ઉત્સવ

કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

ગુજરાતી સાહિત્યની અનેક રચના – કૃતિઓમાં ગજબનાક ભાષા લાલિત્ય ફેલાયેલું છે. કહેવતો અને રુઢિપ્રયોગો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન, બોધ અને શીખ મળે છે. અનેક વાર જોવા મળ્યું છે કે કહેવતોમાં મૂળ હાર્દ જાળવી સામાન્ય ફેરફાર સાથેની રજૂઆત અલગ પહેલું દર્શાવે છે. લોકસાહિત્યનો ખજાનો ધરાવતી ઝવેરચંદ મેઘાણીની રચનાઓ પૈકી ‘સૌરાષ્ટ્રની રસધાર’માં બહુ સરસ વાત છે કે ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. અહીં ભણતરનો મહિમા ગવાયો છે. નિયમિત અભ્યાસ કરવાથી પ્રવીણ થઈ પંડિત થવાય એટલે કે કૌશલ આવે અને લખવાની આદત કેળવવાથી લેખનકાર્યમાં માહેર થવાય. મહાવરાનું મહત્ત્વ અહીં સમજાવવામાં આવ્યું છે. એક આદત, એક કોશિશ ફળમાં રૂપાંતરિત થાય એ જ વાત લાંબું અંતર કાપવાનું હોય ત્યારે ચાર ચાર ગાઉ ચાલી એ ઓળંગવામાં આસાની રહે એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ કહેવતનો વિસ્તાર જીવનનું અલગ સત્ય સમજાવે છે. ભણતા પંડિત નીપજે લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય, પોપટ પણ અભ્યાસથી શીખે બોલતા બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. અભ્યાસના મહાવરા પર ભાર આપી કહેવામાં આવ્યું છે કે માણસને બોલતો સાંભળી પોપટ પણ બોલતા શીખી જાય છે અને જે આળસ કરે છે, કોઈ જ પ્રકારના મહેનત – ઉદ્યમ નથી કરતો એ નર ખરને તોલ એટલે કે ગધેડા જેવો છે. ગધેડો એટલે અક્કલહીન પ્રાણી એવી સર્વસામાન્ય ઓળખ છે. કોઈ જગ્યાએ આ કહેવતનો અલગ વિસ્તાર પણ જોવા મળે છે જે સમાજ પર કટાક્ષ કરે છે. લખતા લહિયો. ભણતા છૈયો, વાંચતા પંડિત હોય, લડતા શેઠિયો નીપજે, તેનું કૂળ ન પૂછે કોઈ. અહીં પણ ભણતરનો મહિમા રજૂ થયા પછી સરસ્વતી સામે ક્યારેક લક્ષ્મી વધુ મહત્ત્વ પ્રાપ્ત કરે છે એવી અણિયાળી વાત કરવામાં આવી છે. ભણતર ન હોય પણ સંઘર્ષ કરી કે પછી થોડા આઘાપાછા કરી મૂડી કમાઈ શેઠ બની ગયો એ વ્યક્તિ કયા કૂળની છે એવો સવાલ નથી કરવામાં આવતો. ધનની ધજા ફરકે એ વાત સુપેરે સમજાય છે.

मार्मिक म्हणी

ગુજરાતીની જેમ મરાઠી ભાષાની કહેવતોમાં પણ માહિતી અને ઉપદેશની હાજરી એ કહેવતોને અર્થસભર બનાવે છે. તળપદા શબ્દ પ્રયોગોને કારણે કહેવતને સૌંદર્ય પ્રાપ્ત થાય છે અને એ માર્મિક બને છે. એક મજેદાર કહેવત છે हपापा चा माल गपापा. આ કહેવતમાં નજરે પડતા હપાપા – ગપાપા એ બંને શબ્દ જોડણી કોષમાં જોવા નથી મળતા. એનો વિશિષ્ટ અર્થ સુધ્ધાં નથી. કોઈ પાસેથી ઝૂંટવી લીધેલી વસ્તુ કે સંપત્તિ કોઈ ત્રીજી જ વ્યક્તિ લઈ જાય એવો ભાવાર્થ છે. અન્યાયથી મળેલી વસ્તુ ટકે નહીં એ બોધ અહીં મળે છે. આવી જ સમાનાર્થી કહેવત ગુજરાતીમાં પણ છે ને કે અટાઉનો માલ બટાઉમાં જવો. બીજી એક કહેવત છે अडली गाय फटके खाय : મોંસૂઝણાની વેળાએ ગાયનું ધણ પાછું વળી રહ્યા હોય ત્યારે જો એકાદી ગાય કોઈ કારણસર અટકી પડે તો એને ફટકારવામાં આવે જેથી એ દોડી રહેલી અન્ય ગાયો સાથે ફરી દોડતી થઈ જાય. શ્કેલીમાં હોય એ વ્યક્તિને હેરાન કરવામાં આવે એ એનો ભાવાર્થ છે. પડતાને પાટુ કહેવત તમે જાણતા જ હશો. अन्नाचा मारलेला खाली पाही नि तलवारीचा मारलेला वर पाहिली. આ કહેવત બળવાન – નિર્બળનો સંબંધ દર્શાવે છે. ભૂખ્યાને અન્ન આપો તો એ તમારી સાથે નમ્રતાથી પેશ આવશે, પણ જો એની સાથે અન્યાય કરો કે એનું નુકસાન કરો તો એ તમારો દુશ્મન બની જાય. જેવા સાથે તેવા જેવો ઘાટ થાય. हात ओला तर मित्र भला. આ પણ માર્મિક કહેવત છે. મિત્રતા પર વ્યંગ – કટાક્ષ છે. તમારી પાસે સંપત્તિ હશે અને તમારી પાસેથી કંઈક મળશે એવી આશા હશે ત્યાં સુધી જ દોસ્તી – મૈત્રી ટકી રહે છે. જેવું એ આશામાં કાણું પડે કે તરત મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સુકાઈ જાય છે.

