ઝબાન સંભાલ કે: જેનું કામ તેનું થાય, બીજા કરે ગોતા ખાય | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઝબાન સંભાલ કે: જેનું કામ તેનું થાય, બીજા કરે ગોતા ખાય

  • હેન્રી શાસ્ત્રી

ગુજરાતી અને મરાઠી ભાષા આમ તો બે છૂટા પડેલા રાજ્યોની ભાષા છે. 1960 પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર બોમ્બે સ્ટેટનો હિસ્સો હતા. પહેલી મે, 1960ના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્વતંત્રપણે અસ્તિત્વમાં આવ્યા. ભાષાના મુદ્દે થયેલી ચળવળ – આંદોલન વિખુટા પડવા માટે નિમિત્ત હતા. ગુજરાતની મુખ્ય ભાષા ગુજરાતી અને મહારાષ્ટ્ર્ની મરાઠી, પણ તેમ છતાં બંને ભાષાની કેટલીક કહેવતો સેમ ટુ સેમ જોવા મળે છે, આજની તારીખમાં પણ. એનું સૌથી વધુ પ્રચલિત ઉદાહરણ છે ‘જેનું કામ તેનું થાય, બીજા કરે ગોતા ખાય’. કહેવતનું તાત્પર્ય એટલું જ કે કપડાં સીવવાનું કામ દરજીનું અને જોડા સીવવાની જવાબદારી મોચીની. દરજી જો જોડા સીવવા બેસે અને મોચી સંચો લઈ કપડાની સિલાઈ કરવાની કોશિશ કરે તો ગોતા ખાય મતલબ કે એનાથી થાય નહીં.

કામ બગડી જાય. ગોતા ખાવા એટલે ડૂબી જવું. 14 જૂન, 2022ના દિવસે ‘મુંબઈ સમાચાર’ના દ્વિશતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કહેવતનો ઉલ્લેખ કરતા અનેક લોકો સુધી એ પહોંચી હતી. ભૂલી ગયા એમને યાદ આવી ગઈ અને નહોતા જાણતા એમના જ્ઞાનમાં વધારો થયો. હવે આ કહેવત મરાઠી ભાષામાં કયા સ્વરૂપે હાજર છે એ જાણીએ. મરાઠી કહેવત છે जेनुं काम तेनुं ठाय, बिजा करे सो गोता खाय.ज्‍याचे काम त्‍यालाच साधते, भलत्‍याने केल्‍यास त्‍यास गोता मिळतो. મૂળ ભાવાર્થ એ જ છે કે સોનારનું કામ લુહાર ન કરી શકે અને કરવાની કોશિશ કરે તો એને ગુલાંટ ખાવાનો વારો આવે એવી રજૂઆત છે. ગુજરાતીમાં ડૂબવાની વાત છે અને મરાઠીમાં ગુલાંટ ખાવાની વાત છે. ભાવાર્થ બેયનો સરખો છે – નિષ્ફળતા.

બીજા કહેવત યુગ્મમાં પણ લગભગ આવી જ અવસ્થા છે. બાપ દેખાડ કે શ્રાદ્ધ સરાવ કહેવત તમે સાંભળી હશે. સત્ય વસ્તુ ન હોય તેને અસ્તિત્વ વિનાની ગણવી એ એનો ભાવાર્થ છે. બેમાંથી એક પર્યાય પસંદ કરવા બાબત પણ ઈશારો છે. મૂળે આ કહેવત શ્રદ્ધા – અંધશ્રદ્ધા વચ્ચે ફંગોળાય છે. મરાઠીમાં આ કહેવત અસ્સલ ગુજરાતીના સ્વરૂપમાં જ હાજર છે. बाप दाखव नाहीतर श्राद्ध कर: दोनपैकी एक पर्याय निवडायला लावणे. બાપ દેખાડ નહીંતર શ્રાદ્ધ કર. બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે આગ્રહ રાખવો. જાત મહેનતનો મહિમા ગાતી કહેવત આપ મૂઆ વગર સ્વર્ગે ન જવાય તમે જરૂર જાણતા હશો. એવાજ અર્થની અન્ય કહેવત છે જાત વિના ભાત ન પડે જાત મહેનત ઝિંદાબાદ. બીજા પર આધાર રાખવા કરતા જાતે કામ કરવામાં જ ફાયદો છે એ એનો ભાવાર્થ છે.

મરાઠી કહેવત છે मेल्याशिवाय स्वर्ग दिसत नाही: प्रत्यक्ष अनुभव घेतल्याशिवाय कळत नाही. સ્વર્ગ જોવું હોય તો મૃત્યુ થાય એ જરૂરી છે. ટૂંકમાં પ્રત્યક્ષ અનુભવે જ હકીકત સમજાય એ સમજાવવાનો ઉદ્દેશ છે. પાણીમાં રહેવું ને મગર સાથે વેર રાખવું કહેવત ખૂબ જાણીતી છે. કાયમ જેની સાથે રહેવાનું હોય એની સાથે દુશ્મનાવટ રાખવામાં સાર નથી એ આ કહેવત દ્વારા સમજાવવામાં આવ્યું છે. સહજીવનમાં સુમેળ ન રહે અને જીવન પ્રોબ્લેમ બની જાય. મરાઠીમાં આવી જ કહેવત એક બદલાવ સાથે હાજર છે. पाण्यांत राहून माशांशीं वैर करुं नये. ज्याचा नित्याचाच सहवास त्यांच्याशीं वैर करणें म्हणजे सदोदित धोका, संकट होय. तेव्हां तें टाळावे. પાણીમાં રહી માછલી સાથે વેર નહીં રાખવાનું. કાયમનો સહવાસ હોય એની સાથે વેરભવ રાખવાથી જોખમ, સંકટ જ નિર્માણ થાય. જોકે, એક વાતનું આશ્ચર્ય થાય છે જે ગુજરાતીમાં મગર, મરાઠીમાં માછલી કેમ થઈ ગયો હશે?

