બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વાંક કોનો… ‘પ્રાદા’નો કે આપણો?

- સમીર જોશી
ગયા અઠવાડિયે એક વૈશ્વિક બ્રાન્ડ ચર્ચામાં રહી, જેના કારણે એની ઇમેજ પર પણ ઘણી અસર થઇ. વાત ‘પ્રાદા’ (ઘણા એનો ઉચ્ચાર ‘પ્રાડા’ પણ કરે છે) બ્રાન્ડની થઇ રહી છે, જેણે મહારાષ્ટ્રનો જાણીતો ચપ્પલનો પ્રકાર કોલ્હાપુરી પોતાના એક મોટા ફેશન શોમાં વાપર્યો. વાપર્યો તે વાત ઠીક છે, પણ એને બનાવનારાને કે દેશને પણ કોઈ પ્રકારની ક્રેડિટ ના આપી.
ઉપરાંત તેની કિંમત આશરે એકાદ લાખની રાખી. ઘણો મોટો ઉહાપોહ થયો અને અંતે ‘પ્રાદા’એ સ્વીકાર્યું કે એ એની ભૂલ છે અને તેણે ફેશન શોમાં રજૂ કરેલા ચપ્પલ કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઇનથી પ્રેરિત છે.
આવી કબૂલાત પછી અચાનક બધા જાગી ગયા કે કઈ રીતે આ લોકો આપણી કારીગરીના હક્ક છીનવી લે? ‘પ્રાદા’ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, વગેરે, વગેરે… સારી વાત છે આવું થવું જોઈએ, પણ પ્રશ્ન તે છે કે અત્યાર સુધી આપણે ક્યાં હતા? પ્રશ્ન ફક્ત એક કોલ્હાપુરીનો નથી, આપણા દેશમાં ગામેગામ આવી કારીગરી વિવિધ ક્ષેત્રોમાં જોવા મળશે. આ ઉપરાંત આપણી પાસે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે- વિચારો છે ઘણા બધા વ્યવસાયો પણ છે.
આપણો દેશ ‘જુગાડુ’ તરીકે ઓળખાય છે. આ નકારાત્મક વાત નથી, આને સકારાત્મક તાથી જુવો તો આપણી પાસે હરેક તાળાની ચાવી છે દરેક સમસ્યાના સરળ ઉપાય છે. આ બધી વાતોનું અંતે શું? એ સારી વાતોનું પોટલું વાળી અભરાઈએ ચડાવી દો અને પછી વિચારો આમ કેમ બને છે?
આનું એકમેવ કારણ છે આપણે ક્યારેય આપણા કૂવામાંથી બહાર નથી આવ્યા. આપણે ક્યારેય આ બધી વાતોને દુનિયા સમક્ષ નથી મૂકી. આપણે ક્યારેય આ વાતોનો, ખાસ કરીને વ્યવસાય લક્ષી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બનાવવા વિશે કે તેને પ્રમોટ કરવા માટે કયારેય નથી વિચાર્યું.
આપણી આજની સરકારનો અને ખાસ કરીને વડા પ્રધાન મંત્રીજીનો આભાર માનવાનો કે એ આપણા પ્રાચીન યોગને અને મિલેટને વૈશ્વિક સ્તર પર લઇ ગયા. મહત્ત્વ લઇ ગયા તેનું તો છે જ, પણ એ બંને યોગ અને મિલેટ પર આપણો સિક્કો માર્યો કે’ આ અમારું છે… ’ જેથી આવતી કાલે આના પર અન્ય કોઈ પોતાનો હક્ક અર્થાત કલેઇમ નહિં કરી શકે, કારણ આપણે તેને પોતાની વિરાસત બનાવી દીધી. બ્રાન્ડની ભાષામાં જે પહેલા કહે છે પહેલ કરે છે તે વાત કે વિચાર એની સાથે જોડાઈ જાય છે.
