હેં… ખરેખર?! : કૈલાસ મંદિર કોણે-ક્યારે બનાવ્યું… એલિયન્સે?

- પ્રફુલ શાહ
મહારાષ્ટ્રના કૈલાસ મંદિરની અનેકવિધ વિશિષ્ટતા થોકબંધ કૂતુહલ જગાવતી રહે છે. 1200 વર્ષ જૂના આ અદ્ભુત મંદિરના અમુક રહસ્યો હજી સાવ વણઉકલ્યા છે.
આને લગતો એક કિસ્સો છેક ઈ. સ. 1819નો છે. એ વર્ષે જોહન સ્મિથ નામનો એક બ્રિટીશ લશ્કરી અમલદાર શિકાર પર નીકળ્યો હતો. સહ્યાદ્રીના પહાડો પરનું ગાઢ જંગલ શિકારીઓને ન આકર્ષે તો જ નવાઈ. ત્યાં જોહનને એક નદી દેખાઈ. સ્થાનિકજનો એ નદીને ‘વાઘોરા’ કહીને બોલાવતા હતા. આ નદીના કિનારે શિકાર શોધવા ચકળવકળ આંખ ફેરવતા આ ગોરા શિકારીની નજર ખૂબ ઊંચાઈ પર એક ગુફા પર પડી.
નીચેથી તો માત્ર ગુફાનું મોઢું દેખાતું હતું. ગુફાની અંદર વાઘ રહેતો હોઈ શકે એવું માની એ નજીક પહોંચી ગયો. ગુફાની અંદર જઈને મશાલ પ્રગટાવીને જે જોયું એનાથી એકદમ દંગ રહી ગયો.
અલબત્ત, આ ગુફા જોહન સ્મિથે નહોતી જ શોધી, પરંતુ એની અંદર પ્રવેશનારો એ વિશ્ર્વનો પહેલો ગોરો હતો. એ ગફા હતી ઈલોરાની. આપણે ભલે અંજતા-ઈલોરાની ગુફા બોલીએ પણ બંને અલગ છે, એકમેકથી દૂર છે.
ઈલોરાની ગુફા નંબર 16માં કૈલાસ મંદિરને જોઈને જોહન સ્મિથની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. એક પર્વત કાપીને અંદર મંદિર બની જ કેવી રીતે શકે. એ એના મગજમાં ઉતરતું નહોતું. કોઈ પણ દિશા, ખૂણા કે દૃષ્ટિકોણથી આ મંદિર ભારતીય સ્થપાત્ય કળાનો બેનમુન નમૂનો છે, પરંતુ એ બની કેવી રીતે? આજ લગી આ સવાલના જવાબ ન મળતા ઘણાં માને છે કે એલિયન્સ એટલે પરગ્રહવાસીઓ આવીને એ મંદિર બનાવી ગયા હશે.
આજે ય ઈલોરામાં એકસોથી વધુ ગુફા છે, પરંતુ માત્ર 34ને જ આમ પ્રજા માટે ખુલ્લી મૂકાયેલી છે. અલગ-અલગ અંદાજ અને દસ્તાવેજીય ઉલ્લેખો મુજબ એ ગુફાઓ ઈ. સ. 500થી 1000 વચ્ચે બનાવાયાનું કહેવાય છે. આ ગુફાને જોઈને કરાયેલી નોંધ મુજબ અંદર ધાર્મિક અને પૌરાણિક કલાકૃતિઓની ભરમાર છે. નોંધ મુજબ એકથી બાર નંબરની ગુફા બૌદ્ધ ધર્મ સંબંધિત છે એ બધી બૌદ્ધ સાધુઓ અને ભિક્ષુકોએ બનાવ્યાનું મનાય છે. પછી 13થી 29 નંબરની ગુફા હિન્દુ ધર્મને લગતી છે. જ્યારે 30થી 34 નંબરની ગુફાનો જૈન ધર્મ સાથે સેતુ હોવાનું લાગે.
આ એક-એક ગુફાની ખાસ વિશિષ્ટતા એ કે બધી પથ્થર કાપીને બનાવાયેલી છે. આમાં ક્યાંય સાંધા કે જોડાણ નથી. હા, જ્યાં જુઓ ત્યાં અફલાતૂન નકશીકામ અને કોતરકામ મન-મગજ-આંખને તરબતર અને સમૃદ્ધ કર્યા વગર ન રહે. અને આમાં સૌથી વધુ વિશિષ્ટતા મંદિરની છે. અગાઉ જોયા મુજબ એક કથા એવી છે કે અબાજપુર નગરીના રાજા અતિ ગંભીરપણે માંદા પડી ગયા હતા. તેમની રાણીએ જંગલની વાટ પકડીને ભગવાન ઘૃણેશ્ર્વરની સાચા મનથી પૂજા-અર્ચના કરી. સાથોસાથ માનતા માની કે રાજા સાજાનરવા થઈ ગયા તો પોતે મંદિર બનાવશે. એટલું જ નહીં, મંદિરનું શિખર ન બની જાય ત્યાં સુધી પોતે અન્નનો દાણોય મોંઢામાં નહીં મૂકે. રાજા સાજા થઈ ગયા.
આ સાથે જ રાણીએ ઈલોરામાં શિવ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું, પરંતુ મંદિરને બનવામાં ખૂબ લાંબો સમય લાગે એટલી વારમાં તો રાણી ભૂખથી મરી જાય. આથી રાજાએ કારીગરોને આદેશ આપ્યો કે મંદિર ઊંધું એટલે કે ઉપરથી નીચે જતું બનાવો. આ તર્કથી વિપરિત હતું અને લગભગ અશક્ય હતું.
