કવર સ્ટોરી : ચીન શા માટે પોતાની કઠપૂતળી જેવા નવા દલાઈ લામા લાવવાના પેંતરા ઘડી રહ્યું છે?

-વિજય વ્યાસ
ભારત અને ચીન વચ્ચે હવે તિબેટિયન બૌદ્ધ સંપ્રદાયના સર્વોચ્ચ ધાર્મિક વડા દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દે વિખવાદ શરૂ થયો છે. પોતાની કઠપૂતળી જેવા કોઈ બૌદ્ધ સાધુને ચીન દલાઈ લામા બનાવવા માગે છે. જ્યારે એની વિરુદ્ધ ભારતે દલાઈ લામાની પસંદગીની વ્યક્તિને નવા દલાઈ લામા બનાવવા જોઈએ એ વાતને ટેકો આપતાં ચીન ભડક્યું છે. ચીને ચીમકી આપી છે કે, તિબેટના મુદ્દે ભારત કડછા મારવાનું બંધ નહીં કરે તો માઠાં પરિણામ ભોગવવાં પડશે.
ભારતે પણ સામે જવાબ આપી દીધો છે કે, આ વાતમાં ચીનની મનમાની નહીં ચાલે અને વર્તમાન દલાઈ લામાની ઈચ્છા પ્રમાણે જ નવા દલાઈ લામા નિમાશે. ભારત-ચીનના વિખવાદ વચ્ચે સૌની નજર આજે દલાઈ લામા શું જાહેરાત કરે છે તેના પર મંડાયેલી છે. દલાઈ લામાએ થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક ‘વોઈસ ફોર ધ વોઈસલેસ’માં લખેલું કે, પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત પોતાના 90મા જન્મ દિવસે કરશે અને આજે એટલે કે રવિવાર 6 જુલાઈએ દલાઈ લામાનો જન્મદિવસ છે.
6 જુલાઈ,1935ના રોજ તિબેટના તાકશ્તરમાં જન્મેલા દલાઈ લામાએ આજે જિંદગીનાં 89 વર્ષ પૂરાં કરીને 90મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દુનિયાભરમાં દલાઈ લામાના જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે એમના ઉત્તરાધિકારી તરીકે કોની પસંદગી થાય છે તેના પર સૌની મીટ છે. ચીને એમના ઉત્તરાધિકારીની પસંદગી પોતાની ઈચ્છા પ્રમાણે જ થવી જોઈએ એવી રેકર્ડ પાછી વગાડી છે, પણ દલાઈ લામા ચીનનું માનવાના નથી એ બહુ પહેલાંથી નક્કી છે તેથી આ વિવાદ ઉગ્ર બનશે એ સ્પષ્ટ છે.
ચીનને પોતાની વાતનાં ‘હાજી…હાજી ’ કરી શકે એવા કઠપૂતળી જેવા દલાઈ લામા કેમ જોઈએ છે એ સમજવા જેવું છે. વિશ્વમાં લગભગ 50 કરોડ બૌદ્ધધર્મી લોકો છે. તેમાંથી 77 લાખ તિબેટિયન બૌદ્ધધર્મી છે. દલાઈ લામા એમના સર્વોચ્ચ ધાર્મિક વડા હોવાથી આ 77 લાખ તિબેટિયન બૌદ્ધધર્મીઓ માટે એમનો શબ્દ પથ્થર કી લકીર છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: નેપાળ ફરી રાજાશાહી સાથે હિન્દુ રાષ્ટ્ર બને એ દિવાસ્વપ્ન તો સાબિત નહીં થાયને?
તિબેટિયન બૌદ્ધ ધર્મનો પ્રભાવ માત્ર તિબેટમાં નથી, પણ બહુ મોટા વિસ્તારોમાં છે. તિબેટ, ભૂટાન અને મંગોલિયા ઉપરાંત હિમાલયની આસપાસના લદ્દાખ, દાર્જિલિંગ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિતના ભારતીય પ્રદેશો તેમજ નેપાળમાં પણ મોટી સંખ્યામાં દલાઈ લામાના અનુયાયી છે. ચીનના ઉત્તરપૂર્વ ચીન, શિનજિયાંગ, આંતરિક મંગોલિયા અને રશિયાના તુવા, બુરિયાટિયા અને કાલ્મીકિયામાં પણ એમના અનુયાયીઓ છે.
