સ્પોટ લાઈટ: ધનજીભાઈ આવે એટલે મનજીભાઈ આનંદમાં રહે… | મુંબઈ સમાચાર

સ્પોટ લાઈટ: ધનજીભાઈ આવે એટલે મનજીભાઈ આનંદમાં રહે…

મહેશ્વરી

રાજેન્દ્ર બુટાલા… આધુનિક રંગભૂમિનું એક આદરણીય વ્યક્તિત્વ. બુટાલાને કેવળ એક નાટ્ય નિર્માતા તરીકે જ ઓળખવા એ એમની સાથે અન્યાય કરવા બરાબર કહેવાય. રંગભૂમિના દરેક પાસાથી વાકેફ બુટાલાના નિર્માણ હેઠળના પહેલા જ નાટકમાં ધુરંધર કલાકારોની હાજરી હતી. મને યાદ છે થાય સુધી તેમનું પહેલું નાટક હતું ‘ચીતરેલા સૂરજ’.

આ નાટકમાં એ સમયના ક્રીમ કલાકારો પરફોર્મ કરી રહ્યા હતા જેમાં દીના પાઠક, પદ્મા રાણી, દીપક ઘીવાલા, તારક મહેતા, શૈલેષ દવે, અરવિંદ રાઠોડ અને રાગિણી હતાં. ખરા અર્થમાં મલ્ટીસ્ટારર નાટક હતું. એમનો એક અખતરો બહુ જાણીતો છે. શૈલેષ દવેના બે ચાર શો પછી બંધ પડી ગયેલા નાટકને રિવાઇવ કરી ‘રમત શૂન ચોકડી’ના નામે ભજવ્યું હતું જે ખૂબ સફળ સાબિત થયું હતું.

આવી નામના ધરાવતા નાટ્યકર્મીનો ફોન આવ્યો એટલે હું રાજી રાજી થઈ ગઈ. આવી વ્યક્તિ ‘કેમ છો? શું ચાલે છે? બધું ઓલરાઇટ છે ને?’ જેવા ઔપચારિક અને ઉપર છલ્લા સવાલો પૂછવા તો ફોન ન જ કરે એ સ્વાભાવિક હતું. નાટક સંબંધી જ કોઈ ફોન હોવો જોઈએ એમ જાણી મેં ફોન પર વાત શરૂ કરી, ‘નમસ્તે રાજેન્દ્ર ભાઈ, તમે મને યાદ કરી એથી આનંદ થયો. હુકમ ફરમાવો.’

વાતચીત શરૂ કરવાની મારી શૈલીથી સામે છેડે રાજેન્દ્ર બુટાલા હસી પડ્યા. ‘મહેશ્વરી બહેન, આપણે બધા રહ્યા નાટકવાળા અને એટલે મોટેભાગે નાટક સંબંધી કામ પડે એટલે ચકરડાં ઘુમાવી દઈએ. વાત એમ છે કે હું એક નાટક પ્લાન કરી રહ્યો છું અને એમાં તમે કામ કરો એવી મારી ઈચ્છા છે.’

હું તો ખુશ થઈ ગઈ. કોઈ નવા અને પ્રતિષ્ઠિત નિર્માતા સાથે કામ કરવા મળે એથી હર કોઈ કલાકાર હરખાઈ જાય. નાટકનું નામ હતું ‘સુગંધનું સરનામું’ અને એનો પ્લોટ કંઈક એવો હતો કે હું આદિવાસી વિસ્તારમાં સોશ્યલ વર્કર તરીકે લોકોના જીવન ઉત્કર્ષ કામ કરતી હોઉં છું.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : શો મેં કર્યો ને ‘નાઈટ’ દેવયાની ઠક્કરને આપી!

શહેરમાં રહી વકીલાત કરતો એક યુવાન મને મા માનતો હતો. એની પાસે એક કેસ આવે છે જેમાં વકીલ આરોપીને ગુનેગાર સાબિત કરવામાં સફળ થાય છે અને એ માણસને સજા થાય છે. કોઈ કારણસર હું (મા) માનેલા દીકરાને મળવા મુંબઈ પહોંચું અને વાતચીતમાં આ કેસની બધી વિગતની જાણ મને થાય છે.

