ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ કઈ રીતે ઈન્વેસ્ટર તરીકે મૂઠી ઊંચેરા સાબિત થાય છે?

  • જયેશ ચિતલિયા

વર્ષે 2024ના વરસનો ઉત્તરાર્ધ- છેલ્લા ચાર-પાંચ મહિના જગતભરનાં શેરબજાર માટે કપરા ઠર્યાં. 2025નો પ્રારંભ પણ ભારે રહ્યો. ભારતીય શેરબજારે લાંબી એકધારી તેજી અને સતત નવી ઊંચાઈ જોયા બાદ આડેધડ કડાકા પણ જોયા. આ બધાં વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદે આવીને વિશ્વના મોટાભાગનાં અર્થતંત્રો અને બજારોની બેન્ડ વગાડી દીધી તેમ છતાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુ વોરેન બફેટ આવા કપરાં સમય-સંજોગોમાં પણ ભરપૂર કમાયા. એનાં કારણ તારણ આપણે સમજવા રસપ્રદ રહેશે…

આમ તો શેરબજારમાં રસ લેનારી દરેક વ્યક્તિ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુ વોરેન બફેટના નામથી પરિચિત છે. આ હસ્તી વિશ્વના ટોચના સંપત્તિવાનોની યાદીમાં તો છે, પણ એમની ઈન્વેસ્ટમેન્ટ જગતમાં જે ગરિમા સાથે કુશળતા છે તે જગતભરના રોકાણકારો માટે પ્રેરણાદાયી છે. એમના સિધ્ધાંતો નાના-મોટા રોકાણકારો માટે ઉપયોગી છે તેમ જ પથદર્શક પણ છે.

દુનિયાભરની શેરબજારો માટે 2024-25નું વર્ષ ઊથલપાથલવાળું બની રહ્યું. અનેક આર્થિક અને રાજકીય પડકારોનું જાણે મોજું ધસી આવ્યું. આવો પડકાર અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફ્સ (વેપાર જકાત) માર્ગે પણ આવ્યો અને હજી ચાલી રહ્યો છે. જ્યારે આ બજાર વધુને વધુ અનિશ્ચિતતા તરફ ઘસડાઈ રહ્યું હતું ત્યારે વોરેન બફેટની નેટવર્થ આ વર્ષમાં 21 અબજ ડૉલર વધી ગઈ. ન્યુઝ-રિસર્ચ એજન્સી `બ્લૂમબર્ગ ઈન્ડેક્સ’ દ્વારા ટે્રક કરાયેલા 500 અબજપતિઓમાં બફેટ એક એવા છે, જેને સૌથી મોટો ફાયદો-નફો થયો છે.

આ પણ વાંચો:સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…

બફેટની સંપત્તિવૃદ્ધિ વધારે સૂચક એટલા માટે છે કે આ વર્ષમાં ટોચના 15માંથી માત્ર 4 અબજપતિ જ એમની સંપત્તિને વધારવામાં સફળ રહી શક્યા છે. બફેટ માટે આમ શક્ય એટલા માટે બન્યું છે કે એમની કંપની `બર્કશાયર હેથવે’ના શેરના ભાવમાં મજબૂત ઉછાળો આવ્યો અને હાલ તે લગભગ રેકોર્ડ ઊંચી સપાટીએ ટે્રડ થયો છે. આ વર્ષમાં હેથવેનો શેર 16 ટકા વધ્યો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટમાં એ જ સમયગાળા દરમિયાન 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વર્ષમાં આ શેરની તેજીને બળ મળ્યું હતું બર્કશાયર ગ્રુપે ચોથા ક્વાર્ટરમાં મેળવેલો વિક્રમસર્જક નફો, જે વીમાના કામકાજમાં આવેલા સુધારાને આભારી હતો.

કેશ કરતાં ઈક્વિટી બહેતર

એ બહુ જાણીતી વાત છે કે `બર્કશાયર હેથવે’ એ ગયા વર્ષે એપલ અને બેન્ક ઓફ અમેરિકાના અબજો ડૉલરની કિમતના શેર વેચી દીધા બાદ એની પાસે 325 અબજ ડૉલરની વિક્રમી રોકડ રહી. આ રોકડ ભંડાર દિગ્ગજ ટેક જાયન્ટ્સ એપલ, માઈક્રોસોફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન અને એનવીડિયા કોર્પના સંયુક્ત ભંડાર કરતાંય મોટો ગણાય.

અહીં નોંધવા જેવી વાત એ છે કે આ વર્ષે પછીથી માર્કેટના જે અચાનક રીતે ભૂક્કા બોલાઈ ગયા એને લીધે એવી અટકળો વહેતી થઈ કે બફેટને ખબર હતી કે શું બનવાનું છે. કેટલાક એનાલિસ્ટ બર્કશાયરમાં રોકડ સ્થિતિ (કેશ પોઝિશન)ને જે દ્રષ્ટિએ જુએ છે, પણ બફેટે તો રોકડ કરતાં ઈક્વિટીને બમણું પ્રાધાન્ય આપ્યું છે અને એમાં નજીકના ભવિષ્યમાં કોઈ ફેરફાર થાય એમ નથી.


