માનવજાતનો સૌથી ખરાબ સમય કયો? `વર્તમાન…’

કેનવાસ – અભિમન્યુ મોદી
ઐતિહાસિક સમયમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ. સમયને ઐતિહાસિક કહ્યો છે, સારો કે ખરાબ નહિ. ઐતિહાસિક સમય હંમેશાં સારો અને ખરાબ બંને રહેવાનો, ચડાવ અને ઉતાર વાળો રહેવાનો, અણધાર્યા વળાંકોવાળો રહેવાનો. માટે જ તે ભવિષ્યમાં ઈતિહાસ તરીકે લોકો યાદ રાખે. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે. જે ફક્ત ભારત માટે જ નહિ, અમેરિકા જેવા દેશો સહિત દુનિયાની અડધી પ્રજા ટર્મોઇલમાં એટલે કે અંધાંધૂંધી વચ્ચે જીવી રહી છે.
સિરીયા અને બીજા દેશોના લાખો રેફ્યુજીઓ 2025માં પણ યુરોપના દેશોના ઓશિયાળા થઇને મેદાનમાં તાણેલા તંબુઓમાં ઠંડી-ગરમી વચ્ચે દિવસો કાઢી રહ્યા છે. એવું લાગે છે કે આ શરણાર્થીઓને કોઈ સ્વીકારવાનું નથી. તે બાળકોનું શિક્ષણ, નાની ઉમરની છોકરીઓ અને મોટી ઉમરની એકલી સ્ત્રીઓ વગેરેનું ભાવી ફક્ત અંધકારમય જ નથી પણ તદ્દન નિરાશાજનક છે, અમાનવીય છે. મિડલ ઇસ્ટ દેશોની સ્થિતિ આપણે વર્ષોથી જાણીએ છીએ. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તો જાતે જ પોતાનું પતન પ્રેરી રહ્યા છે. એ જ રસ્તે બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશમાં અત્યારે જે હિંદુઓની સ્થિતિ થઇ રહી છે તે હૃદયદ્રાવક છે. તે દેશ ભારત માટે દિવસે ને દિવસે જોખમી બની રહ્યો છે.
જુદા માધ્યમો દ્વારા ઈરાન એવું પ્રસ્થાપિત કરવા માગે છે તે દેશ ઘણો મોર્ડન બનતો જાય છે, પણ અંદરની હકીકત જુદી જ નહિ પણ વિપરીત છે. ઈરાક તો હજુ અઢારમી સદીના માહોલમાં જીવે છે અને તેને આગળ આવવું નથી. જોર્ડન-સીરિયાની હાલત આઈસીસના આતંકવાદે બગાડી નાખી છે જે હજુ બહુ સુધરી શકી નથી. ઉપર યુરોપમાં મોટી ઉથલપાથલ એ થઇ રહી છે કે બ્રિટન ગ્રૂપમાંથી નીકળ્યા પછી મોટો ફટકો રશિયા-યુક્રેઇન યુદ્ધને કારણે લાગ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો અપસેટ બ્રેક્ઝીટ હતો પણ પરોક્ષ યુદ્ધ જેવી સ્થિતિ આ યુક્રેઇનની સળગતી સરહદને કારણે છે.
આ બધા વચ્ચે ચાઈનાના લોખંડી પડદા નીચે સામ્યવાદ ફુલતો જાય છે અને ત્યાં પોલ્યુશન સાથે બેરોજગારી વિકરાળ બનીને ઊભી છે. રશિયામાં પુતિનભાઈ ખુદ રશિયા માટે અને બીજા માટે ખતરો બની શકે એમ છે. વિશ્વને સૌથી મોટો આંચકો ડોનલ્ડ ટ્રમ્પની બીજી વખતની જીતથી લાગ્યો છે. અમેરિકાએ પોતાની જે છાપ વિશ્વના લોકો પાસે ઊભી કરેલી તે દંભી છાપ ચકનાચૂર થઇ ગઈ છે. જેન્ડર ઇક્વાલીટી, સિટિઝન ઇક્વાલિટી, વીમેન રીસ્પેક્ટ, ટેક્સ પેયીંગ વગેરેનું અભિમાન લેતા અમેરિકનોએ તેવી વ્યક્તિને બીજી વાર ચૂંટી કાઢી જે ઉપરોકત સૂચીમાંથી એક પણ ગુણ ધરાવતી નથી.
વર્લ્ડ પોલીટીકલ સિનારિયો ચેન્જ થતો જાય છે. આધુનિકતા સાથે આપણી ધારેલી દિશામાં પ્રગતિ થવાને બદલે કોઈ ભળતી જ દિશામાં વિકાસ થઇ રહ્યો એવું સરેરાશ નાગરિક મહેસૂસ કરે છે. લોકોની ચોઈસ કળી ન શકાય એવી અનપ્રેડિકટેબલ-અનપેક્ષિત – થતી જાય છે. કદાચ વૈશ્વિક નાગરિક વધુ ને વધુ મનોરંજન-પ્રેમી થતો જાય છે.