BRING TO LIGHT – याने राज़ खोलना

હિન્દી અને ગુજરાતી એ બંને ભાષા એક કૂળમાંથી ઉતરી આવી છે. એ ભાષા આશરે 6 હજાર વર્ષ પહેલા ભારત અને યુરોપના વિસ્તારમાં બોલવામાં – સાંભળવામાં આવતી હતી. બંને ભાષાના કેટલાક શબ્દોમાં ગજબનું સામ્ય છે જેમ કે Heart – हृदय, Nose – नासिका, Day – दिवस, Door – द्वार. મહત્ત્વની વાત એ છે કે અંગ્રેજી ભાષાએ કેટલાક હિન્દી શબ્દો લગભગ મૂળ સ્વરૂપમાં અપનાવી લીધા છે. દાખલા તરીકે Shampoo, Pajamas,Thug. 2024માં Chaiwala, Chuddies હિન્દી શબ્દો ઓક્સફર્ડ ડિક્ષનરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કેટલાક અંગ્રેજી – હિન્દી રૂઢિપ્રયોગની જુગલબંધી જાણીએ અને સમજીએ. Body and Soul. He gave himself Body and Soul to the pursuit of learning. જ્ઞાન મેળવવા તેણે તન મન લગાવીને મહેનત કરી એવો ભાવાર્થ છે. હિન્દીમાં जी जान से કહેવાય છે. परीक्षा में अच्छे अंक लाने के लिए मैंने जी जान से पढ़ाई की। બીજો રૂઢિપ્રયોગ છે Bosom Friend એટલે જાની દોસ્ત, અંતરંગ મિત્ર. Nikhil and Naresh are Bosom friends.

નિખિલ અને નરેશ જીગરજાન મિત્રો છે. હિન્દીમાં આ પ્રયોગ जिगरी दोस्त તરીકે ઓળખાય છે. जिगरी दोस्त हर मुश्किल में साथ खड़ा रहता है. દરેક મુસીબતમાં જાની દોસ્ત પડખે ઊભો રહે છે. બીજો એક પ્રયોગ છે Break Cover. આશ્રયસ્થાનમાંથી અચાનક બહાર નીકળવું એવો એનો અર્થ છે. The enemy resumed heavy firing as the soldier Broke the Cover. સૈનિકો છુપાયેલી જગ્યાએથી બહાર નીકળ્યા એટલે દુશ્મન સૈનિકોએ મોટાપાયે ગોળીબાર શરૂ કરી દીધો. હિન્દીમાં छुपने के स्थान से बाहर आना. अफवाहों का जवाब देने के लिए वह आखिरकार छिपने के स्थान से बाहर आया। અફવાઓ અંગે ખુલાસો કરવા અંતે એ સંતાયેલી જગ્યામાંથી બહાર નીકળ્યો.

Bring to Light એટલે વાત ઉઘાડી પાડવી કે રહસ્ય પરથી પડદો ઊંચકી લેવો. The CID Brought to LIght a hideous conspiracy to assassinate the police chief. પોલીસ વડાની હત્યા કરવાનું તરકટ સીઆઇડીએ ઉઘાડું પાડ્યું. હિન્દીમાં એને માટે राज़ खोलना કહેવાય છે. अगर तुमने यह राज़ खोला, तो बहुत नुकसान होगा। જો રહસ્ય છતું કર્યું તો તમને ભારે નુકસાન થશે. Broad Daylight માટે ગુજરાતીમાં ધોળે દિવસે કે પછી નજરની સામે એવા પ્રયોગ છે. Yesterday, the bank near our house was robbed in Broad Daylight. ગઈ કાલે અમારા ઘર નજીકની બેંક ધોળે દિવસે લૂંટી લેવામાં આવી. હિન્દીમાં दिन दहाड़े बैंक में डकैती हुई કહેવાય છે. Brown Study એટલે વિચારોમાં તલ્લીન રહેવું. Suresh is in the habit of getting into Brown Studies. સુરેશને પોતાનામાં જ મશગુલ રહેવાની ટેવ છે. હિન્દીમાં એને માટે विचारों में मग्न रहना પ્રયોગ જાણતો છે.

शोरगुल के बावजूद, चाचा अपने विचारों में मग्न रहे. ઘોંઘાટ – ધમાચકડી હોવા છતાં કાકા એમના વિચારોમાં તલ્લીન હતા. Call a Spade a Spade એટલે સાચું લાગ્યું હોય એ સ્પષ્ટપણે કે નિખાલસતાથી કહી દેવું. I am not rude but I don’t hesitate to call a Spade a Spade. હું બોલવામાં ઉદ્ધત નથી, પણ સાચી વાત કહેતા હું અચકાતો નથી. હિન્દીમાં આ જ વાત साफ साफ कह देना તરીકે જાણીતી છે. अगर कोई समस्या है, तो साफ साफ बता दो. કોઈ તકલીફ હોય તો નિખાલસપણે જણાવી દ્યો.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : ભાષા: ભય ભગાડે, ભૂખ ભાંગે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button