ચીન લાંબા સમયથી તિબેટ પર કબજો કરીને બેઠું છે, પણ દલાઈ લામા તિબેટને ચીનનો પ્રદેશ માનવા તૈયાર નથી. દલાઈ લામા 1959થી ભારતના હિમાચલ પ્રદેશ ખાતે ધર્મશાલામાં રહે છે. માઓત્સે તુંગના ચીને તિબેટ પર કબજો કરવા આક્રમણ કર્યું ત્યારે પોતાના ચુસ્ત અનુયાયીઓ સાથે નીકળી ગયેલા દલાઈ લામા 66 વર્ષથી ભારતમાં જ રહે છે.
ભારતમાં રહીને દલાઈ લામા તિબેટમાં ફરી તિબેટિયનોની સરકાર બનાવવા મથ્યા કરે છે. દુનિયાભરના બૌદ્ધધર્મીઓ એમને ટેકો આપે છે. તેથી તિબેટની આઝાદીની લડત દાયકાઓથી ચાલ્યા કરે છે. ચીને તિબેટ પર લશ્કરી તાકાતના જોરે કબજો કરેલો છે પણ દલાઈ લામાએ ચીનના શાસનને સત્તાવાર જાહેર કર્યું નથી તેથી તિબેટિયન પ્રજા ચીન સાથે નથી. તિબેટમાં દલાઈ લામાનો જોરદાર પ્રભાવ છે તેથી તિબેટમાં પણ ચીન સામે જંગ ચાલે જ છે.
ચીન હાલના દલાઈ લામાના સ્થાને પોતાના કહ્યાગરા કોઈ બૌદ્ધ સાધુને બેસાડવા માગે છે કે જે તિબેટને ચીનનો પ્રદેશ જાહેર કરીને તિબેટની આઝાદી માટેની લડતને કાયમ માટે બંધ કરી દે. ચીને વર્તમાન દલાઈ લામાને પોતાની તરફ વાળવા બહુ ફાંફાં માર્યાં પણ દલાઈ લામા ઝૂક્યા નહીં એટલે ચીન એની એક ને એક વાત વારંવાર કરતું રહે છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિમણૂક ચીની નેતાઓની મંજૂરીને આધિન હોવી જોઈએ.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ઇરાન પર ઝીંકાયેલા બોઇંગ બોમ્બ કેટલા વિકરાળ-કેટલા વિનાશક?
બીજી તરફ, દલાઈ લામાના સમર્થક એવા તિબેટવાસીઓ, ધર્મગુરુઓ તથા અનુયાયીઓ માને છે કે, આ ધર્મને લગતો મુદ્દો છે તેથી તેનો નિર્ણય ધાર્મિક પરંપરા પ્રમાણે જ લેવાવો જોઈએ. દલાઈ લામાએ તો ‘વોઈસ ફોર ધ વોઈસલેસ’ પુસ્તકમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, ‘ઉત્તરાધિકારીની નિમણૂક માટે ‘ગાદેન ફોડરંગ ફાઉન્ડેશન’ના અધિકારીઓ કામ કરી જ રહ્યા છે અને એમનો ઉત્તરાધિકારી ચીનની બહાર જન્મ લેશે. દલાઈ લામાના વલણથી ચીન વધારે ભડક્યું છે.
તિબેટિયન બૌદ્ધધર્મમાં દલાઈ લામાની પરંપરા ગેડન દ્રુપાથી શરૂ થઈ કે જેમણે 1405માં ગેંડન મઠની સ્થાપના કરી હતી. હાલના દલાઈ લામા 14મા દલાઈ લામા છે. આ દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ ઉત્તર-પૂર્વ તિબેટમાં ખેડૂત પરિવારમાં થયો હતો. એમનું સાચું નામ લ્હામો ધોંડુપ છે.
