કવર સ્ટોરી : પાકિસ્તાન સાથેની ટક્કર વખતે અમેરિકાના દબાણ હેઠળ કઈ કઈ સરકાર ખરેખર નહોતી ઝૂકી?

-વિજય વ્યાસ
26/11 /2008 ના આતંકવાદી હુમલા પછી એ વખતની કૉંગ્રેસ સરકારે કયા વિદેશી દબાણ હેઠળ પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી નહોતી કરી એવી પૃચ્છા કરીને વડા પ્રધાને નવો વિવાદ જગાડ્યો છે. વર્તમાન સરકાર સામે પણ આવા આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ‘આપણે પાકિસ્તાન સામે કેમ વારંવાર નમતું જોખીએ છીએ’ એનું રહસ્ય વધારે ને વધારે ગૂંચવાતું જાય છે…
મુંબઈમાં 2008ના 26/11ના આતંકવાદી હુમલા પછી એ વખતની કૉંગ્રેસ સરકારે આર્મીની લાગણીને અવગણી હતી અને વિદેશી દબાણ હેઠળ પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી નહોતી કરી એવો આક્ષેપ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદોનો મધપૂડો છંછેડી દીધો છે.
જોકે, ડો. મનમોહન સિંહ સરકારમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દાવો કરેલો કે, 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી તેમના મનમાં પણ બદલો લેવાનો વિચાર આવ્યો હતો, પણ કેન્દ્ર સરકારે લશ્કરી કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
મોદીએ આ વાતને એ રીતે રજૂ કરી કે, કૉંગ્રેસ સરકારે વિદેશી દબાણ હેઠ કોઈ કાર્યવાહી નહોતી કરી અને સાવ પાણી વિનાની સાબિત થઈ હતી. ચિંદમ્બરમે વિદેશી દબાણ હેઠળ લશ્કરી કાર્યવાહી નહોતી કરી એવું કહ્યું નથી. ‘પહલગામ હુમલા પછી અમારી સરકારે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી, જ્યારે ડો. મનમોહન સિંહની સરકાર 26/11ના આતંકવાદી હુમલા પછી પણ કશું કર્યા વિના બેસી રહી હતી… ‘એવું ચિત્ર ઉભું કરવાની જે પ્રયાસ થઈ રહ્યાં છે, કેમ કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ એક જ રેકર્ડ વગાડી રહ્યા છે કે,: ભારત-પાકિસ્તાનનું યુધ્ધ મેં બંધ કરાવ્યું હતું… ’
જોકે મોદી સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે, ‘કોઈના દબાણ હેઠળ ‘ ઓપરેશન સિંદૂર’ બંધ કરાયું નહોતું…‘ , પણ ટ્રમ્પ આ વાત માનતા નથી. વારંવાર એક જ વાત કર્યા કરે છે કે, પોતે ટૅરિફની ધમકી આપીને યુદ્ધવિરામ કરાવ્યો હતો.
કોઈ જૂઠ સો વાર બોલો તો લોકો તેને સાચું માનવા લાગે છે એવું કહેવાય છે. આ વાત આજના રાજકારણીઓથી વધારે સારી રીતે બીજું કોણ સમજી શકે? ટ્રમ્પની વાતને આપણી સરકાર જૂઠાણું ગણાવે છે, પણ ટ્રમ્પ આ વાત કર્યા જ કરે તેથી લોકો તેને સાચી ના માનવા માંડે એવો કદાચ ડર હશે તેથી મોદીજીએ પોતાની સ્ટાઈલમાં કૉંગ્રેસ સરકાર વિદેશી દબાણ સામે ઝૂકી ગયેલી એવો મમરો મૂકી દીધો એવું રાજકીય સમીક્ષકો માને છે. ટ્રમ્પ સો વાર પોતે યુદ્ધવિરામ કરાવ્યો એ કહેશે તેની સામે મોદી પણ કૉંગ્રેસ સરકાર અમેરિકા સામે ઝૂકી ગયેલી પણ પોતે નથી ઝૂક્યા એ વાતનો મારો ચલાવશે તેથી લોકો પોતાની વાતને સાચી માનવા માંડશે એવી ગણતરી હોઈ શકે….
આમ છતા સરકારે ‘ઓપરેશન સિંદૂર’ અચાનક કેમ રોકી દીધું એ વિશે લોકોને સંતોષ થાય એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી. એ અચાનક બંધ કરવામાં આવ્યું તેમાં ત્રણ વાત શંકાસ્પદ છે.