કેસની જાણકારી મળતા મા હેબતાઈ જાય છે અને પછી એવો ખુલાસો થાય છે કે માનેલો દીકરો જેને સજા અપાવવામાં સફળ રહ્યો હતો એ મારો જમાઈ હતો. એટલે હું વકીલ દીકરાને કહું છું કે એ નિર્દોષ હોવા છતાં એને સજા અપાવી છે. તને મેં વકીલ એટલા માટે નથી બનાવ્યો કે તું સમાજનું અહિત કરે. અને હું ઘર છોડી જતી રહું છું. આ સત્ય જાણતા દીકરો ચકરાવે ચડી જાય છે કે આ મારા હાથે શું થઈ ગયું? નાટકની આ થીમ હતી.

આ નાટકને સારી એવી સફળતા મળી. એના 100થી વધુ શો થયા. નાટકનો રોલ અને મળતી ‘નાઈટ’ તો કાયમ આનંદ આપનારી બાબતો હોય છે, પણ આજે એક વાત મારે કહેવી છે કે બુટાલા સાથે કામ કરવાનો અનુભવ બધા કરતા અલગ રહ્યો. મેં અનેક નિર્માતાનાં નાટકોમાં કામ કર્યું છે, પણ રાજેન્દ્ર બુટાલા મારા મોસ્ટ ફેવરિટ નિર્માતા રહ્યા છે અને એનું મુખ્ય કારણ તેમની રખાવટ. દરેક કલાકાર પ્રત્યે તેમની સજાગતા ઊડીને આંખે વળગે એવા હતા. શિસ્તના આગ્રહી ખરા,પણ કડવાશનું નામ સુધ્ધાં નહીં. એમનાં નાટકો હંમેશાં સાફસુથરા રહ્યા છે.

એ સમયે મારા મોટાભાગનાં નાટકોના 100-150 શો તો થતા જ હતા. એકંદરે નવરા બેસવાનો વારો નહોતો આવતો. મારું ગાડું ગબડ્યા કરતું હતું. વચ્ચે વચ્ચે સંભારણાંનો કાર્યક્રમ આવે અને મારે એ માટે તો કોઈ તૈયારી કે રિહર્સલ કરવાની જરૂર ન હોવાથી એના પરફોર્મન્સ બહુ સહેલાઈથી કરી શકતી હતી.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો


ગુજરાત પણ નાનકડી છ શોની ‘સંભારણાં’ની ટૂર કરી આવ્યા. સતત વ્યસ્ત રહેવાથી ધનજીભાઈ (પૈસા) મળતા રહેવાથી મનજીભાઈ (દિમાગ) પણ આનંદમાં અને સ્વસ્થ રહેતું હતું. વચ્ચે એક નાટક કર્યું ‘પ્રેમમાં બધું માફ’. જોકે, એ ગમ્યું નહિ એટલે દર્શકોએ અમને માફ ન કર્યા અને પાંચેક પ્રયોગ પછી તો એ બંધ પડી ગયું. સુપરફ્લોપ નાટક.

નાટક અણધાર્યું બંધ થવાથી હું વિચાર કરતી હતી કે હવે શું કરવું ત્યાં ફરી રાજેન્દ્ર બુટાલાનો ફોન આવ્યો. ફરી એજ ઉષ્માભર્યા અવાજમાં મને કહ્યું કે ‘મહેશ્વરી બહેન, આપણે નવું નાટક કરવાનું છે.’ હું એમને મળવા ગઈ. નવા નાટકનું નામ હતું ‘સરનામા વિનાનું ઘર.’ એમાં સ્ટોરી એવી હતી કે મારી પુત્રવધૂ અનેક કોશિશો પછી પણ માતૃત્વ ધારણ નથી કરી શકતી.
એવામાં એક દિવસ મને ખબર પડે છે કે વહુ પ્રેગ્નન્ટ છે. સ્વાભાવિક છે કે મારા આનંદ ની કોઈ સીમા ન રહી હોય. દાદી બની બાળકને રમાડવાનાં સપનાં જોવા લાગી. પુત્રવધૂના સીમંતનો દિવસ નજીકમાં હોય છે ત્યારે એવામાં એક દિવસ મારો દીકરો દુલ્હનના વેશમાં એક કન્યાને ઘરે લઈ આવે છે અને કહે છે કે ‘મેં આની સાથે લગ્ન કરી લીધા છે.’ મારા પર તો વીજળી જ ત્રાટકી કે હાય, હાય મારો દીકરો આ શું કરી બેઠો?