આપણો આટલી જંગી વસતિવાળા દેશની કઈ કઈ બ્રાન્ડ વૈશ્વિક સ્તરે જાણીતી છે? આવે છે તમારા ધ્યાનમાં? આની સામે, 4 કરોડ જેટલી વસતિ ધરાવતો દેશ સ્પેઇન અને ત્યાંની ફેશન બ્રાન્ડ ‘ઝારા’ આજે હરેક યુવાનના મોઢે છે. એ હક્કથી પ્રીમિયમ ચાર્જ કરે છે અને લોકો હોંશે હોંશે પૈસા ચૂકવી ખરીદે પણ છે. આવા તો એક નહીં, 21 ઉદાહરણ આપી શકાય. આવી ઘણી નાના દેશોની બ્રાન્ડ્સ આજે વૈશ્વિક સ્તરે રાજ કરે છે.
‘પ્રાદા’નો અનુભવ તે બધા માટે છે જે પોતાના દેશમાં પણ બ્રાન્ડ બનાવવા નથીમાગતા અને જેમ ચાલે છે તેમાં ખુશ છે. એવા ઘણા વ્યવસાય છે, જેણે પોતે વસ્તુ બનાવી છે, પણ કોઈએ અને તેના પર અધિકાર જમાવી દીધો છે, કારણ કે એમણે ખુદે પોતાની વસ્તુને ક્યારેય બ્રાન્ડ બનાવવા તરફ ધ્યાન આપ્યું નથી. એને ફકત ફક્ત એક કમાવાના સાધન તરીકે જોયું છે,
જયારે આ દિશામાં પશ્ચિમી દેશોએ ઘણું કામ કર્યું છે અને આથી એ બ્રાન્ડ બનાવવાની શરૂઆત પહેલે દિવસથી કરે છે. ફક્ત બ્રાન્ડ બનાવતા નથી, પણ તેને વૈશ્વિક સ્તરે લઇ જાય છે, જેથી પોતાનો હક્ક તેના પર સ્થાપિત કરી શકે.
ભારતમાં હસ્તકલાને ક્યારેય વ્યવસાયની દૃષ્ટિએ નથી જોવાયું તે સંસ્કૃતિ હતી, એક પારિવારિક વારસો છે. આ કારણે તેને ક્યારે પણ સ્કેલેબલ બિઝનેસ મોડેલ તરીકે ધ્યાનમાં લેવામાં ન આવ્યું. પશ્ચિમી અર્થમાં એનું ક્યારેય માર્કેટિંગ ન થયું…
આપણ વાંચો: સ્પોટ લાઈટ: તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે…
હળદરવાળુ દૂધ 10માં વેચાય, કોલ્હાપુરી સેન્ડલ, જે એક સમયે પ્રાદેશિક ઓળખનાં નમ્ર પ્રતીકો હતાં, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ બીજાની સફળતાની વાર્તા બની ગયા. આનું કારણ આપણે તેને વ્યૂહરચના સાથે પ્રમોટ કરવામાં નિષ્ફળ ગયા છીએ.
જો આપણે વૈશ્વિક સ્તરે આપણી કલાને, વારસાને, વ્યવસાયને અને વિચારોને લઇ જવા હશે તો આપણે બ્રાન્ડ સ્ટોરીટેલિંગમાં રોકાણ કરવું પડશે. આની સાથે સાથે રાષ્ટ્રીય ડિઝાઇન આર્કાઇવ્સનું નિર્માણ કરી, ગ્લોબલ રજિસ્ટ્રેશન દ્વારા માલિકી મેળવવી પડશે, જેથી તેનો કોઈ દુરુપયોગ ના કરે.
આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનું, એ છે કે આપણે કોઈ વસ્તુનું માત્ર નિર્માણ કરવામાં નથી માનતા, પણ એ આપણી માલિકીની છે એ વાત પણ સ્થાપિત કરવી પડશે….જ્ઞાન અને કારીગરીમાં ભારતનું યોગદાન ઘણું મોટું છે. આપણે અનેક શોધ કરી છે. આપણે જગતને ઘણું આપ્યું છે, પરંતુ આપણે ભાગ્યે જ બ્રાન્ડેડ થયા છીએ …. બસ, આ વાત જયારે થશે ત્યારે કોઈ પણ દેશ કે નામી બ્રાન્ડ આપણા પગરખામાં પગ નાખતા પહેલા લાખ વાર વિચારશે.