પહેલી વાત એ કે, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયાં છે તેની જાહેરાત ભારત કે પાકિસ્તાન કરે એ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે કરી નાંખેલી. ભારતે સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકાર્યો તેના 4 કલાક પહેલાં ટ્રમ્પે પેપર ફોડી નાખેલું. ટ્રમ્પને યુદ્ધવિરામની ખબર પહેલાં કઈ રીતે પડી ગઈ તેનો કોઈ ખુલાસો સરકારે કર્યો નથી.
બીજી વાત એ કે, પાકિસ્તાન પર હુમલા બંધ કરવાના બદલામાં પાકિસ્તાન આપણને શું આપશે એ વિશે પણ સરકાર બિલકુલ ચૂપ છે. આપણે પાકિસ્તાનને રગદોળી નાખ્યું હોય ને આપણો હાથ ઉપર હોય તો પાકિસ્તાનની તબાહી રોકવાના બદલામાં ભારતને કંઈક તો મળવું જોઈએ ને ? ભારતને તો કંઈ મળ્યું નથી. આતંકવાદીઓના અડ્ડા હજુ પાકિસ્તાનમાં છે જ ને કાશ્મીરમાં હજુ આતંકી હુમલા ચાલુ જ છે એ જોતાં પાકિસ્તાને કોઈ ખાતરી ના આપી, છતાં ભારતે યુદ્ધવિરામ સ્વીકારી લીધો એ ખટકે છે.
ત્રીજી વાત એ કે, પાકિસ્તાન સરકાર કે આર્મી ચીફે તો યુદ્ધવિરામની તૈયારી બતાવી જ નહોતી. આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે સત્તાવાર રીતે આપી માહિતી પ્રમાણે, ઈન્ડિયન આર્મીના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને પાકિસ્તાની આર્મીના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ કોલ કર્યો પછી ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો હતો.
આ વાત આઘાતજનક છે કેમ કે કાશ્મીર અને આતંકવાદનો મુદ્દો બે દેશની સરકાર વચ્ચેનો છે તેથી પાકિસ્તાનની સરકાર કે બહુ બહુ તો આર્મી ચીફ યુદ્ધવિરામની દરખાસ્ત મૂકે તો ભારતે જવાબ આપવાનો હોય. તેના બદલે એક નીચલી કક્ષાના અધિકારીના કહેવાથી ભારતે પોતાનું ઓપરેશન રોકી દીધું એ કેવું?
આ ત્રણેય મુદ્દે ગળચાં ગળવામાં આવે છે અને કોઈ સંતોષકારક ખુલાસો કોઈની પાસે નથી એ હકીકત છે. મોદી સરકાર પોતે અમેરિકાના દબાણ હેઠળ નહીં ઝૂક્યાની રેકર્ડ વગાડે છે પણ એક ટૂણિયાટ પાકિસ્તાની અધિકારીના કોલ પર યુદ્ધવિરામ કેમ કરી નાંખ્યો એ વિશે કશું બોલતી નથી. યુદ્ધવિરામનો નિર્ણય આર્મીએ લીધો કે સરકારે પોતે લીધો એ વિશે પણ ચૂપ છે.
કાશ્મીરમાં આતંકવાદીઓએ 2019માં સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરીને આપણા 44 જવાનોની હત્યા કરી ત્યારે પણ મોદી સરકાર આ રીતે જ વર્તી હતી. પુલવામામાં 44 જવાનો શહીદ થયા તેના અઠવાડિયા પછી જ ઈન્ડિયન આર્મીના મેજર સહિત બીજા પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. સીઆરપીએફના કાફલા પર હુમલો થયેલો તેનાથી દસેક કિલોમીટર દૂર જ પિંગલિના નામના ગામમાં આતંકવાદીઓ ભરાયેલા હોવાની ખબર પડતાં જવાનોએ ઘરને ઘેરી લીધું હતું.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…!’
આ એન્કાઉન્ટરમાં આપણા 5 જવાનોના જીવ ગયા હતા ને એક નાગરિક પણ મરાયો હતો. આર્મીના જવાનોએ આખા ઘરને ઉડાવી દીધું. તેમાં અબ્દુલ રશીદ ગાઝી ઉર્ફે કામરાન સહિતના બે આતંકવાદી માર્યા ગયા હતા. આતંકવાદી સરદાર મસૂદ અઝહરના પોઠિયા અને 40 જવાનોના જીવ લેનારા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને ઉડાવ્યા પછી આપણા લશ્કરે પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઈન્ડિયન આર્મી અને એરફોર્સે છેક બાલાકોટ સુધી ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકે આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતા.
