ઉત્સવ

સુખનો પાસવર્ડ: ભવિષ્યની સલામતી માટે આજે અશાંતિ શા માટે?…

-આશુ પટેલ

થોડા દિવસો અગાઉ દિલ્હીના એક યુવાને સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘હું મહિને જે કમાણી કરું છું એનાથી મને સંતોષ છે. દિલ્હીમાં 70 હજાર રૂપિયામાં આરામથી જીવી શકાય છે. કદાચ હું વધુ કમાઉ છું! હું 50 હજાર રૂપિયા કમાઈ લઉં છું અને મારી લિવ ઇન પાર્ટનર પણ નોકરી કરે છે. અમે બંને મળીને માસિક ઘરખર્ચ સહેલાઇથી સંભાળી લઈએ છીએ.

અમે દક્ષિણ દિલ્હી સ્થિત બે બેડરૂમના ફ્લેટમાં રહીએ છીએ, જેનું ભાડું 24,000 રૂપિયા છે. ભાડાના ફર્નિચર માટે દર મહિને 5,000 રૂપિયા ખર્ચ થાય છે. જ્યારે હાઉસકિપિંગ અને રસોઈની સામગ્રી માટે વીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે. ઓટીટીના સબ્સ્ક્રિપ્શન્સ તથા ઇલેક્ટ્રિસિટી બિલ જેવા અન્ય ખર્ચ માટે અમે 5,000 રૂપિયા ખર્ચીએ છીએ. બહાર જમવા જવા માટે, શોપિંગ તથા અન્ય વૈકલ્પિક ખર્ચ માટે 10,000 રૂપિયા ખર્ચીએ છીએ.

અમારું કોઈ હોલી-ડે બજેટ નથી, પણ અમે એવું બનાવવાનું નક્કી કર્યું છે અને ભારત તથા નજીકના કેટલાક એશિયાઇ દેશોમાં ફરવાની અમારી ઇચ્છા છે. સારી રીતે જીવવા માટે અમને દર મહિને 7 લાખ રૂપિયાની જરૂર નથી. અમે આ બધું 70,000 રૂપિયામાં કરીએ છીએ. અને ફરીથી કહી દઉં કે અમે ભાગ્યશાળી મધ્યમવર્ગી ભારતીય છીએ અને અમે આ રીતે જીવી શકીએ છીએ. મને આશા છે કે ગુડગાંવમાં રહેતા અને દર મહિને 7 લાખ કમાતા લોકો પણ આ વાત સમજશે.’ આ યુગલ પાસે ત્રણ પાળેલાં પ્રાણી છે, પરંતુ હાલમાં એક જ એમની સાથે રહે છે. એ બન્ને ક્યારેક આવશ્યક તબીબી ખર્ચ પણ સહન કરી લે છે. એમની પાસે કાર નથી, કોઈ લક્ઝરી ગેજેટ્સ નથી, ક્રેડિટ કાર્ડ નથી અને એમણે કોઈ લોન લીધી નથી એટલે હપ્તાઓ ચૂકવવાની ચિંતા વગર તેઓ જીવે છે.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…

આ યુવાનની પોસ્ટ પર કેટલાય માણસોએ પ્રતિસાદ આપ્યો, જેમાં ઘણા માણસોએ આ યુગલની સાદગીપૂર્ણ જીવનશૈલી અને સમજદારીભર્યા નાણાકીય નિર્ણયોની પ્રશંસા કરી. ઘણા લોકોએ વખાણ કરતાં પ્રતિભાવ આપ્યો કે ‘તમે અમારા માટે પ્રેરણા આપનારા છો. કાશ! આવો સંતોષ અમે પણ રાખી શકતા હોત! પણ અમને ભવિષ્યની ચિંતા સતાવે છે એટલે અમે અમારું ગુજરાન ચલાવવા માટે જરૂરી હોય એટલા પૈસા ઉપરાંત વધુ પૈસા કમાવા માટે વલખાં મારી છીએ, જેથી ભવિષ્ય માટે બચત કરી શકીએ.’જોકે એ લોકોથી વિપરીત રીતે ઘણા માણસોએ પેલા યુવાનની ઠેકડી ઉડાવતા કહ્યું કે ‘ભાઈ, તું મહાન લાગે છે! વાસ્તવમાં તું મૂર્ખાઈ કરી રહ્યો છે. જેટલા પૈસાની કમાણી થાય એટલા પૈસા મહિને ખર્ચાઈ જતાં હોય તો પછી તારા ભવિષ્યનું શું? તું કાલે નિવૃત્ત થઈશ ત્યારે તારું ગુજરાન કઈ રીતે ચાલશે? કાલે ઊઠીને તને કોઈ મોટી બીમારી આવશે તો તું હોસ્પિટલનું બિલ કઈ રીતે ચૂકવીશ?’

