
‘ઓવર ધ ટોપ’ એટલે કે ઓટીટીની દુનિયાએ મનોરંજનના માધ્યમમાં ખૂબ જ ઓછાં સમયમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે. ‘ઓટીટી’ આજનાં નવયુવાનોને વધારે આકર્ષે છે, તેનું કારણ એમાં રજૂ થનારી વિવિધ ફિલ્મ્સ અને સિરીઝ છે. બોલિવૂડ માટે તો ઓટીટી એ કમાણીનું નવું સધ્ધર સાધન બની ગયું છે. કોઈ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એના થોડાં સમય પછી ઓટીટી પર રિલીઝ કરવાનો ટ્રેન્ડ થઈ ગયો છે અને અલગ-અલગ ચેનલ પર રજૂ કરવા માટે નિર્માતાઓનો તગડી રકમ ચૂકવવામાં આવે છે.
ઓટીટી ચેનલો પર પણ ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. જોકે, ઓટીટીને કારણે જ વિષયની વિવિધતા, વિષયની રજૂઆતમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘણી વાર ઓટીટી પર અશ્ર્લિલતાનો અતિરેક પણ થઈ જાય છે એટલે સરકારે તાજેતરમાં આવા 25 જેટલાં ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ઘણાં સમયથી ઓટીટી પર સેન્સરશિપ લાદવાની વાત પણ ચાલે છે, જે આખો ચર્ચાનો અલગ વિષય છે.
આપણે આ અઠવાડિયા દરમિયાન એટલે કે રવિવારે તા. 27મી જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી ઓટીટી પર શું રિલીઝ થવાનું છે, તેના પર એક નજર નાખીએ. ઓટીટીમાં પણ નેટફિલક્સ, ડિઝની પ્લસ હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ વીડિયો, સોની લીવ, એમએક્સ પ્લેયર અને વૂટ જેવી ચેનલ લોકપ્રિય છે.
નેટફિલક્સ:
નેટફિલક્સ પર દર શનિવારે અને રવિવારે રાતે ‘ધ ગ્રેટ ઈન્ડીયન કપિલ શો’ હાલમાં રજૂ થાય છે. આ ઉપરાંત કેટલીક સીરિઝ અને હિન્દી ફિલ્મો પણ સતત રજૂ થતી રહે છે. તેમાં હીટ-ધ થર્ડ કેસ, છાવા, સ્કીડ ગેમ્સની સીઝન, ધ રેઈડનો સમાવેશ થાય છે. ‘નેટફ્લિક્સ’ પર 27મી જુલાઈએ ‘હાઉ ટુ સેલ ડ્રગ્સ ઓનલાઈન’ની ત્રીજી સીઝન, 27મીએ જ ‘માઈટી એક્સપ્રેસ’, 28મીએ ‘ધ સ્નીચ કાર્ટેલ – ઓરીજીન્સ’, ટેટૂ રેડો, 29મી જુલાઈએ રિસોર્ટ ટૂ લવ, ટ્રાન્સફોર્મસ: વોર ઓફ સાયબર ટ્રોન, કિંગડમ, 30મીએ – ક્રીતી સેનન અભિનીત ફિલ્મ ‘મિમી’, 30મી જુલાઈએ જ ‘આઉટર બેન્કસ – સીઝન-ટુ’, ધ લાસ્ટ મર્શીનરી, સેન્ટોરવર્લ્ડ, 30મીએ જ ગ્લો અપ-સીઝનથી અને મીથ એન્ડ મોગલ જોવા મળશે. આ વિશ્ર્વ વિખ્યાત અંગ્રેજી ફિલ્મો અને શ્રેણીઓ ખૂબ જ લોકપ્રિય થયેલી હોવાથી લોકો જોવાનું પસંદ કરે છે.
