ટૅક વ્યૂહ: પરફેક્ટ વીડિયો કે રીલ્સ કેમ બનાવશો?

જાણી લો, એની સચોટ ટિપ્સ…
- વિરલ રાઠોડ
રીલ્સની સિરીઝમાં અનેક ચહેરાઓ સેલિબ્રિટી બન્યા છે. દરરોજ માહિતીનો રંગબેરંગી ઢગલો મોબાઈલ સ્ક્રિન પર ઠલવાય છે. અનેક એવા વિષયોના વીડિયો, ઓડિયો અને ગ્રાફિક્સના વૈવિધ્યમાં સારું એવું નોલેજ પીરસાય છે. હાઈરિઝોલ્યુશન વીડિયો જોવામાં એટલા મસ્ત લાગે કે, ટ્રાવેલના વીડિયોમાં તો સ્ક્રીનમાંથી જે તે સ્થળે ડોકિયું કરવાનું મન થાય.
વીડિયો અને રીલ્સની દુનિયા વિશાળ છે. ઓછા સમયમાં શ્રેષ્ઠ સર્જનાત્મકતા સાથે અદ્ભુત વસ્તુઓ આપણા સુધી પહોંચી રહી છે. જેની પાછળ એડિટિંગ અને રિસર્ચનો મોટો ફાળો હોય છે. એ પછી એ માહિતીની રજૂઆતકર્તા આવે છે. આવા વીડિયો તૈયાર કરવામાં ખાસ તો કોઈ એવું જટિલ વિજ્ઞાન નથી. થોડી સામાન્ય ટિપ્સ અને કેટલીક વિડિયો એડિટિંગ એપ્સથી ઘણું કામ આસાન થઈ જાય છે. રીલ્સ કે વીડિયો તૈયાર થયા બાદ એની સાઈઝ વધારે હોય તો પણ સાચવવા માટે અઘરું પડે. લાઈટ્સ, પ્રોપ, રેકોર્ડિંગ અને થોડું એડિટિંગ ફાવી જાય એટલે બેસ્ટ વીડિયો બને.
વીડિયોમાં ઓછામાં ઓછું એડિટિંગ કરવું પડે એને બેસ્ટ શૂટ માનવામાં આવે છે. શૂટિંગ માટેની ટિપ્સમાં ઊંડા ઊતરીએ તો દરિયો પણ ટૂંકો પડે. એકવાત એ પણ સમજીએ. વીડિયો હંમેશાં આડા હોય. જેમ કે, યુટ્યુબના વીડિયો, ફેસબુકના વીડિયો વિભાગમાં આવતા વીડિયો, સિનેમાના પડદે રજૂ થતા વીડિયો. આડા હોય એ વીડિયો જ્યારે મોબાઈલની સ્ક્રીનને રોટેટ કર્યા વગર જ જે સ્પષ્ટ અને ક્લિયર દેખાય.
ફૂલ સ્ક્રિનમાં ફીટ થાય અને કોઈ જ રૂકાવટ વગર પ્લે થાય એ રીલ્સ, શોર્ટ્સ. વીડિયોની શરૂઆત કેવી રીતે થાય છે એના પર એ વાયરલ થવાનો આધાર છે. વિડિયો ચાલું હોય અને પછી મોબાઈલ રોટેટ કરવો પડે એ વીડિયોને સારો વીડિયો ગણવામાં આવતો નથી. આવું ન થાય એટલા માટે જરૂરી છે કે, પહેલા નક્કી કરવું પડે. રીલ્સ બનાવવી છે કે વીડિયો. જો વિષય કોન્ટેન્ટ લાંબુ હોય તો વીડિયો બને અને સંક્ષિપ્તમાં બધુ જ કહી દેવાનું હોય તો રીલ્સ બને.
આવા વીડિયો બનાવવા માટે પહેલી ટિપ્સ એ છે કે, મોબાઈલ કેમેરામાં વીડિયો શૂટિંગ ચાલુ કર્યા બાદ હાથ વધારે પડતો હલવો ન જોઈએ… ડાબેથી જમણી બાજુ કે જમણેથી ડાબી બાજુ ફેરવવાનું હોય તો દરેક વસ્તુઓ પર કેમેરો ધીમે ધીમે ફરે તો આરામથી એ વીડિયોમાં કટ મૂકી શકાય… જે મુવમેન્ટ રેકોર્ડ કરવી છે એના પર પૂરતી લાઈટ્સ હોવી જોઈએ… નાઈટ મોડમાં રેકોર્ડિંગ હોય તો લાઈટ સીધી જ મોબાઈલના કેમેરા પર ન પડે એનું ધ્યાન રાખવું, જેથી વીડિયોમાં પિક્ચર ફાટે નહીં.
