હેં… ખરેખર?!: અલ્લાઉદ્દીન ખિલજીએ શ્રી રંગનાથ સ્વામીની લૂંટેલી મૂર્તિ કેમ પાછી આપી?

- પ્રફુલ શાહ
તમિળનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રીરંગમસ્થિત ભવ્ય શ્રીરંગનાથસ્વામી મંદિરની પૌરાણિક અને ઈતિહાસ વિગતો ખૂબ રસપ્રદ છે. આને લગતી અનેક લોકકથા પ્રચલિત છે.
વિશાળ સંકુલમાં મુખ્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ શેષશૈય્યા પર બિરાજમાન છે. ત્યાં સાથે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને માતા સીતા પણ છે. લોકકથા મુજબ ભગવાન રામે પોતાના વિષ્ણુ રૂપમાં અહીં લંકેશ રાવણના ભાઈ વિભીષણને દર્શન આપ્યા હતા. ત્યાર બાદ પ્રભુ રામે આ મંદિર વિભીષણને સોંપ્યું હતું. અન્ય લોકવાયકા મુજબ ભગવાન રામ ખુદ આ મંદિરમાં દેવતાઓની પૂજા કરતા હતા. રાવણને હરાવીને લંકાથી પાછા ફરતી વખતે તેમણે આ મંદિર વિભીષણને સોંપી દીધું હતું.
આવા શ્રદ્ધાના કેન્દ્રમાં ઉત્સવ વખતે દશ-દશ લાખની મેદની ભેગી થાય છે ત્યારે તેઓ ભીંતો પર સંસ્કૃત, મરાઠી, તેલુગુ, ક્ધનડ અને ઉડિયા ભાષામાં લખેલા 100થી વધુ શિલાલેખ જુએ છે. આ શિલાલેખોનો સંબંધ ચોલ, પાંડ્ય હોયસાલ અને વિજયનગર રાજવંશ સાથે છે. આવું કેમ? એનાં કારણો ય છે. ત્યાં સુધી પહોંચવા અગાઉ મંદિર સાથે સંકલિત પૌરાણિક કથામાંની એક જાણીએ.
એક કથા મુજબ વૈદિક કાળમાં ગોદાવરી નદીના કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. એ સમયે આસપાસના વિસ્તારોમાં પાણીની ભારે તંગી હતી. એક દિવસ પાણીની શોધમાં નીકળેલા કેટલાક ઋષિઓ ગૌતમ ઋષિના આશ્રમે પહોંચી ગયા. ગૌતમ ઋષિએ મહેમાનોની યથાશક્તિ આગતાસ્વાગતા કરી. એમને સ્વાદિષ્ટ – આરોગ્યપ્રદ ભોજન કરાવ્યું. આ બધાથી સંતુષ્ટ કે પ્રસન્ન થવાને બદલે અમુક ઋષિને તેમની ઈર્ષ્યા થવા માંડી. આ ફળદ્રુપ ભૂમિ મેળવવાની લાલચમાં ગૌતમ ઋષિને ગૌહત્યાના આરોપમાં ફસાવીને એમની જમીન – આશ્રમ પડાવી લેવાયા.
