક લાગે છે જેને લોકો જોશે. વ્યૂહરચના તમે કલ્પી નહિ શકો જયારે ડિઝાઇનની તમે કલ્પના કરી શકો છો કે તે સ્ટોરના શેલ્ફ પર કેવી લાગશે, તેનું પેકેજિંગ કેવું લાગશે, લોગો કેવો લાગશે વગેરે. અને આ કારણે તમે વ્યૂહરચનાને છોડી દો છો અને સીધા બ્રાન્ડિંગ અર્થાત એક્ઝ્યુકેશનની હોડમાં કૂદી પડો છો.
બીજા શબ્દોમાં ઘણીવાર સમસ્યા અલગ હોય અને તેના ઉકેલો બીજી જગ્યાએ ગોતવામાં આવે. દુ:ખે પેટમાં ને દવા માથા માટે લઈએ તેના જેવી આ વાત છે. બસ, આજ કારણે ડિઝાઇનને બદલવાની વાત થાય અને આથી આગળ મોટા ભાગના વેપારીઓને મતે, બ્રાન્ડનો અર્થ એ જ છે ડિઝાઇન અને સોશ્યલ મીડિયા.
જ્યારે કોઈ કહે છે કે એમને બ્રાન્ડની સમસ્યા છે, ત્યારે દસમાંથી નવ વખત તે ડિસ્ટ્રિબ્યુશનની કે પછી કોને માલ વેચવાનો છે તેની સ્પષ્ટતા ના હોવી, કયા વિસ્તારમાં વેચવી તેની સ્પષ્ટતા ના હોવી જેવી અથવા ૠઝખ (ગો ટુ માર્કેટ)ની સમસ્યા હોય છે. આવી સમસ્યાઓ વ્યૂહરચના દ્વારા ઉકેલાશે અને નહિ કે ફક્ત આકર્ષક ડિઝાઇન દ્વારા. આમાં થાય છે શું કે તમે વિચાર્યા વગર બજારમાં ડિમાન્ડ ઊભી કરો છો પણ તે માલની ખરેખર જરૂરત છે કે નહીં તેની સ્પષ્ટતા હોતી નથી. અને જો તમે માનતા હો કે ડિઝાઇન બનાવવું તે બ્રાન્ડ બિલ્ડીંગ જેવું જ છે તો તમે પૈસા બગાડી રહ્યા છો.
મોટેભાગે લોકો આ રીતે આગળ વધે છે અને થોડો સમય જાય અને ખબર પડે કે આપણે તો જ્યાં હતા ત્યાંના ત્યાંજ છીએ. કહેવાનું તાત્પર્ય તે નથી કે તમારે વારે ઘડીયે વ્યૂહરચનાઓ બનાવવી પડે પણ લાંબા ગાળે રમવા માટે આની તાતી જરૂર છે. હવે થાય શું કે તમે ડિઝાઇન બનાવી, કેમ્પેઇન બનાવ્યા, તેની પાછળ ખર્ચો પણ કર્યો જે આકર્ષક પણ બન્યા હશે પણ તે કેમ્પેઇન શું કહેવા માગે છે તેની કડી જડતી નથી.
તે ડિઝાઈનો સરવાળે કંઈ કહેતી નથી- ધાર્યો મેસેજ પહોંચતો નથી. તમારું પ્રોડક્ટ પેજ લાઇવ હશે, પરંતુ ક્ધવર્ઝન અર્થાત રૂપાંતરણ નજીવા હશે. સોશ્યલ મીડિયામાં તમારી પોસ્ટ દેખાય છે, સારી પણ લાગે છે પણ વિવિધ પોસ્ટમાં સમાનતા નથી દેખાતી. તમારી વેબસાઇટ, પેકેજિંગ અને જાહેરાતો બધાની અલગ અલગ વાર્તાઓ છે. તમને લાગે છે કે લોન્ચ તો સારું થઇ ગયું પણ તેમાં વાસ્તવિકતા જણાતી નથી.
આનું કારણ? આકર્ષક લાગતા કેમ્પેઇન તમને વાહ-વાહ અપાવી શકે છે, પણ ક્ધઝ્યુમરને તમારી બ્રાન્ડ ખરીદવા પ્રેરિત નથી કરતી અથવા બીજા શબ્દોમાં ક્ધઝ્યુમર પણ નવી બ્રાન્ડ ખરીદવાનું જોખમ નથી લેતું.
આને વધારે સારી રીતે સમજવું હોય તો જ્યારે કોઈ વ્યક્તિ મોંઘી બ્રાન્ડ ખરીદવાનું જોખમ લે છે- ઉદાહરણ તરીકે સૌંદર્ય પ્રસાધનોનાં સાધન જે એણે પહેલાં ક્યારેય ન વાપર્યું હોય ત્યારે તે ફક્ત આકર્ષક ડિઝાઇન નથી. તે વિશ્વાસ છે. જ્યારે કોઈ ગ્રાહક એના રોજિંદા વપરાતા ખાવાના તેલને નવા જમાનાના કોલ્ડ-પ્રેસ્ડ બ્રાન્ડ માટે એક બ્રાન્ડ સ્ટોરી સાંભળી બદલી નાખે છે તે બ્રાન્ડ પોઝિશનિંગ છે. જ્યારે કોઈ ઘણા સમયથી અમુક બ્રાન્ડના કપડા ખરીદવાનું વિચારતું હોય અને અંતે તે ખરીદે છે ત્યારે તે બ્રાન્ડની સ્પષ્ટતા છે. આમ થવાનું કારણ તે કે લોકો જે સુંદર છે તે ખરીદતા નથી. એ લોકો તે ખરીદે છે જે અર્થપૂર્ણ છે, જેની સાથે તેઓ પોતાને રિલેટ કઈ શકે અને સૌથી મહત્ત્વનું એમને એમ લાગે છે કે તે બ્રાન્ડ તેમના માટે બનાવવામાં આવી છે.
બસ, આજ કામ વ્યૂહરચનાનું છે. તે તમને તમારું વ્યવસ્થિત ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ ડિફાઈન કરવામાં મદદ કરે છે, તમારું કોમ્યુનિકેશન મેસેજ એક સરખું સમાન રહેશે જેથી ગ્રાહકને પણ સ્પષ્ટતા મળશે અને તમારી સાથે તેનો સંબંધ વધુ ગાઢ થશે. તે તમારી બ્રાન્ડના દરેક પાસાને સમાનતા પ્રદાન કરે છે, તે તમારી ટીમને વેચાણ માટે સ્પષ્ટ વાર્તા આપે છે અને સૌથી મહત્ત્વનું તમારા ગ્રાહકને તમારી બ્રાન્ડ ખરીદવા માટેનાં કારણ અને વિશ્વાસ આપે છે. આમ વ્યૂહરચના શાંતિથી પણ સશક્ત રીતે અમલમાં લાવી અંતે તે બ્રાન્ડને નફાકારક બનાવે છે.
આપણ વાંચો: સ્પોટ લાઈટ : વાસ્તવિક જીવનનો વિચિત્ર ડબલ રોલ