જોકે, ઢીલી પડી ગયેલી મા તરત સ્વસ્થ અને કઠણ મનની બની જાય છે. પુત્રવધૂની તરફેણ કરી દીકરાને કહે છે કે તને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. દીકરો પણ મક્કમ છે અને કહે છે કે ‘એને તો હું મારી સાથે જ રાખીશ. આ ઘરના ભાગલા પાડો અને મારો હિસ્સો મને આપી દો અને મારે ક્યાં રહેવાનું એ મને કહી દ્યો.

માં કોઈ લાગણીવેડામાં ખેંચાઈ નથી જતી અને નોકરને બોલાવી કહે છે કે એક સફેદ લીટી મારી ઘરના બે ભાગલા કરી નાખો. વળાંક લેતી વાર્તા આગળ વધે છે અને અંતે એવો ખુલાસો થાય છે કે પેલી છોકરીના લગ્ન થયા હોય છે અને એ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એનો પતિ એને તરછોડી દે છે. મારો દીકરો માનવતાના ધોરણે એને ઉગારી ઘરે લઈ આવે છે પણ સાચી વાત કોઈને કહેતો નથી. મા અને દીકરાની પત્ની એમ સમજી બેસે છે કે આ બીજી લઈ આવ્યો. અંતે બધો ખુલાસો થાય છે. આવી સ્ટોરી હતી. આ નાટક પણ સારું ચાલ્યું અને એના 150થી વધુ શો થયા હતા.

ત્રાપજકર: એક શબ્દ પર 511 દુહા
જૂની ગુજરાતી રંગભૂમિનાં નાટકોને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ અને વ્હાલ મળ્યા એમાં નાટકની રજૂઆત, એમાં કામ કરતા નટનો અભિનય ઉપરાંત નાટકના ગીતકાર અને લેખકનો પણ મોટો ફાળો હતો. નામવંત લેખક-ગીતકારમાં ડાહ્યાભાઈ ધોળશાજી, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મણિલાલ ‘પાગલ’, જીવણલાલ બ્રહ્મભટ્ટ, પ્રફુલ્લ દેસાઈ, મનસ્વી પ્રાંતિજવાળા, કવિ ત્રાપજકર, જી.એ. વૈરાટી, મુળશંકર મુલાણી, કવિ ચિત્રકાર ફૂલચંદભાઈ શાહ, બેરિસ્ટર નૃસિંહ વિભાકર, કવિ જામન વગેરેનો સમાવેશ હતો. ‘શ્રી દેશી નાટક સમાજ’નાં ‘વડીલોના વાંકે’, ‘સંપત્તિ માટે’, ‘સંતાનોના વાંકે’ જેવાં નાટકોને વિશાળ લોકચાહના મળી એનો મુખ્ય શ્રેય આ લેખક મંડળીને જાય છે.

આ લેખક મંડળીના પરમાનંદ ત્રાપજકરના નામની કથા રસપ્રદ છે. તેમનું અસલી નામ છે પરમાનંદ મણિશંકર ભટ્ટ. તેમના પિતાશ્રી સાગરખેડુ અને વેપારી હતા. બાળક પરમાનંદનો સાત ગુજરાતી સુધીનો અભ્યાસ ભાવનગર નજીક આવેલા ત્રાપજમાં થયો હતો. આ કારણોસર તેમના નામ સાથે ’ત્રાપજકર’ તખલ્લુસ તરીકે જોડાઈ ગયું હોવું જોઈએ.

કવિ પરમાનંદ મણીશંકર ભટ્ટ (ત્રાપજકર)ની ખાસિયત એ છે કે ગુજરાતી સાહિત્યમાં માત્ર એક શબ્દ પર 500થી વધારે દુહા લખનાર તેઓ એકમાત્ર સર્જક છે. કવિના પુસ્તક ‘વાણીનાં ફૂલ’માં ‘વિઠ્ઠલા’ શબ્દ પર 511 દુહા લખ્યા છે. વિઠ્ઠલા ત્રાપજકરનું વતન હતું, પહેલો દુહો છે વંદુ પ્રથમ ગણપતિ, વંદુ વીણા નાદ; સમર્થ શાંતિપ્રસાદ, વંદું ગુરુ ને વિઠ્ઠલા! અને 511મો દુહો છે: શાંતિપ્રસાદ ગુરુ મળ્યા, પુનિત બતાવો પંથ; અર્પુ ચરણે ગ્રંથ, વિદુર ભજી વિઠ્ઠલા!

આ પણ વાંચો…સ્પોટ લાઈટ: તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button