આપણે ત્યાં પણ એવું છે. ક્રિસમસ પર અમુક કટ્ટરવાદીઓ તોડફોડ કરે કે સાંતાના કોસ્ચ્યુમ વેચતા ગરીબ ફેરિયાઓ ઉપર રોફ જમાવે તો પણ આપણે બધા મજા કરી રહ્યા છીએ. માણસને હવે મોનોટોની ગમતી નથી. એકધારાપણાનો કંટાળો પહેલાં ફક્ત અંગત જિંદગીમાં ખૂંચતો. હવે દેશમાં અને સમાજમાં પણ ખટકે છે. સાં કે ખરાબ થાય એમાં લોકો હવે બહુ નથી પડતા. કંઇક જુદું થાય છે એની મજા આવે છે. જુદું થાય એ અવિચારી હોય કે લાંબે ગાળે ફાયદાકારક હોય, પણ એના વિશે અટકળો કરવી, તેના જોક્સ બનાવીને ફોરવર્ડ કરવા, વીડિયોથી લઇને મિમિક્રી મેસજે કરવામાં અનેરો આનંદ આવે છે.
હા, મિમ બનાવવામાં ભારતીયોની સામુહિક સર્જનાત્મકતા ખીલી છે. હવે શિયાળાના આગમનની વિવિધ વાનગીઓના કે ચોમાસાની વિદાયના કાવ્યો સિવાય પણ કંઇક વધારાનું પબ્લિકને ખપે છે અને રાજકારણ, મીડિયા તથા સત્તાધીશો લોકોની આ મનોરંજન ભૂખ પૂરતા પ્રમાણમાં પોષી રહ્યા છે. બદલાતી જતી સ્થિતિમાં સર્વાઈવલ સાથે પ્રોગ્રેસની ચિંતા પણ આપણને સતાવતી હોય છે. અમુક વાતો આપણે સ્વીકારવી જ રહી. હિંદુ ગ્રંથોમાં કળયુગનું વર્ણન આવે છે, એમાં એવું કંઇક છે:
`અમીરો ચિંતામાં હશે અને ગરીબો ખુશ હશે, કુંવારાઓ સુખી હશે અને પરિણીતો દુ:ખી!’ હસવું આવે પણ અત્યારની સ્થિતિ આનાથી ક્યાં બહુ જુદી છે? કહેવાનું એમ છે કે ખરાબ સમય તો આવવાનો જ અને તેની તીવ્રતા પણ વધતી જ જવાની…
ચેન્જ ઈઝ ઇનએવીટેબલ. પરિવર્તન સંસારનો જ્યાં નિયમ હોય ત્યાં આપણે મોહબત્તે'ના અમિતાભ બચ્ચન બનીને ઊભા રહીએ કેબદલતી ચીઝે મુજે પસંદ નહિ’ તો હવાની નાનકડી લહેરખી પણ આપણને ફગાવી દે. બીલ ગેટ્સ પોતાના પુસ્તકમાં એટલે જ શરૂઆતમાં લખે છે, ચેન્જ યોરસેલ્ફ બીફોર ચેન્જ ચેન્જીઝ યુ. પરિવર્તન તમને બદલાવી નાખે તેની પહેલા ખુદ તમે પરિવર્તન આણો. બદલાવ ન લાવી શકો તો કઈ નહિ પણ બદલાવ સાથે અનુકુલન સાધવું તો આપણા હાથમાં છે. ખુદ કુદરત પણ જાણે રીસ્ટાર્ટનું બટન દાબી પોતાને બદલાવતી રહે છે તો માણસે બનાવેલી સુખસાહ્યબીનું શું ગજું.
ટૂંકમાં, પરિવર્તન આવશે, આવશે અને આવશે. તેના માટે તૈયાર નહિ રહો તો દુનિયા તમને સ્વીકારવા તૈયાર નથી રહેવાની.
જડસુ પરંપરાઓને વળગી રહીને આપણું કે આપણી સાથે જોડાયેલા લોકોનું ખરાબ થવા દઈએ તેના કરતાં બેહતર છે કે બદલાવને ખુલ્લા દિલે સ્વિકારીએ. ચેન્જને એન્જોય કરીએ. નવું વર્ષ આવી રહ્યું છે તો તેને નવા જોમ, જુસ્સા અને પરિવર્તન તરફ પ્રેમની ભાવનાથી આવકારીએ અને ખુશ રહીએ.
ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા એ જ આખરી માનવધર્મ છે.
આપણ વાંચો: રોલ ન હોવા છતાં રિહર્સલમાં હાજર રહેવાનો ફાયદો સમજાયો