ડિઝની પ્લસ હોટસ્ટાર:
ડિઝની પ્લસ હોટસ્ટાર પર અંગ્રેજી ફિલ્મો ઉપરાંત એનિમેશન ફિલ્મોની બોલબાલા હોય છે. આ સિવાય તેની ખૂબ જ વખણાયેલી સીરિઝ ‘સિટી ઑફ ડ્રીમ્સ-સીઝન ટુ’નું પુન: પ્રસારણ 30મી જુલાઈએ જોવા મળશે. નાગેશ કૂકનૂર દિગ્દર્શિત આ પોલિટિકલ થ્રીલરમાં પ્રિયા બાપટ, અતુલ કુલકર્ણી, સચીન પીલગાંવકર, સુશાંત સિંહ, એજાઝ ખાન જેવાં લોકપ્રિય કલાકારો જોવા મળ્યા હતા. આ ચેનલ પર 28મી જુલાઈએ ‘ટર્નિંગ ધ ટેબલ વિથ રોબિન રોબર્ટસ, ચીપ એન ડેલ, પાર્ક લાઈફ (એનિમેશન ફિલ્મ), બાર્ટકોવિઆક, ધ વંડરફૂલ વર્લ્ડ ઑફ મિકી માઉસ જેવી ફિલ્મો જોવા મળશે.
એમેઝોન પ્રાઈમ વીડિયો:
આના પર અત્યારે પ્રિયંકા ચોપરા અભિનિત ‘હેડ ઓફ સ્ટેટ’, ‘પંચાયત’ની ચોથી સીઝન, ધનુષ અભિનીત ‘કુબેર’, અંગ્રેજી ફિલ્મો અને સીરિઝ ‘ધ ટ્રેઈટર્સ, ધ સમર ટર્નન પ્રિટી, બેલેરીના, કરાટે કીડ’ની ધૂમ છે. આમાંથી અમુક ફિલ્મ અને સીરિઝ જોવા માટે તમારે અલગથી નાણાં ચૂકવવાના રહે છે. આ ચેનલ પર 30મીએ ‘ધ પરસ્યુટ ઑફ લવ’ નામની તેમની લોકપ્રિય સીરિઝ રજૂ થવાની છે.
વૂટ સિલેકટ:
ઓટીટીની ચેનલમાં ‘વૂટ સિલેકટ’ ધીમે-ધીમે ખૂબ લોકપ્રિય થતી જાય છે. અહીં અલગ જ વિષય વસ્તુ ધરાવનારી હિન્દી ફિલ્મો અને સીરિઝનું પ્રમાણ વધારે છે. 27મીએ દીપાનીતા શર્મા, શિવાની દાડેકર, આદિલ હુસૈન, શેખર રવજીયાની અભીનિત ‘લવ ઈન ધ ટાઈમ ઑફ કોરોના, 28મીએ ‘જાન જિગર’, 29મીએ હીના ખાન, ફરીદા જલાલ, રિશી ભૂતાની અભિનિત ‘લાઈન્સ’, 30મી જુલાઈએ ‘ધ સૈલા’ અને 31મી જુલાઈએ પીરિયડ ડ્રામા ‘લિહાફ’ જેવા મળશે, જેમાં તનિષ્કા ચેટરજી, સોનલ સહગલ અને વિરેન્દ્ર સકસેના જેવાં કલાકારો છે.
એમએક્સ પ્લેયર:
આના પર અત્યારે મિટ્ટી એક નઈ પહચાન, ગુટર ગુ, માય આઇઝ આર ફૂલ ઓફ યુ, આશ્રમ-સીઝન થ્રી, ગોલ્ડન બોય, પોન્નીયન સેલ્વમ-ટુ, ભૌકાલ, ફાઈટ્સ બ્રેક સ્ફીયર અને ફર્સ્ટ કોપી એ એકથી નવ નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. એને અલગ-અલગ પ્રકારના રેટિંગ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 29મી જુલાઈએ આશુતોષ રાણા, નીના ગુપ્તા અને જીતેન ગુલાંટી અભિનિત ફિલ્મ ‘છત્તરસાલ’ જોવા મળશે.
આ બધી લોકપ્રિય ઓટીટી ચેનલો છે, જે લોકો વધુ જોવાનું પસંદ કરે છે. આ સિવાય એપલ ટી.વી. પ્લસ, સોની લીવ, ઝી ફાઈવ, જિયો સિનેમા, ઈરોસ નાઉ, હંગામા, હોઈચોઈ, લાયન્સગેટ પ્લસ, સન નેકસ્ટ, શેમારુ જેવી ચેનલો પણ છે. ઓટીટી પર ક્રિકેટ માટેની પણ અલગ ચેનલ જોવા મળે છે. કેટલીક ચેનલો તો એવી છે જેનાં પર જૂની લોકપ્રિય થયેલી સિરીઝ દિવસભર રજૂ થતી રહે છે.
આ પણ વાંચો…OTT પર અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારનો સફાયો; Ullu-ALTT સહીત આ 25 પ્લેફોર્મ્સ પ્રતિબંધ