Rent law का ग़म करें या Bill of Income Tax का?

ગયા સપ્તાહમાં આપણે Henry Louis Vivian Derozio રચિત અંગ્રેજી કવિતામાં છેક 1827થી હિન્દીના ઉપયોગથી વાકેફ થયા. અલબત્ત એમની રચનામાં હિન્દીનો ઉલ્લેખ અછડતો હતો, વ્યાપક નહીં. હિન્દી સાહિત્યમાં ખડી બોલીને પદ્યમાં સ્થાપિત કરનારા કવિ અયોધ્યા પ્રસાદ ખત્રીની રચનામાં હિંગ્લિશનો વિસ્તારિત ઉપયોગ જોવા મળે છે. એમની એક રચનાની પંક્તિઓ પરથી મુદ્દો સ્પષ્ટ થાય છે: Rent law का ग़म करें या Bill of Income Tax का?/ क्या करें अपना नहीं है sense right now – a – days/ Darkness छाया हुआ है हिन्द में चारों तरफ/ नाम की भी नहीं बाकी ना light now – a – days. ખત્રીજી અન્ય કવિઓને ખડી બોલીમાં લખવા પ્રોત્સાહિત કરતા હતા.

સપ્ટેમ્બર મહિનામાં નેપાળમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી હતી. સમગ્ર નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી હિંસક દેખાવ જોવા મળ્યા જેનું નેતૃત્વ Gen Z તરીકે ઓળખાતી યુવા પેઢીના હાથમાં હતું. Gen Z means Generation Z. Gen Z refers to the demographic cohort born roughly between 1997 and 2012, who are known as “digital natives” because they grew up with the internet and smartphones. જેન ઝી (અંગ્રેજી ભાષાનું વિશેષ ચલણ ધરાવતા અનેક દેશમાં અંગ્રેજી આલ્ફાબેટના અંતિમ અક્ષરનો ઉચ્ચાર ઝેડ નહીં ઝી તરીકે થાય છે. એટલે જનરેશન ઝેડ જેન ઝી તરીકે વિદેશમાં ઓળખ ધરાવે છે. 1997થી 2012 વચ્ચે જન્મેલા લોકો અને વિશેષ તો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વપરાશ કરી ઉછરેલી આ પેઢી ‘ડિજિટલ નેટિવ’ (ડિજિટલ યુગની પેઢી) તરીકે પણ ઓળખાય છે. આપણા દેશના યંગસ્ટર્સમાં અને ખાસ કરીને મહાનગરોમાં हिंग्लिश ( हिंदी + English નું મિશ્રણ) ચલણ વધુ જોવા મળે છે. શહેર, રાજ્ય અને દેશની સીમા રેખાના ભેદ ભૂંસાઈ ગ્લોબલાઈઝેશનનો સ્વીકાર હિંગ્લિશની સ્વીકૃતિમાં નજરે પડે છે.

હિંગ્લિશના પ્રચાર અને પ્રસાર થકી એને લોકપ્રિય બનાવવામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો ફાળો છે. ફિલ્મની વાર્તાના પાત્રો કોસ્મોપોલિટન (વિવિધભાષી) હોવાને કારણે તેમના આપસી વ્યવહારની ભાષા હિંગ્લિશ હોય છે. સોફેસ્ટિકેશન, મોડર્ન આઈડેન્ટિટી અને પ્રોગ્રેસીવ એટિટ્યૂડ (શાલિનતા, આધુનિક ઓળખ અને પ્રગતિવાદી વિચારધારા) આ ભાષાના ઉપયોગથી સિદ્ધ થાય છે. મહત્ત્વાકાંક્ષી લોકોની ભાષા બની ગઈ છે હિંગ્લિશ. ટૂંકમાં હિંગ્લિશ એ માત્ર આપસી બોલચાલમાં સરળતા જ નથી દર્શાવતી, સમકાલીન ભારતીય ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. આ વર્ણસંકર ભાષા ગેન ઝી માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની ગઈ છે. 1990ના દાયકામાં હિંગ્લિશ પ્રયોગનું ચલણ વધવાની શરૂઆત વિજ્ઞાપન ક્ષેત્રે – એડવર્ટાઈઝિંગ ફિલ્ડથી શરૂ થઈ હોવાનું કહેવાય છે. Come on girls, वक्त है shine करने का, તેમજ हर एक friend ज़रूरी होता है જેવા સ્લોગન પરથી આ દલીલને સમર્થન મળે છે. ક્યાંક અંગ્રેજી વધુ, હિન્દીની માત્ર હાજરી તો ક્યાંક હિન્દી વધુ અને અંગ્રેજીની માત્ર હાજરી જોવા મળે છે.

આપણ વાંચો:  આજે તમે શું શોધી રહ્યા છો… ઉંદર કે હરણ?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button