ગૌતમ ઋષિએ ત્યાંથી નીકળીને શ્રીરંગમ જઈને શ્રી રંગનાથ એટલે કે ભગવાન વિષ્ણુની સેવા અને તપ કર્યાં. આનાથી પ્રસન્ન થઈને શ્રી રંગનાથન સ્વામીએ એમને માત્ર દર્શન જ ન આપ્યા પરંતુ પૂરો વિસ્તાર એમને સોંપી દીધો. ગૌતમ ઋષિની વિનવણી સ્વીકારીને ખુદ બ્રહ્માજીએ એ સમયના વિશ્ર્વના સૌથી મોટા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
ભગવાન શ્રી રામે વનવાસ કાળમાં આ મંદિરમાં દેવ-દેવીઓની પૂજા કરી હતી. લંકા વિજય બાદ પાછા ફરતી વખતે તેમણે આ મંદિર વિભીષણને સોંપી દીધાનોય પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી વિષ્ણુએ જ વિભીષણ સમક્ષ ઉપસ્થિત થઈને આ સ્થળે રંગનાથના રૂપમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ મંદિરના પરિસરમાં એક આખું શહેર વસેલું છે. આ મંદિરનું નિર્માણ આઠમી અથવા નવમી સદીમાં થવાનો અંદાજ છે. આજેય એને અડીખમ જોઈને એ સમયના કસબી, સામગ્રી અને ભ્રષ્ટાચાર વિહીન શાસન વ્યવસ્થાની પ્રશંસા કર્યા વગર રહી ન શકાય. શ્રી રંગનાથન સ્વામી મંદિરનું સ્થાપત્ય એકદમ વિશાળ અને પ્રભાવશાળી છે એ હવે કહેવાની જરૂર નથી. અહીંના વાસ્તુકલામાં તમિળ શૈલી ઊડીને આંખે વળગે છે. આમેય દક્ષિણ ભારતના અધિકાંશ મંદિરોમાં વિશાળતા અને દ્રાવિડ સ્થાપત્ય છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં એક 100 વર્ષ જૂનું મમી પણ સાચવી રખાયું છે. જેની માંડીને વાત ફરી ક્યારેક કરીશું.
એ જમાનામાં 953 ગ્રેનાઈટ સ્તંભ ઊભા કરવા, એના ઉપર વાઘ અને અશ્ર્વની મૂર્તિ બનાવવી એ કેવી રીતે શકય બન્યું હશે? આધુનિક ટેક્નોલોજીને લીધે આજે આસાનીથી થઈ શકે પણ આઠમી-નવમી સદીમાં એની કલ્પના મુશ્કેલ લાગે તો અફલાતૂન સર્જન કેવી રીતે થયું હશે? આ મંદિરનો ઉલ્લેખ સંગમયુગ એટલે કે ઈ.સ. 100 થી 250 વચ્ચેના તમિળ સાહિત્યમાં મળે છે. મંદિરનું પરિસર આડેધડ બનાવ્યું નથી. જરૂરિયાતો સમજીને એમાં પાણીના બે વિશાળ ટાંકા બનાવાયા છે, જેને નામ અપાયા છે ‘સૂર્ય પુષ્કરિણી’ અને ‘ચંદ્ર પુષ્કરિણી’. આ બન્ને ટાંકાની ક્ષમતા 20-20 લાખ લિટર પાણી સમાવવાની છે.
આપણે ઈતિહાસને ન સાચવવા અને ગર્વ ન અનુભવવાની ઊણપનું એક ઉદાહરણ શ્રી રંગનાથસ્વામી મંદિર પણ છે. અગાઉ આ મંદિર આઠમી-નવમી સદીમાં બન્યાનો ઉલ્લેખ જોયો પરંતુ આ મંદિરનો ઈતિહાસ આઠમીથી સોળમી સદી વચ્ચેનો હોવાનો ય દાવો થાય છે. આ મંદિર સાથે સંકળાયેલી પૌરાતાત્વિક સમાજ પણ એ યુગની આસપાસનો હોવાનું મનાય છે. શિલાલેખ મુજબ આ મંદિરની શૈલી ચૌલ, પાંડ્ય, હોયસાલ અને વિજયનગર સામ્રાજયના રાજવંશો સાથે સંબંધિત છે. આ બધા રાજવંશો કયારેક કાવેરી નદીની પાસે અને તિરુચિરાપલ્લી પર રાજ કરતા હતા. આજના તિરુચિરાપલ્લી શહેરનું નામ કયારેક ‘ત્રિચી’ કે ‘તિરુચી’ પણ હતું.