કેટલાક માણસોએ એવી ચેતવણી પણ આપી કે ‘તમે બે મેડિકલ ઈમર્જન્સી ફંડ, કોઈ પ્રકારના રોકાણ કે ભવિષ્યની આર્થિક સલામતી વિના પગારથી પગાર સુધી જીવી રહ્યા છો. કોઈ એક અણધારી ઘટના પણ તમારું જીવન ઉથલપાથલ કરી શકે છે.’ તો વળી કોઈએ કહ્યું કે ‘ઈમર્જન્સી માટે બચત જરૂરી છે, પરંતુ દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા બચાવવાનો પ્રયાસ કરીને પણ પોતાને મધ્યમવર્ગી ગણાવવા એ ખોટું છે.’

લોકો જે કહે તે પણ આવા માણસો સંતોષ સાથે પોતાને ગમે એવી જિંદગી જીવી જતાં હોય છે. એ ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાનને માણી લેતા હોય છે. બીજી બાજુ, ઘણા માણસો ભવિષ્યમાં શાંતિથી જીવવા માટે વર્તમાન વેડફી નાખતા હોય છે. એવા માણસો માટે એક જોક બરાબર ફિટ બેસે છે.

એક માણસ ઘરના વરંડામાં હીંચકે બેઠા-બેઠા મસ્તીથી ઝૂલી રહ્યો હતો. અચાનક એનો એક પૈસાવાળો મિત્ર તેને મળવા આવી ચડ્યો. બંને જૂના મિત્રો હતા અને પૈસાવાળા મિત્રને આ લહેરી લાલા જેવા મિત્રનું કંઈ કામ પડ્યું એટલે એ ઘરે આવ્યો હતો. ધનાઢ્ય મિત્રએ હીંચકે બેઠાં-બેઠાં ઝૂલી રહેલા મિત્રની સાથે કામની વાત કરી લીધી. અને પછી નીકળતી વખતે એને ટપાર્યો કે ‘ભલા માણસ, આમ બેઠાંબેઠાં હીંચકા ખાય છે એના કરતાં કંઈક કામધંધો કર.’

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?

હીંચકે બેઠેલા મિત્રે સામે પૂછ્યું, ‘કામધંધો કર્યા પછી શું?’ ધનાઢ્ય મિત્રે વધુ ભારપૂર્વક કહ્યું, ‘અલ્યા ભાઈ, કામધંધો કરીશ તો બે પૈસા રળીને બચત જમા કરી શકીશ.’ ‘પછી શું?’ ‘પછી પછી શું કરે છે? તું પણ મારી જેમ ધનાઢ્ય બની જઈશ અને પાંચ જણામાં પુછાવા માંડીશ.’ ધનાઢ્ય મિત્રએ અકળાઈને કહ્યું .

હીંચકે બેઠેલા મિત્રે પૂછ્યું, ‘પછી?’ હવે પેલો મિત્ર કંટાળ્યો હતો. એણે કહ્યું, ‘પછી તું તારે નિરાંતે હીંચકે બેસીને ઝૂલતો રહેજે ને!’ હીંચકે ઝૂલતા મિત્રે ઠંડા કલેજે ધનાઢ્ય મિત્રને કહ્યું, ‘તો અત્યારે હું શું કરી રહ્યો છું?! ’

આ તો એક જોક છે અને અહીં એવું કહેવાનું તાત્પર્ય નથી કે માણસે કામધંધો છોડીને જલસા જ કરવા જોઈએ, પણ ભવિષ્યની જે માનસિક સલામતી કે માનસિક શાંતિ માટે આપણે વર્તમાનમાં હાયવોય કરીએ છીએ એ માનસિક અશાંતિને નોતરવા સમાન સાબિત થાય છે. ભવિષ્યની સલામતી માટે વર્તમાનમાં માનસિક અશાંતિ નોતરી ન લેવી જોઈએ. ભવિષ્યની બહુ ચિંતા કર્યા વિના વર્તમાનમાં જીવવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button