બફેટે તો શેરહોલ્ડરોને ખાતરી આપી છે કે બર્કશાયર એમનાં નાણાંનો નોંધપાત્ર મોટો હિસ્સો હંમેશાં ઈક્વિટીમાં જ રોકશે અને તેમાં પણ મોટે ભાગે અમેરિકન ઈક્વિટી જ હશે. જોકે એમાંની ઘણી ઈક્વિટીની આંતરરાષ્ટ્રીય કામગીરી પણ મહત્ત્વની હશે.

બર્કશાયર ક્યારેય પણ સારા બિઝનેસની માલિકીની તુલનામાં રોકડ સંપત્તિની માલિકી ધરાવવાનું પસંદ નહીં કરે, પછી ભલે એ પૂરા નિયંત્રણની માલિકી હોય કે આંશિક હોય’ આ પ્રકારની સ્પષ્ટતા કરી હોવા છતાં એનાલિસ્ટ વર્ગ એમ કહે છે કે, હાલ સર્વત્ર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેથી બજારની આ અનુભવી ગ્લોબલ હસ્તી સાવધાની રાખવાનો સંકેત કરે છે. ટેરિફને લીધે સતત વધતી આશંકાઓ અને ચિંતાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી મંદીની વાતોએ જોર પકડ્યું હતું.

આ પણ વાંચો:અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…

અમેરિકા સહિત વૈશ્વિક બજારો આ મુસીબતનો ભોગ બની છે. અમેરિકી બજારોમાં વેચવાલી ચાલુ હતી ત્યારે બર્કશાયરે શાંતિપૂર્વક પાંચ જાપાની ટે્રડિગ હાઉસિસમાં પોતાનું હોલ્ડિંગ વધાર્યું હતું. બર્કશાયરે પાંચ જાપાની કંપનીઓનાં શેર ખરીદવાનું શરૂ કર્યાને લગભગ છ વર્ષ થઈ ગયા છે અને બફેટના જણાવ્યાનુસાર, આ કંપનીઓ ઘણે અંશે બર્કશાયરની જેમ જ સફળતાપૂર્વક કામગીરી બજાવે છે. મિત્સુઈ એન્ડ કંપનીમાં બર્કશાયરનો હિસ્સો 8.09 ટકાથી વધીને 9.82 ટકા થયો છે, જ્યારે મિત્સુબિશી કોર્પ, સુમિતોમો કોર્પ, ઈટોચુ અને મબેની કંપનીમાં પણ તેનું હોલ્ડિંગ સારી એવી ટકાવારી સાથે વધ્યું છે.

ઈન્વેસ્ટર તરીકે બફેટ

આ મામલે રોકાણકારે બફેટની વિચારધારાને સમજવી જોઈએ, બફેટ કેશ રાખી મૂકવાને બદલે ઈક્વિટીમાં રોકાણ કરી રાખવાનું પસંદ કરે છે. આ માટે તે યોગ્ય અભ્યાસ કરીને જોખમ પણ લે છે. બફેટના રોકાણ સિધ્ધાંત મુજબ જે કંપનીમાં રોકાણ કરો તે કંપનીના ફંડામેન્ટલ્સ-કામગીરીને ખાસ સમજો. તેની ભાવિ યોજનાઓ જાણો. જેનું કામકાજ સમજાતું નથી એવી કંપનીમાં રોકાણ કરવાનું ટાળો. જયારે પણ રોકાણ કરો ત્યારે લાંબા ગાળાનો જ વિચાર અને અભિગમ રાખો. ડેરિવેટિવ્ઝ જેવા સટ્ટાકીય સાધનોથી સંપૂર્ણપણે દૂર રહો. જેની ઈકિવટીમાં રોકાણનું આયોજન કરો છે તે કંપનીઓનો અભ્યાસ સતત ચાલુ રાખો.

જ્યારે આપણે?

આપણે રોકાણકાર તરીકે અભ્યાસને બદલે માત્ર ટિપ્સ કે અખબારો-ટીવી માધ્યમોના આધારે નિર્ણય લઈએ છીએ, જેમાં આપણી પાસે આવેલી માહિતી કેટલી સાચી-વિશ્વસનીય છે તેની આપણને જ ખાતરી હોતી નથી. આપણે જબરી તેજીમાં જ રોકાણ કરવા આગળ આવીએ છીએ, બાકી મંદીમાં પાછળ ચાલ્યા જઈએ છીએ. આવું તો ઘણું બધું આપણે વિશ્વ ગુ કરતાં ઊંધું કરીએ છીએ. આપણે સારા ગુના સારા શિષ્ય પણ બની શકતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button