આ મંદિરનો અતીત જાણવા લાયક છે. સૌથી પહેલા રંગનાથસ્વામી મૂર્તિ સ્થાપિત કરાઈ. પછી વધુ કામ ન થતાં ત્યાં જંગલ બની ગયું. એક સમયે ચૌલ રાજા શિકાર માટે જંગલમાં ગયા ત્યારે તેમની નજર એ મૂર્તિ પણ પડી. પછી તરત રાજાએ રંગનાથસ્વામીની મૂર્તિની આસપાસ પરિસર વિકસાવીને એ સમયનું દુનિયાનું સૌથી મોટું મંદિર બનાવડાવ્યું હતું. ત્યાર બાદ વિવિધ રાજવંશો આ મંદિરનું નવીનીકરણ – સમારકામ કરાવતા રહ્યા. ક્યારેક આ સામ્રાજયો વચ્ચે આંતરિક ખટરાગને લીધે મંદિરનું નવીનીકરણ ખોરંભેય ચડી ગયું હતું.
ઈતિહાસમાં અમુક સ્થળે મંદિર બાંધવાની શરૂઆત કરનારા ચૌલ રાજાનું નામ રાજમહેન્દ્ર ચૌલ હોવાનું નોંધાયેલું છે. તેઓ રાજેન્દ્ર ચૌલ દ્વિતીયના દીકરા હતા. પરંતુ એ પછીના શિલાલેખમાં એમનો નામોલ્લેખ દેખાતો નથી. એમના અનુગામીઓએ ઈરાદાપૂર્વક આવું કરાવ્યું હશે? કે જૂના શિલાલેખ હટાવી દેવાયો હશે? એટલું જ નહીં ચોથી કે નવમી સદીના ઈતિહાસ કે શિલાલેખમાં રાજમહેન્દ્ર ચૌલનું નામ ક્યાંય નથી.
શ્રી રંગનાથસ્વામી મંદિર અને એનું પરિસર ભવ્ય, વિશાળ અને સમૃધ હોય તો પરદેશી આક્રાંતાઓની બૂરી નજરથી બચી શકે ખરા? અગાઉ અંગ્રેજો, મરાઠા અને મુસલમાનોએ અહીં આક્રમણ કર્યાનો ઉલ્લેખ આવ્યો પણ મલિક ગુફુર (મલિક કાફુર અને દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીના મુખ્ય સેનાપતિ અને સમલિંગી વ્યંઢળ (સાથી) તો અહીંથી દેવતાઓની મૂર્તિ ચોરી-આંચકીને દિલ્હી લઈ ગયો હતો. પરંતુ શ્રીરંગમના ભક્તો ચૂપચાપ બેસી ન રહ્યા. તેમણે દિલ્હીની વાટ પકડી. ત્યાં જઈને ખિલજીને મંદિરનો ભવ્ય ઈતિહાસ જણાવી – સમજાવીને મંત્રમુગ્ધ કરી દીધા. એમની ભક્તિ – કૌશલથી ખુશ થઈને સુલતાને ભેટરૂપે શ્રીરંગનાથસ્વામીની મૂર્તિ આપી દીધી. પોતે ચોરેલે-આંચકી લીધેલી ચીજ એના મૂળ માલિકને ઉદારતાથી ભેટ આપી એ કેવું વિચિત્ર લાગે ને?
શ્રી રંગનાથસ્વામી મંદિર – સંકુલના સંખ્યાબંધ કિસ્સા છૂટાછવાયા નોંધાયેલા છે. બધા વ્યવસ્થિત પરિપ્રેક્ષ્યમાં ક્રમબદ્ધ રીતે ગ્રંથસ્થ કરવાનો વિચાર કરવો જોઈએ.
(સંપૂર્ણ)
આ પણ વાંચો…હેં… ખરેખર?: શ્રીરંગનાથસ્વામી મંદિર એટલે અનન્ય ભવ્યતા વત્તા ઈતિહાસ