પરંતુ રાજા ઈચ્છતા હતા કે સૌથી પહેલાં શિખર બને અને એ જોઈને રાણી ઉપવાસના પારણાં કરી લે. આ મંદિરનું બનવું એક ચમત્કાર સમાન છે. પણ એ બન્યું અને રાણીએ એનું નામકરણ મણિકેશ્ર્વર મંદિર રાખ્યું. એટલું જ નહીં, મંદિરની આસપાસ એલાપુર નામનું નગર પણ વસાવ્યું હતું.
આ તો થઈ ધાર્મિક-પૌરાણિક કથા. પુરાતત્ત્વવિદો શું કહે છે એ પણ જાણી લઈએ. એમની ગણતરી મુજબ મંદિરનું બાંધકામ ઈ. સ. 800થી 1000 વચ્ચે થયું છે. સૌ પ્રથમ આ વિસ્તારમાં ચાલુક્ય વંશનું શાસન હતું. તેમને હટાવીને રાષ્ટ્રકુટ વંશ આવ્યો, જેમણે આ મંદિર બનાવ્યાનું મનાય છે. આ માન્યતાને સમર્થન મળે છે રાષ્ટ્રકૂટ રાજવંશના શિલાલેખોમાંથી. એ મુજબ તો કૈલાસ મંદિરનું નિર્માણ રાજાકૃષ્ણ પહેલાએ કરાવ્યું હતું. એના બાંધકામમાં 18 વર્ષ લાગી ગયા હતા.
અમુક પુરાતત્ત્વવિદોનો અલગ મત એવો છે કે આ વિશાળ મંદિરનું નિર્માણ એક તબક્કામાં નહીં થયું હોય, પરંતુ વરસોના વરસ સુધી અલગ-અલગ રાજાઓએ એ બનાવડાવ્યું હશે. આનો અછડતો અણસાર મંદિરના નામોલ્લેખમાં ય મળે છે. શરૂઆતમાં આ મંદિર કૃષ્ણેશ્ર્વર તરીકે ઓળખાવાતું હતું, તો પછી કૈલાસ મંદિર કહેવાયું હતું. આખું મંદિર સફેદ રંગથી રંગાયું હતું. એટલે એ એકદમ કૈલાસ પર્વત જેવું લાગતું હતું. એટલે એવું નામ અપાયું હતું.
આ મંદિર કેવું છે ને એમાં શું છે? મંદિરની આગળ સ્વાભાવિકપણે ભવ્ય પ્રવેશદ્વાર છે. ઉપર બે માળાનું ગોપુરમ છે. આસપાસ શૈવ અને વૈષ્ણવ પરંપરાની પ્રતિમાઓ દેખાય છે. મંદિરના પ્રવેશદ્વારમાંથી અંદર જતા જ આંગણ આવે જે અંગ્રેજીના ‘યુ’ આકારમાં છે. સામે કમળ-પુષ્પ પર ગજલક્ષ્મીની મૂર્તિ છે, જેના પર બે હાથી જળ-વર્ષા કરે છે. આ ઉપરાંત હાથીઓની અન્ય મૂર્તિ અને તસવીરો ય છે.
આ મંદિરની અંદર દક્ષિણ અને ઉત્તર ભાગમાં ય વિશાળકદની હાથીની બે પ્રતિમા છે. ઈતિહાસ મુજબ રાષ્ટ્રકૂટના રાજવીઓ યુદ્ધમાં હાથીનો બહુ ઉપયોગ કરતા હતા અને એમનું પ્રિય પ્રાણી હતું.
બરાબર મંદિરના ગર્ભગૃહ ઉપર એક ટાવર-શિખર છે, જેનાં આઠ ખૂણા છે. મંદિરની અંદર ભગવાન શંકર અને તેમના વાહન નંદીનો મંડપ છે, જે પુલની મદદથી એકમેક સાથે જોડાયેલા છે. મંદિરની ભીંતો પર પુરાણોને દર્શાવતી તસવીરો છે. એક તસવીરમાં તો કૈલાસ પર્વતોને હલાવતા લંકાપતિ રાવણ નજરે પડે છે. આ સાથે રાવણના સીતા-હરણ, પ્રભુ રામ અને હનુમાનના મિલન સહિતના રામાયણના દૃશ્યો મંદિર પર છે. માત્ર રામાયણ જ નહીં મહાભારતના દૃશ્યો ય નજરે પડે છે.
દંતકથા તો ત્યાં સુધી વહેતી થઈ હતી કે આ મંદિરની નીચે એક પ્રાચીન સભ્યતા પણ રહેતી હતી. એમની પાસે એવા દિવ્ય અસ્ત્રો હતા કે જેનાથી પહાડ કાપીને મંદિર બનાવાયું હતું. પરગ્રહવાસીથી લઈને પ્રાચીન સભ્યતાના દાવા થયા છે પણ એમના પુરાવા નથી. પુરાવા ન હોવાથી એ વાત સાચી ન ગણાય તો પુરાવા ન હોવાથી એ વાત ખોટી ય થોડી ગણાય?
આ અનોખું કૈલાસ મંદિર જોવું હોય તો સૌથી પહેલા છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કે એરપોર્ટ પહોંચી જવું. આ કૈલાસ મંદિર રેલવે સ્ટેશનથી 28 કિ.મી. દૂર છે. ત્યાં જવા માટે રાજ્ય માર્ગ પરિવહન નિગમની અનેક બસ મળી રહે. મોટર માર્ગે જાઓ તો પુણેથી 250 કિ.મી. અને મુંબઈથી 330 કિ.મી. અંતર પ્રવાસ કરવો પડે. (સંપૂર્ણ)
આપણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : ઝુબિન ગર્ગ ને ડો. હિમા સાને: જીવનની મર્યાદા આપણા મનની મર્યાદા નથી