આજ રીતે, વધારે પડતું ઝૂમ કરવાથી વીડિયોની ક્વોલિટી બગડે છે. ખાસ કરીને જ્યારે મોબાઈલથી રેકોર્ડિંગ થાય ત્યારે બને ત્યાં સુધી ઝૂમ ફિચરનો ઉપયોગ ટાળવો….જે વસ્તુ રેકોર્ડ કરવી છે એની નજીક જવું શક્ય ન હોય તો દૂરથી એ જ કેપ્ચર કરો અને એક સરસ ફોટો એ જગ્યાનો અંદર મિક્સ કરી દો. આનાથી વીડિયો પણ સારો આવશે અને એડિટિંગ પણ સારું દેખાશે. ખાસ તો નજીકમાં કોઈ પાળી, ફ્લોર, રેલિંગ કે આગળના ભાગમાં સમતોલ સપાટી હોય તો એના પર હાથ ટેકવી રેકોર્ડ કરવાથી વીડિયો સ્ટેબલ થશે.
દાખલા તરીકે, બાલ્કનીમાં હાથ ઊંચા કરીને વીડિયો લેવા કરતા એની પાળી પર મોબાઈલ રેકોર્ડિંગ ઓન કરી પાળીને સમતોલ મોબાઈલને લેફ્ટ-રાઈટ્સ ફેરવી દો. વચ્ચે વીડિયોમાં કોઈ ગ્લિચ પણ નહીં આવે, રેકોર્ડિંગ પણ સારું થશે…..એકવાર રેકોર્ડિંગ શરૂ કર્યા બાદ મોબાઈલને રોટેટ કરવાનું ટાળો. આનાથી રેકોર્ડિંગની ક્વોલિટી બગડે છે…. ચાલુ શૂટિંગ દરમિયાન વારંવાર ફોક્સ કરવાનું ટાળો. શૂટિંગ શરૂ થાય એ પહેલા જ જે તે વિષયનો એક ફોટો ક્લિક કરી પછી ક્લેરિટી સાથે રેકોર્ડ કરો.
આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ચીલાચાલુ નહીં, પરંતુ અમુક વિશિષ્ટ કામ પણ આસાન કરી આપી છે અઈં…
જરૂરી નથી કે, રીલ્સ કે વીડિયોમાં દેખાય એને જ અનુસરવું. વીએન, વીડિયો એડિટ્સ, વીડિયો કટ જેવા ફીચર્સ અતિ કામના છે. વીઓં, વીડિયો એડિટ, કાઈન માસ્ટર જેવી એપ્સ સરળતાથી વીડિયો એડિટ કરવા આપે છે. હા, એના આઉટપુટમાં મળેલા વીડિયોમાં વોટરમાર્ક નડતો હોય તો વીડિયો જ એટલો મસ્ત બનાવો કે વોટરમાર્ક સુધી કોઈની નજર ન પડે. જેમ કે, વધારે પડતા કટ ન મૂકો, વીડિયોમાં એક વાર્તા રજૂ થાય એ કરો, જ્યાં વોલ્યુમને અંકુશમાં રાખવું શક્ય નથી ત્યાં એ જ ઓરિજિનલ વીડિયો સાથે એ સેવ કરી લો. એના એડિટિંગ વખતે બેકગ્રાઉન્ડમાં ઓરિજિનલમાં વાગતું મ્યુઝિક મૂકી શકો. એકથી દોઢ મિનિટથી લાંબી વીડિયો ક્લિપ ન બનાવો. 40 કે 50 સેક્ધડની ક્લિપમાં બધુ આવે એવો પ્રયાસ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
વીડિયો હોય કે રીલ્સ, સ્ક્રીનની વચ્ચે કંઈ ન લખવું જ શ્રેષ્ઠ છે. જે વિગત જેમ કે, લોકેશન, તારીખ-વાર, ટેગ એ બધુ જમણી બાજુ ઉપર અથવા ડાબી તરફ નીચે રાખવાથી વીડિયોમાં સ્ક્રીન સ્પેસ વધારે દેખાય છે. એક જ વીડિયોમાં બધી જ ઈફેક્ટનો ઉપયોગ કરવો ઓવરએક્સપોઝ જેવું છે. મહત્તમ ચાર અને ઓછામાં ઓછી બે ઈફેક્ટથી વીડિયો સારો બને.
વીડિયોમાં જે ભાગ સારી રીતે કેપ્ચર ન થયો હોય અથવા કેમેરો વધારે પડતો હલી જતો હોય ત્યાં એ જ લોકેશન કે વિષયલક્ષી ફોટો મૂકવાથી વીડિયો સ્મૂથ થઈ જાય છે. વોઈસઓવર કરવાનું થાય તો વીડિયો રેકોર્ડિંગ વખતે જ સ્ક્રીનની હિલચાલ વખતે જે રીતે મેચમાં કોમેન્ટ્રી આવે છે એ લયથી બોલવામાં આવે તો વીડિયો રસપ્રદ બને છે….. દિવાળીના ફટાકડા કે આતશબાજી રેકોર્ડ કરવાનો પ્લાન હોય તો નીચેથી ઉપર જતા રોકેટને કેપ્ચર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જે ફૂટે છે એને જ કેપ્ચર કરવામાં આવે તો એની ઈફેક્ટ અલગ આવે છે.
આઉટ ઓફ ધ બોક્સ
કોઈપણ સોશ્યલ મીડિયા પર હાઈરિઝોલ્યુશન વીડિયો અપલોડ થવામાં સમય લે છે. એના કરતા માત્ર એચડી વીડિયો હોય તો બીજી વધારાની ઈફેક્ટ સોશ્યલ મીડિયાના ટુલ્સમાંથી મળે છે.