માત્ર બે વર્ષના હતા ત્યારે એમને સપનાં અને સંકેતો દ્વારા દલાઈ લામાના પુનર્વતાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. 1940માં 5 વર્ષની ઉંમરે લ્હામો ધોડુપને તિબેટની રાજધાની લ્હાસાના પોતાલા મહેલમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં સત્તાવાર રીતે તિબેટના લોકો અને બૌદ્ધ અનુયાયીઓએ એમનો પોતાના નવા ધર્મગુરુ તરીકે સ્વીકાર કર્યો….
હવે અત્યારના બધા વાદ-વિખવાદ વચ્ચે ચીને પોતાની પસંદગીના દલાઈ લામાને બેસાડવા માટે ‘ગોલ્ડન અર્ન’ એટલે કે સુવર્ણ પાત્રનો નવો તુક્કો પણ વહેતો કર્યો છે. ‘ગોલ્ડન અર્ન’ પધ્ધતિમાં સોનાના કળશમાં ચિઠ્ઠીઓ નાખીને તેમાંથી એક નામ પસંદ કરવામાં આવે છે.
1793માં ચીનમાં કિંગ વંશનું શાસન હતું અને તિબેટ પર એનો કબજો હતો ત્યારે પોતાના કહ્યાગરા દલાઈ લામાને બેસાડવા રાજાએ આ દાવ કરેલો, પણ દલાઈ લામા તથા એમના સમર્થકો એને તિબેટિયન બૌદ્ધ ધર્મની પરંપરા માનતા નથી.
ચીન પોતાની મનમાની કરવા માટે જાણીતું છે એ જોતાં તિબેટિયન બૌદ્ધ સંપ્રદાયમાં ભાગલા પડવાનાં એંધાણ છે. દલાઈ લામાના સમર્થકો બૌદ્ધ પરંપરા પ્રમાણે દલાઈ લામા નક્કી કરશે, જ્યારે ચીન ‘ગોલ્ડન અર્ન’નો તુક્કો અમલમાં મૂકશે તેથી હવે પછી દુનિયામાં બે દલાઈ લામા હોય એવું બને, પણ બૌદ્ધધર્મીઓ સરકારી દલાઈ લામાને નહીં સ્વીકારે એ જોતાં વર્તમાન દલાઈ લામાનો જ જય થશે એ પણ નક્કી છે.
દલાઈ લામા મરતા નથી, પણ પુનર્જન્મ લે છે…
તિબેટિયન બૌદ્ધધર્મની પરંપરા પ્રમાણે, દલાઈ લામા કદી મરતા નથી, પણ પુનર્જન્મ લે છે. વર્તમાન દલાઈ લામાના નિધન પછી એમના આત્મા ફરી જન્મ લેશે અને કોઈ નવજાત શિશુ તરીકે પૃથ્વી પર પાછા ફરશે. આ બાળકની શોધ અને ઓળખ માટે કેટલીક પરંપરા અને પ્રક્રિયા છે ને તેમાં સૌથી મહત્ત્વના સ્વપ્ન સંકેત છે. બૌદ્ધધર્મના વરિષ્ઠ ભિક્ષુ અને આધ્યાત્મિક ગુરુના સપનામાં ધાર્મિક સંકેત આવે છે.
આ સંકેતો અને સપનાનો અભ્યાસ કર્યા પછી ‘ગાદેન ફોડરંગ ફાઉન્ડેશન’ની એક ટીમ સંભવિત સ્થળે જઈને બાળકને તત્કાલિન દલાઈ લામાની વસ્તુઓ બતાવે છે. જે બાળક આ વસ્તુઓ ઓળખી જાય અને ‘આ મારી વસ્તુઓ છે’ જેવો દાવો કરે એને ઉત્તરાધિકારી તરીકે દાવેદાર માનવામાં આવે છે.
બાળકની આધ્યાત્મિક ક્ષમતા, વ્યવહાર અને અન્ય સંકેતોનો અભ્યાસ કરીને સંપ્રદાયના મુખ્ય સાધુઓ, ભિક્ષુઓને સંતોષ થાય પછી ઔપચારિક રીતે બાળકને નવા દલાઈ લામા જાહેર કરવામાં આવે છે. તિબેટિયન બૌદ્ધ સંપ્રદાય વરસોથી આ પરંપરાને અનુસરે છે અને આ વખતે પણ આ પરંપરાનું પાલન કરાશે એવું દલાઈ લામા સ્પષ્ટ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…