આર્મી પૂરી તાકાતથી તૂટી પડી તેનો મતલબ એ થયો કે, લશ્કર પાકિસ્તાનના ભુક્કા બોલાવીને પીઓકે પાછું મેળવવા સજ્જ હતું, પણ સરકારે હુમલા અચાનક બંધ કરી દીધા હતા. આ નિર્ણય કેમ લેવાયો તેનો કોઈ ખુલાસો કદી સરકારે કર્યો જ નથી.
શાસ્ત્રી- ઈન્દિરા- વાજપેયી પણ વિદેશી દબાણ સામે ઝૂકી ગયેલાં?
ભારત ભૂતકાળમાં પણ વિદેશી દબાણ હેઠળ પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર લેવાની તક ગુમાવી ચૂક્યું છે. ઈન્દિરા ગાંધી- લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીના સમયમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો અને ભારતે ચોખ્ખી જીત મેળવી હતી તેથી પાકિસ્તાનને પીઓકે છોડી દેવાની ફરજ પાડી શક્યા હોત, પણ શાસ્ત્રી, ઈન્દિરા અને વાજપેયી વિદેશી દબાણ હેઠ ઝૂકી જતાં પીઓકે પાછું મેળવવાની તક એ સમયે રોળાઈ ગયેલી.
પાકિસ્તાને 1965માં કાશ્મીર કબજે કરવા હુમલો કર્યો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ભારતે પાકિસ્તાનનો 3900 ચોરસ કિલોમીટર નવો વિસ્તાર કબજે કરેલો. આપણું લશ્કર આગળ વધતું હતું ત્યાં જ રશિયાનું દબાણ આવતાં કમને યુદ્ધવિરામ સ્વીકાર્યો. રશિયાના દબાણ હેઠળ શાસ્ત્રીજી સોવિયેત યુનિયનના તાશ્કંદમાં પાકિસ્તાન સાથે મંત્રણા કરવા ગયા ને ત્યાં જ એમનું અવસાન થયું તેમાં પીઓકે પણ પાછું ના મળ્યું.
ઈન્દિરા ગાંધીએ 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધેલા. પાકિસ્તાનનાં ઊભાં ફાડિયાં કરીને પૂર્વ બંગાળને આઝાદ કરાવેલું ને બાંગ્લાદેશના રૂપમાં નવા રાષ્ટ્રનો ઉદય કરાવેલો. ભારતે પાકિસ્તાનના 93,000 સૈનિકોને બંદી બનાવેલા. આપણું લશ્કર છેક લાહોરના પાદર લગી પહોંચી ગયેલું. પાકિસ્તાન એ હદે દબાઈ ગયેલું કે તેના સૈનિકો અને લાહોરના પાદરેથી ખસવાના બદલામાં તેને કાશ્મીર પાછું આપવા ફરજ પાડી શક્યા હોત ત્યારે ઈન્દિરાએ પણ અમેરિકા – રશિયા સામે ઝૂકીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે સિમલા કરાર કરીને કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષી ઉકેલવાનો કરાર કર્યો, પણ પીઓકે પાછું ના મેળવી શક્યાં.
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં 1999માં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાની લશ્કરના જવાનો આતંકવાદી તરીકે ઘૂસેલા. ભારત જવાબમાં પૂરી તાકાતથી તૂટી પડ્યું અને પાકિસ્તાનને ખદેડીને ફરી પોતાના વિસ્તારો પર કબજો કર્યો પણ લશ્કરને પીઓકે પર કબજો કરવાની તક વેડફી નાખી. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને વાજપેયી પર દબાણ કરેલું. વાજપેયી યુદ્ધવિરામ સ્વીકારે તેના બદલામાં પોખરણ પરમાણુ પરીક્ષણ વખતનાં કેટલાંક નિયંત્રણો હટાવવાની ક્લિન્ટને ખાતરી આપેલી. ક્લિન્ટનનો નવાઝ શરીફ સાથે સંયુક્ત નિવેદન બહાર પાડીને પાકિસ્તાન હવે પછી લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)નું સન્માન કરશે એવી ખાતરી પણ આપેલી.
આ પણ વાંચો…કવર સ્ટોરી : સ્વદેશી ’ ઝુંબેશ વાત – વિચાર સારા, પણ…